Gandhinagar News : જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ. તેમણે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભરીને તેમણે ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એકપણ ફોર્મ ભરાયું નથી.
સવારે 10 વાગ્યે સત્તાવાર જાહેરાત
આમ, હવે જગદીશ પંચાલ બિનહરીફ થઈ ગયા છે. હવે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા આવતીકાલે, એટલે કે 4 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે કમલમ ખાતે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત ઉપરાંત પદગ્રહણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે.લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર ઉપસ્થિત રહેશે.
સવારે 8.30 વાગ્યે જગદીશ પંચાલના ઘરેથી કાર્યકરો રેલી સ્વરૂપે ગાંધીનગર જશે
સત્તાવાર જાહેરાત પહેલાં ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાનેથી સવારે 8:30 વાગ્યે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે તેઓ ગાંધીનગર જવા નીકળશે. અમદાવાદના તમામ ધારાસભ્યો, સાંસદો અને નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર જશે. ગાંધીનગરના ભાટ નજીકથી અમદાવાદ શહેરના કાર્યકર્તાઓ તેમની સાથે રેલીમાં જોડાશે.
કોણ છે જગદીશ પંચાલ?
જગદીશભાઇ ઇશ્વરભાઇ પંચાલ 46-નિકોલ મત વિભાગ (અમદાવાદ શહેર) વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા છે. અમદાવાદમાં તેમનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ થયો હતો. તેમણે એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટિંગનો અભ્યાસ કરેલો છે. તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ બેડમિન્ટન , સ્વિમિંગ, વાંચન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે. રાજ્યમાં સરકાર પરિવર્તન થયા બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
જગદીશ પંચાલની રાજકીય સફર
ભાજપ માટે જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી જ એક મોટો ચહેરો રહ્યા છે. નિકોલ વિસ્તારમાંથી તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી વર્ષ 2017માં ધારાસભ્ય બન્યા હતા. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ જગદીશ પંચાલ કામગીરી કરી ચૂક્યા છે. ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ તેમને 16 સપ્ટેમ્બર, 2021થી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં વન અને પર્યાવરણમંત્રી (રાજ્યકક્ષાનો હવાલો) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
શહેર પ્રમુખ તરીકે AMCમાં 192 સીટમાંથી 160 સીટની ઐતિહાસિક જીત અપાવી
રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વર્ષ 2015થી 2021 સુધી રહ્યા હતા. કોરોનાને કારણે મોડી થયેલી વર્ષ 2021ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 192 સીટમાંથી ભાજપે 160 સીટોથી ઐતિહાસિક જીત મેળવી હતી. જગદીશ વિશ્વકર્માને સંગઠનનો ખૂબ બહોળો અનુભવ છે.
શહેરના પ્રમુખ રહી ચૂક્યા હોવાના પગલે સંગઠનમાં તેમની પકડ મજબૂત છે અને આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ખૂબ જ કુશળ નેતૃત્વને ધ્યાનમાં રાખીને જગદીશ વિશ્વકર્મા પર ભાજપે મહોર મારી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય
અમદાવાદના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માનો 12 ઓગસ્ટ 1973ના રોજ જન્મ થયો હતો. ભાજપના કાર્યકર્તા તરીકે રાજનીતિની શરૂઆત કરનારા જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય પણ છે. સ્વચ્છ અને નિર્વિવાદિત છબિ તેઓ ધરાવે છે. ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી બાદ રાજ્યમાં મંત્રીઓમાં પણ સૌથી નજીકના નેતા તરીકે જગદીશ વિશ્વકર્મા સ્થાન ધરાવે છે.
લોકોને કપડાં, અનાજ, પીવાનું પાણી સહિતની રાહત સામગ્રી પહોંચાડી
જગદીશ વિશ્વકર્મા યુવાનીના સમયથી જ ભારતીય જનતા પાર્ટીના બૂથ કાર્યકર્તા તરીકે કામ કરતા, ઇલેક્શન સમયે પ્રચાર અને ચૂંટણીલક્ષી સંચાલન કરતા. વર્ષ 1987માં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ તેમજ ઉપરવાસના પાણીની વધારે આવકને લીધે ખારીકટ કેનાલ તૂટતાં ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં જળબંબાકાર થયો હતો અને લોકોનાં ઘરમાં પાણી ભરાઈ જતાં ત્યારે સરકારી તંત્ર અને સામાજિક કાર્યકર્તા તથા આગેવાનોના સહયોગ થકી લોકોને સહી સલામત રીતે બહાર કાઢ્યા અને વિવિધ રાહત કેમ્પોમાં પહોંચાડ્યા તેમજ તે સર્વે લોકોને કપડાં, અનાજ, પીવાનું પાણી સહિતની રાહત સામગ્રી પહોંચાડી હતી.
પાણી ભરાતાં લોકો સાથે મળી રેસ્ક્યૂ કામગીરી કરી
જ્યારે 1989માં વિરાટનગર વોર્ડમાં એક જ રાતમાં 17 ઇંચ જેટલો વરસાદ પડતાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને હાલત ખૂબ જ કફોડી બની ગઈ હતી, એવા સમયમાં સરકારી તંત્ર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભાઈઓ સાથે મળી ઘરોમાં ફસાયેલા લોકોને સહી સલામત બહાર કાઢ્યા અને રાહત શિબિર સુધી પહોંચાડ્યા હતા તેમજ રાહત સામગ્રી પહોંચાડી હતી.
ભૂકંપના સમયમાં પણ અમદાવાદ-કચ્છમાં સારી કામગીરી કરી હતી
2001માં 26 જાન્યુઆરીના રોજ વિશ્વના સૌથી ભયંકર કહી શકાય એવા ભૂકંપ સમયે અમદાવાદ અને કચ્છ જિલ્લામાં ખૂબ જ નુકસાન થયું અને મોટી સંખ્યામાં લોકોનાં મોત થયાં હતાં. આવા સમયમાં સામાજિક આગેવાનો સાથે મળી 26 તારીખે બપોર પછી રાહતસામગ્રી એકઠી કરવાનું ચાલુ કર્યું અને 27 જાન્યુઆરી રોજ બપોરે ત્રણ ટ્રક ભરીને લોકો માટે કાચું સીધું સામાન, ફૂડ પેકેટ, બાળકોથી લઈને વડીલો માટેનાં કપડાં, પીવાના પાણીની બોટલો અને અન્ય જીવન જરૂરિયાત સામગ્રી સાથે કાર્યકર્તાઓની ટીમ બનાવીને અમદાવાદથી નીકળી અંજાર તથા ભુજ ખાતે પહોંચાડી. ભુજ ખાતે આવેલી સ્વામિનારાયણ સંસ્થાના સંપર્કમાં રહી સતત બે દિવસ સુધી રાહતકાર્યોમાં સેવા આપી.
સરકાર અને સંગઠન બન્ને પર અમદાવાદ શહેરનો દબદબો
ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બન્ને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઇ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય છે, જ્યારે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે. અત્યારસુધીમાં ભાજપે કોઇ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એકસાથે બનાવ્યા નથી, તેથી આ કિસ્સો અપવાદરૂપ બને.
ચૂંટણીઓને લઈને OBC ચહેરો સમીકરણમાં ફિટ
આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભત્વ જોતાં ભાજપે આ પસંદગી કરી છે. કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્ત્વ આપવું જરૂરી બન્યું છે.2 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો
ગઈકાલે 2 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ જાહેર થયો છે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે હવે કાર્યકરોમાં આતુરતાનો અંત આવ્યો છે. આજે ત્રણ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે. સવારે 11થી 2 વાગ્યા દરમિયાન પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાશે.
ભૂપેન્દ્ર યાદવને પ્રદેશ પ્રમુખની પસંદગી પ્રક્રિયા માટે ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ જ નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરશે. આ સાથે જ ગુજરાત ભાજપને 11મા પ્રમુખ મળશે. ગુજરાત ભાજપના પ્રદેશ પરિષદના 292 સભ્ય પ્રદેશ પ્રમુખ વોટિંગથી પસંદગી કરશે. આ જ 292 સભ્ય રાષ્ટ્રીય પરિષદના 29 સભ્યની પણ પસંદગી કરશે. ઉલ્લેખનીય છે કે તમામ રાજ્યના રાષ્ટ્રીય પરિષદના સભ્યો રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરતા હોય છે.
ભાજપ દર 3 વર્ષે સંગઠનાત્મક ચૂંટણી કરાવે છે – સૌથી પહેલા બૂથ, મંડળ, જિલ્લા, ત્યાર બાદ રાજ્ય સ્તરે ચૂંટણી થાય છે. મોટા ભાગનાં રાજ્યોમાં (લગભગ 50% જેટલાં) આ ચૂંટણી પૂર્ણ થઈ જાય પછી જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય છે. અત્યારસુધીમાં 29 રાજ્યમાં આ ચૂંટણીપ્રકિયા થઈ છે, ગુજરાત 30મા નંબરે છે. આ ચૂંટણીપ્રકિયા સમગ્ર ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે
ભાજપનાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ OBC નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે. ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજાનારી મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 300થી વધારે લોકો મતદાન કરશે.
આ પણ વાંચો: Gandhinagar News/નિકોલના ધારાસભ્ય અને પક્ષનો પ્રભાવશાળી OBC ચહેરો જગદીશ વિશ્વકર્મા !
આ પણ વાંચો: Gandhinagar News/ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્માએ આજે ફોર્મ ભર્યુ, પક્ષને મળશે નવા સુકાની
આ પણ વાંચો: Gandhinagar News/ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીમાં જગદીશ વિશ્વકર્મા આજે ફોર્મ ભરશે, પ્રમુખપદ માટે નિશ્ચિત
