Ahmedabad News/ પિતાને ઘરમાંથી હાંકી કાઢતા હાઈકોર્ટે ઉધડો લીધો, 24 કલાકમાં પુત્રને પિતાનું ઘર ખાલી કરવા કહ્યું

પાડોશીની મદદથી વૃદ્ધ પિતાએ કાયદાકીય લડત ચલાવી અને કોર્ટે આર્કિટેક્ટ પુત્રને સખત ઠપકો આપ્યો.

Gujarat Ahmedabad

 Ahmedabad News : અમદાવાદમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં આર્કિટેક પુત્રએ તેના 82 વર્ષના વૃધ્ધ પિતાને ઘરની બહાર હાંકી કાઢ્યા હતા. જશેદાનગર વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમાજમાં સંવેદનશીલતા અને નૈતિક મૂલ્યો પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલામાં પાડોશીની મદદથી વૃદ્ધ પિતાએ કાયદાકીય લડત ચલાવી અને કોર્ટે આર્કિટેક્ટ પુત્રને સખત ઠપકો આપ્યો.

નિવૃત્ત સિવિલ એન્જિનિયર યોગેન્દ્રભાઈ (82) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી નિવૃત્ત થયા બાદ અમદાવાદમાં સ્થાયી થયા હતા. તેમના પિતાનો બંગલો રિનોવેટ કરાવ્યો હતો, જે પાછળથી તેમના પિતાએ યોગેન્દ્રભાઈના નામે કર્યો હતો. તેમની પત્ની દીપ્તિબહેનના અવસાન બાદ, આર્કિટેક્ટ પુત્ર નિગમ અને પુત્રવધૂ આકાંક્ષાએ બંગલો રિનોવેટ કરવાના બહાને પોતાના નામે કરાવી લીધો હતો. યોગેન્દ્રભાઈ રિનોવેશન પુરૂ થયા પછી ફક્ત 9 મહિના જ પરિવાર સાથે રહી શક્યા હતા. પુત્ર પિતાના પેન્શનના પૈસાની પણ માંગણી કરતો હતો, જેનો પિતાએ ઇનકાર કરતા તેમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.

ઘરવિહોણા બનેલા યોગેન્દ્રભાઈને તેમના પાડોશીએ આશરો આપ્યો અને તેમને કલેક્ટર સમક્ષ અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં મદદ કરી. આ ઘટના માનવતા અને પાડોશીધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પુત્ર નિગમે પિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી, પરંતુ કોર્ટે આ અરજીનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.આ કેસની સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે પુત્ર નિગમનો ઉધડો લેતા કહ્યું કે, “તમે તમારાં રુવેરુવાં પિતાને આપી દો તો પણ તેમનું ઋણ ચૂકવી શકશો નહીં.” કોર્ટે પુત્રને 24 કલાકમાં ઘર ખાલી કરીને પિતાને સોંપી દેવાનો આદેશ આપ્યો છે.

આ ઉપરાંત, સિનિયર સિટીઝન એક્ટ હેઠળ, પુત્રને તેના પગારના 50% રકમ દર મહિને પિતાને ભરણપોષણ તરીકે ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે. આ ચુકાદો સમાજને મજબૂત સંદેશ આપે છે કે માતા-પિતાનું સન્માન અને સુરક્ષા સુનિશ્ચિત કરવી એ કાયદેસરની ફરજ છે, અને તેનું ઉલ્લંઘન કરનારને કાયદો સજા કરશે. આ ઘટના પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે વૃદ્ધ માતા-પિતાની સેવા કરવી એ નૈતિક અને કાનૂની જવાબદારી છે. આ કિસ્સો ભવિષ્યમાં આવા કૃત્ય કરતા સંતાનો માટે એક કડક દાખલો બની રહેશે. આ ઘટના પર તમારા શું વિચારો છે?

વૃદ્ધાવસ્થા એ જીવનનો એક એવો તબક્કો છે જ્યાં વ્યક્તિને સૌથી વધુ હૂંફ, પ્રેમ અને સહાયની જરૂર હોય છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં, સંતાનો પોતાના માતા-પિતાની જવાબદારી ઉઠાવવામાંથી પાછીપાની કરે છે. આવા સંજોગોમાં, નિરાધાર બનેલા વરિષ્ઠ નાગરિકો માટે કાયદો એક સહારો બની શકે છે. મેન્ટેનન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ, ૨૦૦૭ હેઠળ ભારત સરકારે આ કાયદાકીય જોગવાઈ કરી છે.

આ કાયદાની સૌથી અગત્યની જોગવાઈ એ છે કે જો સંતાનો પોતાના માતા-પિતાને રાખવા કે તેમનું ભરણપોષણ કરવા તૈયાર ન હોય તો માતા-પિતા કાયદેસર રીતે ભરણપોષણની રકમ માંગી શકે છે. આ કાયદા હેઠળ, પુત્ર અને પુત્રી બંને પોતાના અશક્ત માતા-પિતાની જવાબદારી નિભાવવા માટે કાયદેસર રીતે જવાબદાર છે. જે વરિષ્ઠ નાગરિકોને સંતાન ન હોય, તેઓ જે વ્યક્તિ કે સંબંધીને પોતાની મિલકત વારસામાં આપવાના હોય, તેમની પાસેથી પણ ભરણપોષણ માંગી શકે છે.

જો કોઈ સંતાન પોતાના માતા-પિતાને સાથે રાખવા તૈયાર ન હોય, તો વરિષ્ઠ નાગરિકો પોતાના જિલ્લાની કલેક્ટર કચેરી માં અથવા ટ્રિબ્યુનલ માં અરજી કરી શકે છે. ટ્રિબ્યુનલ અરજીની સુનાવણી બાદ માતા-પિતાની જરૂરિયાત મુજબ ભરણપોષણની યોગ્ય રકમ નક્કી કરી શકે છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં આવા અંદાજે ૧૨૦ જેટલા કેસ વર્ષ દરમિયાન આવે છે અને મોટાભાગના કેસોનો પાંચથી છ મહિનામાં સમાધાન દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો કોઈ પુત્ર કલેક્ટરના આદેશથી સહમત ન હોય, તો માતા-પિતા તેની વિરુદ્ધ હાઈકોર્ટમાં પણ અરજી કરી શકે છે.

અનેક વરિષ્ઠ નાગરિકોને આ કાયદાની મદદથી ન્યાય મળ્યો છે. એક કિસ્સામાં, ૩૦ વર્ષથી અલગ રહેતા પિતાને તેમના પુત્રોએ હિસ્સો આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ કાયદા મુજબ, કચેરીએ પુત્રોને તેમના પિતાને ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ કાયદો એ વાતનો પુરાવો છે કે સરકાર વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અને સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ છે. તે સમાજમાં વડીલોનું સન્માન અને સુરક્ષા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃમહેસાણા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ: બે શ્રમિકોનું દુઃખદ મોત, બે ઘાયલ

આ પણ વાંચોઃમહેસાણામાં ONGC કોન્ટ્રાક્ટના નામે 11 બોલેરો ગાડીઓથી 33 લાખની છેતરપીંડી કરાઇ!

આ પણ વાંચોઃપાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ