Gujarat News : રાજ્યના નાગરિકોને દિવાળીના તહેવારમાં આરોગ્યપ્રદ ખાદ્ય ચીજ વસ્તુઓ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ 13 જેટલા રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન અંદાજે રૂ. 41લાખના ભેળસેળયુક્ત-શંકાસ્પદ ખાદ્ય પદાર્થોને જપ્ત-નાશ કરવામાં આવ્યા હતા.
રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. જેના પરિણામે દિવાળીના તહેવાર પૂર્વે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા અને ગ્રાહકોની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવાના હેતુસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા એક રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
રાજ્યમાં તા. 3 થી 11 ઓકટોબર, 2025દરમિયાન આયોજિત આ વિશેષ ઝુંબેશમાં સમગ્ર રાજ્યમાંથી ઘી, દૂધ-દૂધ ઉત્પાદનો, તેલ, મીઠાઈ અને બેકરી આઈટમ સહિતના કુલ 2,799 ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી 1,114નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં તા. 3થી 5 દરમિયાન ઘીના ૩૮૫ નમૂનાઓ, તા. 6 થી 8 દરમિયાન 431 જેટલા દૂધ અને તેની બનાવટોના નમૂનાઓ તેમજ તા. 9 થી 11 ઓકટોબર દરમિયાન 298 તેલ, મીઠાઈ અને બેકરી આઇટમના નમૂનાઓનો પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.
આ રાજ્યવ્યાપી ઝુંબેશ દરમિયાન કુલ રૂ. 34,49,362નો 8,684 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં રૂ. 26.22 લાખથી વધુ કિંમતનું 4,507 કિલો ઘી, રૂ. 7લાખની કિંમતની 3,411 કિલો દૂધ અને દૂધની બનાવટો, રૂ. 90હજારથી વધુના 568કિલો ખોયા તેમજ રૂ. 36 હજારથી વધુનું 198 કિલો કેસીનનો સમાવેશ થાય છે. આ જપ્ત કરવામાં આવેલા જથ્થા પૈકી રૂ. 6.48 લાખથી વધુનો 2,861 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો.
વધુમાં, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ ઝુંબેશ હજુ પણ ચાલુ જ રાખવામાં આવી છે. જે અંતર્ગત ફિલ્ડ ઓફિસઓ દ્વારા સતત ચકાસણી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, એમ ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું છે.
આ પણ વાંચો:રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણીનો બીજો દિવસ…વિશાળ યુવાશક્તિ આપણી સૌથી મોટી મૂડી: મુખ્યમંત્રી
આ પણ વાંચો:વિકાસ સપ્તાહ અંતર્ગત, 10 ઓક્ટોબરે ‘ઉદ્યોગ સાહસિક દિવસ’: ગુજરાત ‘મેઇક ઇન ઇન્ડિયા’ માં અગ્રેસર…
