Dharm & Bhakti: પિતૃપક્ષ (Pitru Paksha)ના પાવન દિવસો ચાલી રહ્યાં છે ત્યારે આપણા પૂર્વજો (Ancestors)ના આત્માની શાંતિ માટે આપણે શ્રાદ્ધ અને તર્પણ કરીએ છીએ. આ વિશેષ દિવસોમાં આપણે પૂર્વજોનું ભાવપૂર્વક સ્મરણ અને તર્પણ કરીએ છીએ. આ શ્રાદ્ધ-તર્પણ અમુક ખાસ નિયમાનુસાર કરવામાં આવે છે. આ પાવન પર્વ દરમિયાન, અમુક ચીજવસ્તુઓનો નિષેધ કરવાનું શાસ્ત્રોક્ત વિધાન છે. આ સમયે, ખાસ કરીને અમુક શાકભાજી અને અન્ય વસ્તુઓનું સેવન ન કરવું જોઇએ. તો ચાલો જાણીશું એ વિશે…
શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે જાતકે અમુક નિયમો અનુસરવા જરુરી છે. લોકો કેટલાય પ્રયાસોથી પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે જેમ કે, શ્રાદ્ધ (Shraddha), તર્પણ (Tarpan), ગયા દર્શન, તીર્થ દર્શન વગેરે વગેરે…ભાદરવી પૂનમથી લઇને ભાદરવી અમાવસ્યા સુધીના સોળ દિવસોમાં પિતૃઓના આશીર્વાદ મેળવવા સૌ અનેક કર્મ, પૂજા-પાઠ આદિ કરે છે પરંતુ, કેટલાક લોકો અમુક બાબતોનું ધ્યાન ન રાખીને પોતાના જ પિતૃઓને નારાજ કરી બેસે છે!
એવું કહેવાય છે કે, શ્રાદ્ધ પક્ષ દરમિયાન, પૂર્વજો ધરતી પર આવે છે અને પોતાના વંશજો પ્રત્યે અમુક અપેક્ષાઓ રાખે છે. આ સંજોગોમાં, જો કોઇ ભૂલ થઇ જાય તો પૂર્વજો નારાજ પણ થઇ શકે છે. પિતૃ પક્ષ દરમિયાન ધ્યાનમાં રાખવાના કેટલાક નિયમો શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યા છે જેમનુ પાલન કરવાથી પૂર્વજો જલદી પ્રસન્ન થઇ શકે છે. આ દિવસોમાં, વિશેષ કરીને, ખાવા-પીવા સંબંધી નિયમોનું પાલન કરવું જોઇએ.

સાત્વિક ભોજન કરવું
શ્રાદ્ધ પક્ષ દરમિયાન, સાત્વિક ભોજન (Satvik Meal) કરવાની બાબતને અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પેલી કહેવત છે ને કે, જેવું અન્ન એવું મન! આ ન્યાયે, આપણા પેટમાં જેવો આહાર જશે એવા આપણા વિચારો બનશે. સાત્વિક આહારથી મન શાંત રહે છે અને પૂજા-પાઠમાં મનને એકાગ્ર કરી શકાય છે. આનાથી વિપરીત, તામસી ભોજન આપણા મનની શાંતિને ખંડિત કરી શકે છે તથા વ્યક્તિ ચિડીયેલ અને પ્રમાદી પ્રવૃત્તિનો બની શકે છે. આ જ કારણે, શ્રાદ્ધ પક્ષ અને શ્રાદ્ધ કર્મ દરમિયાન આપણે હળવું અને સાત્વિક ભોજન કરવું હિતાવહ છે.
આ શાકભાજીથી દૂર રહો
પિતૃપક્ષ દરમિયાન,શક્કરિયા, મૂળા, ગાજર, શલગમ, અળવી અને બીટરુટ જેવી શાકભાજી (Vegetables)નું સેવન કરવાથી બચવુ જોઇએ. આ ઉપરાંત, એમને રાંધીને પૂર્વજોને ધરાવવી પણ ન જોઇએ. જો તમે શ્રાદ્ધ નિમિત્તે કોઇ બ્રહ્મભોજન કરાવતા હો તો, એમાં પણ આ સામગ્રીનો ઉપયોગ ન કરવો. જો આમ થશે તો પૂર્વજો તમારાથી રુઠી શકે છે!

ચણા અને મસૂર દાળનું સેવન ના કરો
શ્રાદ્ધ પક્ષમાં ચણાની દાળ, દાળિયા, ચણાના લોટમાંથી બનતી મીઠાઈ અને ચણાથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન વર્જીત ગણાય છે. આ સાથે પિતૃ પક્ષમાં મસૂરની દાળ પણ ન ખાવી જોઇએ. આ ઉપરાંત, કોઇ પણ વસ્તુને કાચી ખાવી જોઇએ નહિં. આ દિવસોમાં રાંધેલુ ભોજન જ ગ્રહણ કરવુ જોઇએ.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…
આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં તર્પણ કરવાથી પૂર્વજોને શેની પ્રાપ્તિ થાય છે? જાણો બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર…
આ પણ વાંચો:
