Ahmedabad News: નવરાત્રી 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. તે પહેલાં પોલીસે (Navratri)ગરબા આયોજકો માટે ખેલૈયાઓની સુરક્ષાને લઈને સૂચનાઓ જાહેર કરી છે. તેમાં મહત્વની વાત એ છે કે નવરાત્રી માટેના લાઉડ સ્પીકર રાત્રે 12 વાગ્યા સુધી જ વગાડી શકાશે અને ત્યાર બાદ મોટા સ્પીકર બંધ કરી દેવાના રહેશે. સાથે ગરબા સ્થળની આસપાસ ટ્રાફિકની જવાબદારી પણ આયોજકોની રહેશે.
Navratri સુધી ગરબા, કરવું પડશે સૂચનાનું પાલન
આગામી 11 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબા (Garba) યોજાશે. માં અંબાની આરાધનાના પર્વમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે. નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શેરી ગરબા અને પાર્ટી પ્લોટના આયોજકોએ ખેલૈયાઓ અને લોકોની સુરક્ષા માટે સરકાર અને તંત્રે આપેલી સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે.
રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકરની પરવાનગી

નવરાત્રી અને દશેરાના દિવસે રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર (Loudspeaker) વગાડવાની પરવાનગી મળશે. 12 વાગ્યા પછી મંજૂરી નહીં અપાય. ટિકિટ કે પાસવાળા પાર્ટી પ્લોટ અને ક્લબ માટે લાઉડ સ્પીકરની પરવાનગી પોલીસ સ્ટેશનમાંથી નહીં મળે. કોમર્શિયલ ગરબા માટે આ પરવાનગી સંયુક્ત પોલીસ કમિશનર, ટ્રાફિકની કચેરીએથી જ અપાશે. પોલીસ સ્ટેશનમાં અરજી મળતાં જ સ્ટેશન ઈન્ચાર્જ પોતાના અભિપ્રાય સાથે તે અરજી ટ્રાફિક વિભાગને મોકલી આપશે.
અરજી સાથે સાઉન્ડ સિસ્ટમની વિગતો આપવી પડશે
લાઉડ સ્પીકરની દરેક અરજી સાથે સાઉન્ડ સિસ્ટમનું સંપૂર્ણ વર્ણન આપવું પડશે. સાથે સિસ્ટમ સાથે રહેનાર વ્યક્તિનું નામ, સરનામું અને ફોટો ઓળખકાર્ડ તથા નોઈસ પોલ્યુશન એક્ટનું પાલન કરવાની બાંહેધરી પણ આપવી પડશે. સાઉન્ડ સિસ્ટમ લાવવા-લઈ જતી વખતે કે ઉપયોગ દરમિયાન કોઈ ઘટના બને તો તેની જવાબદારી આયોજક અને સિસ્ટમના માલિકની રહેશે. વહન દરમિયાનની ઘટનામાં વાહનચાલકની પણ સંયુક્ત જવાબદારી ગણાશે.
200 મીટર સુધી ટ્રાફિકની જવાબદારી
ખેલૈયાઓ અને મહિલાઓની સુરક્ષા, ટ્રાફિકની જાળવણી અને નશો કરેલી વ્યક્તિ અંદર ન પ્રવેશે તે માટે આયોજકે 2 જવાબદાર વ્યક્તિ ફરજિયાત નીમવા પડશે. તેમની સાથે સંકલન માટે પોલીસ સ્ટેશનના એક અધિકારી કે કર્મચારી મેન્ટર તરીકે રહેશે. ગરબા સ્થળની બંને બાજુ 200 મીટર સુધી રોડ પર ટ્રાફિક જામ ન થાય અને નડતરરૂપ પાર્કિંગ ન થાય તેની જવાબદારી આયોજકની રહેશે. કોઈ બિનવારસી કે શંકાસ્પદ વાહન દેખાય તો પોલીસને જાણ કરવી પડશે.
ઈલેક્ટ્રિક ફિટિંગ, ફાયર સેફ્ટી, CCTV અને SHE ટીમ

આયોજકોએ ઈલેક્ટ્રિક ફિટિંગ યોગ્ય હોવાનું પ્રમાણપત્ર અને જરૂર મુજબ ફાયર સેફ્ટીની સગવડ રાખવી પડશે. પાર્કિંગની વ્યવસ્થા વોલન્ટિયર્સ કે સિક્યુરિટી ગાર્ડ મારફતે કરવાની રહેશે.
પ્રાઇવેટ સિક્યુરિટી પોલીસના સંકલનમાં કામ કરશે, અને પાર્કિંગ તથા કાર્યક્રમ સ્થળે પૂરતા CCTV (CCTV) કેમેરા લગાવવા પડશે. ભીડ મુજબ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ અલગ રાખવા, તેના બોર્ડ લગાવવા અને ગેટ આગળ પાર્કિંગ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.
મહિલાઓની સુરક્ષા માટે પોલીસની SHE ટીમ (SHE Team) સાથે સંકલનની વ્યવસ્થા પણ આયોજકોએ કરવી પડશે. પોલીસે નિયમો જાહેર કરી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે આયોજકો આ સૂચનાઓનું કેટલું પાલન કરે છે.
આ પણ વાંચો:ગરબા રમવા 2.04 લાખ? ફાલ્ગુની પાઠકના નવરાત્રી પાસના ભાવ જોઈ સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો
આ પણ વાંચો:નવરાત્રી અને દશેરાના પાવન તહેવાર દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કડક કાર્યવાહી
