Rajkot News : ગુજરાતના રાજકારણમાં સૌરાષ્ટ્ર હંમેશાં કેન્દ્રસ્થાને રહ્યું છે. મંત્રીમંડળમાં ફેરફાર વખતે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કેવું હશે તેને લઈને ઘણો ગણગણાટ થઈ રહ્યો છે. અત્યારના તબક્કે ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લીધા છે. એ પહેલાં કેબિનેટમાં 5 મંત્રીઓ સૌરાષ્ટ્રના હતા. પરંતુ રાજકીય ઉલટફેરાં કોનું પત્તુ કપાશે અને કેવા સમીકરણના આધારે નવા ચહેરાઓને સ્થાન મળશે તેની સૂત્રો મારફતે કેટલીક જાણકારી મળી છે.
નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવશે. એટલું જ નહીં, વિજય રૂપાણી સત્તા પરથી દૂર થયા બાદ સૌરાષ્ટ્રનો અવાજ ગાંધીનગર પહોંચતો ન હોવાનું અને પ્રતિનિધિત્વમાં ઘટાડો હોવાની ઘણો ગણગણાટ હતો. એટલે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું વજન વધે તેવા સંકેત મળી રહ્યા છે. વળી, જો ભાજપ નાયબ મુખ્યમંત્રીની ફોર્મ્યુલા પર આગળ વધે તો કોઈ યુવા નેતાને સૌરાષ્ટ્રમાંથી તક મળી શકે છે.
થોડા સમય પહેલાં જ બોટાદમાં આમ આદમી પાર્ટી સમર્થિત ખેડૂતોનું આંદોલન અને ત્યાર બાદનો ઘટનાક્રમ તેમજ ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયાનું વધેલું કદ તથા ખેડૂત નેતા રાજુ કરપડા લાઇમલાઇટમાં આવ્યા એ ભાજપ માટે ચિંતાનો વિષય છે. ખેડૂતો ભાજપથી દૂર ન થાય અને આમ આદમી પાર્ટીના ઉભરતા ચહેરાઓ સામે મજબૂત લડત આપી શકાય તે માટે પાટીદાર નેતાની તાતી જરૂર છે.
ભૂપેન્દ્ર પટેલને 2022ની ચૂંટણી બાદ ફરીથી મુખ્યમંત્રી બનાવાયા હતા. તેમની સાથે મંત્રીમંડળમાં અન્ય 16 મંત્રીઓને પણ સ્થાન અપાયું હતું. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યકક્ષાના 8 મંત્રીઓ અને કેબિનેટ કક્ષાના 8 મંત્રીઓ હતા. પોણા ત્રણ વર્ષથી મંત્રીમંડળમાં ફેરફાર કરાયો નથી. જેને પગલે આ વખતે નવું મંત્રીમંડળ 27 સભ્યો સાથે પૂર્ણ કદનું હોય એવી શક્યતા છે. જેના કારણે સૌરાષ્ટ્રમાંથી પણ મંત્રીઓની સંખ્યા વધવાની સંભાવના છે.
મંત્રીમંડળમાં ફેરફારની ચર્ચાઓ વચ્ચે સૌથી ચર્ચાસ્પદ કોઈનું નામ હોય તો એ છે જયેશ રાદડિયા. ખેડૂત નેતા, પાટીદાર સમાજનો ઉભરતો ચહેરો, રાજકીય રીતે મક્કમ નિર્ણય લેવાની શક્તિ વગેરે તેમની પ્રોફાઇલ મજબૂત બનાવે છે. ચર્ચા તો ત્યાં સુધીની પણ છે કે જયેશ રાદડિયાને મોટા કદનું મંત્રાલય સોંપવામાં આવી શકે છે. કારણ કે ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંકવા માટે એક યુવા નેતાની જરૂર છે.જયેશ રાદડિયા બાદ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓમાં અર્જુન મોઢવાડિયાનું નામ મંત્રીમંડળ માટે પાક્કુ માનવામાં આવી રહ્યું છે.
એક સમયના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા અર્જુન મોઢવાડિયા સત્તાવાર રીતે 9 માર્ચ, 2024ના રોજ ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ તેઓ પોરબંદરથી ફરી એકવાર ધારાસભ્ય પણ ચૂંટાયા. જો કે મંત્રીમંડળ વિસ્તરણ થાય તેની તેમણે લાંબા સમય સુધી રાહ જોઈ. એટલે હવે માનવામાં આવી રહ્યું છે કે અર્જુન મોઢવાડિયાને તેમના કદ પ્રમાણે કેબિનેટ મંત્રી બનાવીને મહત્વનું ખાતું અપાઈ શકે છે.
રાજકોટમાંથી ઓબીસી સમાજના મજબૂત નેતા ઉદય કાનગડને તક મળી શકે છે. એટલે કે નવા ચહેરાને ભાજપ સ્થાન આપે એવી શક્યતા છે. કાનગડ અત્યારે ભાજપ સંગઠનમાં ચૂંટણી અધિકારીના પદે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું બેકગ્રાઉન્ડ ધરાવતા દર્શિતા શાહનું નામ પણ ચર્ચામાં છે. જો દર્શિતા શાહને મંત્રી બનાવે તો ભાનુબેન બાબરિયાને રજા આપવામાં આવે તેવી શક્યતા છે.
જો કે એક સમીકરણ એવા પણ બની રહ્યા છે કે ભાનુબેનના સ્થાને મહિલા પ્રતિનિધિત્વ માટે દર્શિતા શાહ અથવા રિવાબા જાડેજાને સ્થાન મળી શકે છે. પરંતુ રિવાબા જાડેજાને મંત્રીમંડળમાં લેવામાં આવે તો વધુ એક સમીકરણનું ભાજપે ધ્યાન રાખવું પડે એમ છે. રિવાબા જાડેજા જામનગર જિલ્લામાંથી ધારાસભ્ય છે. જો રિવાબાને સ્થાન મળે તો મૂળુ બેરાને દૂર કરવા પડે. પરંતુ મૂળુ બેરાની સમાજમાં પકડ ખૂબ સારી છે અને દ્વારીકાનગરીમાં તેમના વિકાસના કામ બોલે છે. રિવાબાને સ્થાન મળે તો તેમણે પૂનમ માડમની નજીક રહીને અને વિશ્વાસમાં લઈને કામ કરવું પડશે.
ભાવનગર જિલ્લામાંથી આવતા જિતુ વાઘાણી અગાઉ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ હતા. એટલું જ નહીં, તેઓ સરકારના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને શિક્ષણ મંત્રી બનાવાયા હતા. જોકે 2022ની વિધાનસભા ચૂંટણી પછી બનેલી કેબિનેટમાં સ્થાન નહોતું મળ્યું. હવે મંત્રીમંડળમાં વિસ્તરણ થાય તો જીતુ વાઘાણીને ફરી એકવાર મંત્રી બનાવાઈ શકે છે. એટલું જ નહીં, મહત્વનું ખાતુ પણ આપવામાં આવે એવી ચર્ચા છે.
કોળી નેતા કુંવરજી બાવળિયાનું મંત્રીમંડળમાં સ્થાન યથાવત રાખવાની શક્યતાઓ પણ આ વખતે સસ્પેન્સ છે. કારણ કે બીજા કોળી નેતા હીરા સોલંકીનું નામ પણ ઘણુ ચર્ચામાં છે. એટલે કે જો હીરા સોલંકીને સ્થાન મળે તો કુંવરજીની શક્યતાઓ ઓછી છે. જો કે, સૌરાષ્ટ્રના કોળી સમાજ પર કુંવરજીની પકડ મજબૂત છે.
અમરેલી જિલ્લામાંથી કૌશિક વેકરિયા અને મહેશ કસવાલામાંથી કોઈકને મંત્રીમંડળમાં સ્થાન મળે એવી ચર્ચા છે, જેમાં વેકરિયાનું પલડું ભારે છે.નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રમાંથી નવા યુવા નેતાઓને સ્થાન આપવામાં આવશે. પરંતુ સુરેન્દ્રનગર અને પાડોશી જિલ્લો કચ્છના એકપણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન ન મળે તો નવાઈ નહીં.2022ની વિધાનસભા ચૂંટણી પછી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં સૌરાષ્ટ્રના પાંચ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું હતું.
જેમાં રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, મૂળુ બેરા અને ભાનુબેન બાબરિયા કેબિનેટ મંત્રી હતા. જ્યારે પરશોત્તમ સોલંકીને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા. હાલમાં તમામ મંત્રીઓના રાજીનામા લેવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના મંત્રીઓને પડતા મૂકવામાં આવી એવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો
આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા
આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ
