ભાજપના આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ફરીથી વિવાદમાં આવ્યા છે. આ વખતે તે ટવીટથી વિવાદમાં આવ્યા છે. તેમણે સૌરાષ્ટ્રમાં થયેલા કમોસમી વરસાદ અંગે ટવીટે કરીને જણાવ્યું છે કે કમોસમી વરસાદ બતાવે છે કે છોકરીના નિહાપા લાગ્યા છે. આના કારણે ફક્ત અમરેલી જ નહીં ગુજરાતના રાજકારણમાં ગરમાગરમી મચી ગઈ છે. ગુજરાત ભાજપમાં પણ હડકંપ મચી ગયો છે. દિલીપ સંઘાણીએ આ ટવીટ કોને ઉદ્દેશીને કર્યુ છે તે પ્રકારની અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. ભાજપના રાજકીય આગેવાનો પણ વિચારતા થઈ ગયા છે કે હાલમાં તો ચૂંટણી જેવું કશું જ નથી તો પછી સંઘાણીએ આ કવેળાએ આ પ્રકારનું ટ્વીટ કેમ કર્યુ, કોને ઉદ્દેશીને કર્યુ. એક રીતે સંઘાણીના ટવીટે ભાજપના રાજકીય હલચલ મચાવી દીધી છે.
ટવીટના રાજકારણમા કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કોંગ્રેસ પણ ભાજપને અસર કરતા મુદ્દાને ચમકાવવામાં કૂદી પડી છે. ભાજપ ટવીટને લઈને વિચારમાં પડી ગયું છે તો કોંગ્રેસે કટાક્ષ કર્યો છે કે દિલીપ સંઘાણીનું આ ટવીટ કે દીકરીના નિહાપા લાગ્યા તે પાયલ ગોટી પ્રકરણને લઈને હોઈ શકે. કોંગ્રેસના આગેવાન પ્રતાપ દૂધાતે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના અમરેલીમાં પાયલ ગોટી કાંડ થયો હતો અને એક પાટીદાર દીકરીની આબરૂની લીલામી થઈ હતી તે નિસાસાની વાત દિલીપ સંઘાણી કરતા હોય તેમ લાગે છે. કોઈપણ યુવતીને તેની ઇજ્જત જીવથી પણ વ્હાલી હોય છે. તેની આબરૂનું લિલામ તે જરા પણ સાંખી શકતી નથી.
અમરેલી પત્રકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ખોટી રીતે સંડોવવામાં આવી હતી. તેના ઘરે રાતોરાત પોલીસ પહોંચી ગઈ હતી, તે જાણે કોઈ મોટી ગુનેગાર હોય અને તેણે જાણે મોટો ગુનો કર્યો હોય તેમ પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો. શું કોઈ શાસક પોતાના જ શાસનમાં રહેતી દીકરી પર આ રીતે અત્યાચાર કરે.
હવે જો પાયલ ગોટી કોઈ ગુનામાં સંડોવાયેલી હોય તો તેની સામે કાયદા મુજબની કાર્યવાહી કરવાની જરૂર હતી. તંત્રને ખબર નથી કે કાયદાકીય જોગવાઈ મુજબ પણ કોઈપણ મહિલાની રાત્રે ધરપકડ થઈ શકતી નથી. અહીં તો તે દીકરીની રાત્રે ધરપકડ જ કરી એટલું જ નહી, જાણે કોઈ ગંભીર ગુનેગાર હોય તેમ પોલીસે તેનો વરઘોડો કાઢ્યો. આને સત્તાનો નશો નહીં તો શું કહી શકાય. આ બતાવે છે કે તંત્ર સત્તાના નશામાં કેટલું અંધ બની જાય છે, તેને એક કુંવારી દીકરીની આબરુની પણ પરવા નથી. જ્યારે પણ સ્ત્રીની આબરુનું લિલામ થાય છે ત્યારે ગમે તેવા શાસનના પાયા હચમચી જાય છે. કુદરત બધું જ જુએ છે. કુદરતની લાઠીમાં અવાજ હોતો નથી. દિલીપ સંઘાણીની વાત તેનો જ પુરાવો છે.
આ વિવાદમાઁ અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કનાપરિયાના બનાવટી લેટરપેડ પર ખોટી સહી કરવામાં આવી હતી. આ પત્રમાં રેતી, દારૂ સહિત અનેક ગેરકાયદે કામોમાં કૌશિક વેકરિયા હપ્તા લેતા હોવાનો સનસનીખેજ આરોપ કરવામાં આવ્યો હતો. આના પગલે અમરેલી જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો હતો અને ચકચાર મચી ગઈ હતી. આના કારણે અમરેલીમાં કૌશિક વેકરિયાના સમર્થકો નારાજ થઈ ગયા હતા અને તેમણે તેમની નારાજગી પક્ષપ્રમુખ સી આર પાટિલ સુધી પહોંચાડી હતી. કિશોર કાનપરિયાએ પણ અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે મારા નામના બનાવટી લેટરપેડનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે આ ગુનામાં પકડાયેલામાં લોકો પણ ભાજપના જ હતા. તેના કારણે પક્ષની અંદર પણ કચવાટ વ્યાપી ગયો હતો. આ લોકોને સજા પણ થઈ હતી. તેથી કોંગ્રેસનો દાવો છે કે દિલીપ સંઘાણીના શબ્દો કહે છે કે દીકરીના નિસાસાના કારણે હાલમાં કુદરત આ ન્યાય કરી રહી છે.
સંઘાણીની આ ટવીટને ભાજપમાં પણ જુદાં-જુદાં સંદર્ભમાં જોવામાં આવી રહી છે. સંઘાણી ભાજપમાં પક્ષના જ મેન્ડેટ સામે બળવો કરનારા જયેશ રાદડિયાના ગાઢ સહયોગી માનવામાં આવે છે. હવે જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી, તેના પછી સંઘાણીએ આ પ્રકારની ટવીટ કરી છે. તેથી શું આ ટવીટ તેમની કોઈ ભાવિ રાજકીય વ્યૂહરચનાનો હિસ્સો છે. તેઓ હવે કોઈ નવા જ રાજકીય સાંધા કરવામાં લાગેલા છે કે કોઈના રાજકીય સાંધા તોડવામાં લાગેલા છે તેવું પક્ષની અંદરના લોકો માની રહ્યા છે.
સૌરાષ્ટ્રમાં જયેશ રાદડિયાનું રાજકીય કદ મંત્રીમંડળમાં ન વધ્યું તેની નારાજગી તેમણે આ રીતે વ્યક્ત કરી છે. મંત્રીમંડળના વિસ્તરણની નારાજગી સામે હવે અસંતોષ ઠાલવવાનું શરૂ થયું છે. આગામી દિવસોમાં આ અસંતોષને હવા પણ મળશે તેવો રાજકીય પવન સૌરાષ્ટ્રમાં ફૂંકાવવા માંડ્યો છે.
આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય
આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!
આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!
