Lifestyle: શું તમે પણ શાકભાજીને બજારમાંથી લાવ્યા બાદ સારી રીતે ધુઓ છો? જો કરતા હો તો સ્વાસ્થ્યને અનુલક્ષીને આ ઘણી સારી બાબત છે. પરંતુ, શાકભાજી સમાર્યા બાદ એને ધોવાનું યોગ્ય છે ખરું? જો આ વિશે તમે ન જાણતા હો તો અહિં આ લેખ તમારી મદદ કરી શકે છે. તો ચાલો જાણીશું કે, સમારી લીધા પછી શાકભાજીને કેટલી વખત ધોવી જોઇએ?
વિવિધ શાકભાજી (Vegetables)માંથી સારી એવી માત્રામાં પોષક તત્વો (Nutrition) પ્રાપ્ત થાય છે. પણ આ બધાને ત્યારે જ ફાયદો મળશે જ્યારે તમે એમને સાચી રીતે છોલવાની, સમારવાની, ધોવાની અને રાંધવાની રીત જાણતા હશો! જો આ તમામ પૈકીનું એક પણ સ્ટેપ બરાબર રીતે ન કરવામાં આવે તે શાકભાજીમાંથી મળતા પોષક દ્રવ્યો ઓછા થઇ શકે છે. તો ચાલો હવે જાણીએ કે, સમારી લીધા પછી શાકભાજીને કેટલી વખત ધોવી?

આ અંગે શું છે FDA નું સૂચન?
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના જણાવ્યા અનુસાર, તમે બજારમાંથી શાકભાજી ખરીદીને લાવો, એ પછી સૌથી પહેલા તમારે તમારા હાથને ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી, ગરમ પાણી (Warm Water)અને સાબુ વડે ધોવા જોઇએ. એ પછી તમે શાકભાજીને સારી રીતે મસળીને નળ નીચે વહેતા પાણીમાં ધોઇ શકો છો. શાકભાજીના બહારના પડ (Layer)ને સ્વચ્છ કરવું અત્યંત જરુરી છે. આ માટે તમારે છોલતા પહેલા કોઈ પણ શાકભાજીને ઓછામાં ઓછી બે વખત અવશ્ય ધોવી જોઇએ.
ધ્યાનમાં રાખવી આ ટિપ્સ (Tips)
1. જે શાકભાજીને છોલી શકાય એમ હોય એને હળવા હાથે છોલવી જોઇએ. જો બહુ જાડી છાલ ઉતારશો તો એમાં રહેલા પોષક તત્વો ઓછા થઈ શકે છે.
2. આ ઉપરાંત, જે શાકભાજીને છોલ્યા વિના જ રાંધી શકાય એમ હોય તો એને છાલ સહિત જ સમારવી (Chopping) જોઇએ કારણ કે, છાલમાં પણ ઘણા પોષક તત્વો હાજર હોય છે જે આપણા શરીરને પ્રાપ્ત થઇ શકે.
3. જ્યારે રસોઇ બનાવવાનું શરુ કરો ત્યારે જ શાકભાજીને છોલવી અને સમારવી જોઇએ. 2-4 કલાક પહેલા જ કાપીને રાખવાથી એના પોષક તત્વોમાં ઉણપ આવી શકે છે.

શાકભાજીને ધોવાની યોગ્ય રીત
શું તમને પણ શાકભાજી સમાર્યા બાદ, જે રીતે આપણે દિવેલથી મોયેલા ચોખા કે કઠોળને ધોઇએ છીએ એ રીતે, બે-ચાર વખત પાણીથી ધોવાની ટેવ છે? જો આમ હોય તો, તમારે સત્વરે આ આદતને છોડી દેવી જોઇએ! જ્યારે પણ સમારેલી શાકભાજીને પાણી વડે ધોવામાં આવે ત્યારે શાકભાજીમાં રહેલા આવશ્યક પોષક તત્વોનો નાશ થઇ જાય છે. આ જ કારણે, સમારેલા શાક અથવા ભાજીને બિલકુલ પણ ન ધોવા જોઇએ પરંતુ, કાપતા પહેલા જ એને સારી રીતે બે વાર ધોઇ લેવા જોઇએ.
આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…
આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…
આ પણ વાંચો:ચોમાસામાં કોથમીર બગડી જાય છે? જલદીથી અપનાવો આ ટિપ્સ, અઠવાડિયા સુધી રહેશે તરોતાજા…!
