Banaskantha News: બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં IRM ગેસ કંપની સાથે જોડાયેલા CNG પંપ ડીલરો અને કંપની વચ્ચેનો વિવાદ (CNG Dealers Protest) હવે ઉગ્ર બન્યો છે. કમિશનમાં વધારો સહિતની વિવિધ માંગણીઓને લઈને પાલનપુરમાં ડીલરોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હોવા છતાં કોઈ નક્કર નિર્ણય ન લેવાતા ડીલરોએ કંપનીને 15 ઓગસ્ટ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.
CNG Dealers Protest: કમિશન વર્ષ 2019થી યથાવત્ હોવાનો ડીલરોનો દાવો
ડીલરોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં CNG પંપના સંચાલન (Banaskantha CNG) પાછળનો ખર્ચ સતત વધ્યો છે. કર્મચારીઓના પગાર, વીજળી, મેન્ટેનન્સ સહિતના ખર્ચમાં વધારો થયો હોવા છતાં કંપની દ્વારા આપવામાં આવતું કમિશન વર્ષ 2019થી યથાવત્ છે. જેના કારણે પંપ સંચાલકો માટે વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

CNGના ભાવમાં પણ તફાવતનો મુદ્દો
ડીલરો દ્વારા CNGના ભાવમાં રહેલા તફાવતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ પાટણ જિલ્લાની સરખામણીએ બનાસકાંઠામાં CNGનો ભાવ પ્રતિ કિલો આશરે રૂ.3 વધુ છે. ભાવમાં તફાવતને (CNG Price Gujarat) કારણે ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેની અસર CNG પંપના વેચાણ પર પણ પડી રહી હોવાનો ડીલરોનો દાવો છે.
પાલનપુરમાં મળેલી બેઠકમાં ઉકેલ ન આવ્યો

ડીલરોની વિવિધ માંગણીઓને લઈને સોમવારે પાલનપુરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં IRM કંપનીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, ચર્ચા બાદ પણ કમિશનમાં વધારો કે CNGના ભાવના તફાવત અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવતા ડીલરોમાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે.
15 ઓગસ્ટ સુધીનો સમય, નહીં તો 65 પંપ બંધ
ડીલરોએ કંપનીને પોતાની માંગણીઓ અંગે નિર્ણય લેવા માટે 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો છે. જો આ સમયમર્યાદામાં કમિશનમાં વધારો અને ભાવના તફાવત સહિતના મુદ્દે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના તમામ 65 IRM CNG પંપ અનિશ્ચિત સમય માટે બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે.
ગ્રાહકો પર પણ પડી શકે અસર
જો ડીલરો દ્વારા પંપ બંધ કરવાની જાહેરાત અમલમાં મુકવામાં આવે તો બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં CNG વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે કંપની અને ડીલરો વચ્ચેની આગામી બેઠકમાં કોઈ ઉકેલ આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.
આ પણ વાંચો: 1 ઓગસ્ટથી લાગુ થયા 6 મોટા ફેરફારો: Adani CNG મોંઘું, કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તું
આ પણ વાંચો: ઇરાન યુદ્ધના કારણે તેલ બજારમાં ભડકો, 48 કલાકમાં બીજી વાર મોંઘો થયો CNG, જુઓ દિલ્હીના નવા રેટ
આ પણ વાંચો: ગુજરાત ગેસે CNGના ભાવમાં રૂ. 2નો વધારો કર્યો, જાણો સુરતમાં નવો દર
