Valsad Ayurvedic Hospital Gas Shortage: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવને કારણે માત્ર શેરબજાર કે ક્રૂડ ઓઈલ જ નહીં, પણ હવે સામાન્ય માણસનું આરોગ્ય પણ જોખમમાં મુકાયું છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલા ગેસ સંકટની સીધી અસર વલસાડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પર જોવા મળી રહી છે. ગેસના પુરવઠાની અછતને કારણે હોસ્પિટલમાં દર્દીઓની મહત્વની સારવાર અટકી પડી છે.
Valsadમાં સ્ટીમ બાથ અને શેક માટે ગેસ જ નથી!
વલસાડની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં અનેક દર્દીઓ પંચકર્મ અને સ્ટીમ (વરાળ) લેવા માટે આવતા હોય છે, કારણ કે ખાસ કરીને સાંધાના દુખાવા અને શ્વાસની તકલીફ વાળા દર્દીઓ માટે સ્ટીમ અત્યંત જરૂરી હોય છે. જોકે, હાલમાં સ્ટીમ મશીન ચલાવવા માટે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલ તંત્ર લાચાર બન્યું છે અને દર્દીઓની સારવાર અટકી પડી છે. આ સ્થિતિના પરિણામે દૂર-દૂરથી સારવાર માટે આવેલા દર્દીઓને ગેસની અછતને કારણે વગર સારવારે જ પરત ફરવાની નોબત આવી રહી છે.

વૈશ્વિક યુદ્ધ અને સ્થાનિક હાલાકી
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે સપ્લાય ચેઈન ખોરવાતા ગેસના જથ્થામાં અછત વર્તાઈ રહી છે. સરકારી હોસ્પિટલોમાં પણ જ્યારે આ સંકટ પહોંચ્યું છે ત્યારે આરોગ્ય તંત્ર સામે મોટા સવાલો ઉભા થયા છે. તંત્રની લાચારી વ્યક્ત કરતા હોસ્પિટલ સત્તાધીશો જણાવી રહ્યા છે કે ગેસનો પૂરતો જથ્થો ન મળવાને કારણે તેઓ ઈચ્છવા છતાં દર્દીઓને સ્ટીમ જેવી પાયાની સારવાર આપી શકતા નથી. આ પરિસ્થિતિને કારણે દર્દીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે મોંઘી ખાનગી હોસ્પિટલો છોડીને સરકારી હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ માટે હવે સારવાર લેવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે.
શું કહે છે નિષ્ણાતો?
વૈશ્વિક સ્તરે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી દિવસોમાં માત્ર ગેસ જ નહીં પણ જીવનજરૂરી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો અને અછત જોવા મળી શકે છે. વલસાડની હોસ્પિટલની આ ઘટના તો માત્ર એક ટ્રેલર હોવાનું વેપારી આલમ માની રહ્યું છે.
