MANTAVYA Vishesh/ ભાજપ-કોંગ્રેસ રસ્તા પર ‘સામસામે’, ફાર્મ હાઉસમાં ‘ઇલુ-ઇલુ’ !

અમદાવાદમાં શાસક પક્ષ દર વર્ષે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરે છે. આ સંદર્ભમાં બીજી નવેમ્બરના રોજ શાસક પક્ષના બહેરામપુરા વોર્ડનો સ્નેહમિલન કાર્યક્રમ પીરાણા રોડ પરના એમડી ફાર્મ ખાતે યોજાયો હતો

Mantavya Vishesh

શાસક પક્ષ સામે વિપક્ષ જબરદસ્ત વિરોધ કરતું હોય ત્યારે તો એમ જ લાગે કે વિપક્ષ માટે તેના જેવો કોઈ દુશ્મન નથી. જ્યારે શાસક પક્ષના લોકો પણ વિપક્ષ પર આકરા પ્રહારો કરે તે સમયે તો એવું જ લાગે કે હવે વિપક્ષનું તો આવી જ બન્યું. પણ આ બધુ રાજકારણ તો લોકોને બતાવવા માટે જ જાણે હોય તેમ લાગે છે. આ શાસક પક્ષના સભ્યોને વિપક્ષના સભ્યો સાથે પછી એકદમ શાંતિથી મળતા અને હળીમળીને વાત કરતાં જોઈએ તો આપણને એમ જ લાગે કે આ લોકોનો એકબીજા સામેનો વિરોધ ક્યાં ઓગળી ગયો, શું કેમેરા ઓફ થતાં વિરોધ પણ જાણે ઓફ થઈ ગયો કે શું? જાણે તેઓએ એક લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ તેમનું પાત્ર ભજવી લીધું.

અમદાવાદમાં શાસક પક્ષ દર વર્ષે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરે છે. આ સંદર્ભમાં બીજી નવેમ્બરના રોજ શાસક પક્ષના બહેરામપુરા વોર્ડનો સ્નેહમિલન કાર્યક્રમ પીરાણા રોડ પરના એમડી ફાર્મ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ તો ઠીક હતો, પરંતુ તેનું આયોજન કોંગ્રેસના જ આગેવાન દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું તે ફાર્મમાં તેનું આયોજન થયું હતું. આના પગલે સવાલ તે ઉઠ્યો કે શું શાસક પક્ષના તેટલા પણ બીજા કોઈની સાથે સારા સંબંધો નથી કે એક ફાર્મહાઉસ પણ તેઓ મેનેજ કરી શકે, તેમણે છેક કોંગ્રેસના ધારાસભ્યએ ઉદઘાટન કર્યુ હોય તેવા ફાર્મ હાઉસમાં તેમના સ્નેહમિલનનું આયોજન કરવાની જરૂર પડી.

આ સ્નેહમિલન સમારંભમાં ભાજપના બહેરામપુરા વોર્ડના પ્રમુખ ભાવિક પરમાર હાજર હતા. તેમની સમક્ષ કોંગ્રેસનું નામ ઉચ્ચારવામાં આવતા તેમને ગુસ્સો આવી ગયો હતો. તેમણે જણાવ્યું હતું કે આ ફાર્મહાઉસનું ઉદઘાટન તેના માલિકો દ્વારા જ કરવામાં આવ્યું હતું, બાકીના બધા તો મહેમાનો અને આમંત્રિતો જ હતા. આ ફાર્મહાઉસના ઉદઘાટન સમારંભમાં કોંગ્રેસના વિધાનસભ્ય ઇમરાન ખેડાવાલા હાજર હતા, આમ છતાં ભાવિક પરમારે સતત એક જ વાતનું રટણ કર્યું હતું કે આ ફાર્મહાઉસનું ઉદઘાટન તેમના માલિકોએ જ કર્યુ હતુ, બાકીના બધા હાજર રહ્યા તે તેમની અંગત રૂએ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાવિક પરમાર ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ગિરીશ પરમારના પુત્ર છે.

આ સ્નેહમિલન સમારંભમાં ઔડાના ભૂતપૂર્વ ચેરમેન ધર્મેન્દ્ર શાહ, ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ગિરીશ પરમાર, ગુજરાત પ્રદેશ સાંસ્કૃતિક સેલના સહસંયોજક અને ગાયક અરવિંદ વેગડા, ભૂતપૂર્વ ધારાસભ્ય અને શહેરના ભૂતપૂર્વ મહામંત્રી ભૂષણ ભટ્ટની સાથે-સાથે શહેર ભાજપના અન્ય આગેવાનો તથા કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

હવે કોંગ્રેસને નેતાએ ઉદઘાટન કરેલા ફાર્મમાં જ ભાજપનો સ્નેહમિલન સમારંભ યોજાવવાની વાત ચર્ચાના ચકડોળે ચઢવા લાગી છે. તેના કારણે જમાલપુરમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કોઈ પ્રકારની મિલીભગત હોવાની ચર્ચાએ પણ વેગ પકડ્યો છે. કોંગ્રેસ પણ એકબાજુએ સૌરાષ્ટ્રમાં શાસક પક્ષની સામે ખેડૂત આક્રોશ યાત્રા કાઢવા જઈ રહી છે અને બીજી બાજુએ તેના જ સમર્થકના ફાર્મમાં તેના જ હરીફ પક્ષનો સ્નેહમિલન સમારંભ યોજાય તે અંગે તે પોતે શું સ્પષ્ટતા કરશે, શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ બંને રાજકીય પક્ષ વચ્ચે કોઈ આંતરિક સમજૂતી થઈ ગઈ છે.

રાહુલ ગાંધીએ બધાને પ્રેમથી જીતવાની વાત કહી હતી, કદાચ કોંગ્રેસ શું આ રીતે તેમના હરીફ પક્ષને પણ પ્રેમથી જીતી રહી છે. આ બનાવ બનવાના પગલે કોંગ્રેસની અંદર પણ આગેવાનો દોડતા થઈ ગયા છે. તેમને હવે લાગી રહ્યું છે કે આના કારણે અમદાવાદ જેવા શહેરમાં વિપક્ષને લઈને પણ ખોટો સંદેશો જઈ રહ્યો છે, તેમના સમર્થકો પણ તેના કારણે વિચારમાં પડી જશે અને દ્વિધામાં મૂકાશે તેમ તે માનવા લાગી છે.

આવી જ સ્થિતિ ફક્ત કોંગ્રેસની જ છે તેવું નથી, શાસક પક્ષના જાણમાં પણ આ વાત આવતા તે હરકતમાં આવી ગયો છે. તેણે તરત જ બહેરામપુરા વોર્ડની સુધ લેવા માંડી છે. પક્ષના અમદાવાદના કાર્યકરો પાસેથી બધી વિગતો એકત્રિત કરવા માંડી છે. શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહે આ બાબતને લઈને જણાવ્યું હતું કે આ આખા પ્રકરણની અમારા સ્તરે તપાસ ચાલું છે. અમે તેની તપાસ કરીને તેમાં પક્ષના જે પણ ધારાધોરણોનો ભંગ થયો હશે તો તેનો ભંગ કરનારને કારણદર્શક નોટિસ પાઠવીને પક્ષના માળખા મુજબ પગલાં લઈશું.

ઘણા લોકો પૂછી પણ રહ્યા છે કે ક્યાં લખેલું છે કે કોંગ્રેસનું ફાર્મ હાઉસ હોય ત્યાં ભાજપનો સમારંભ ન યોજાય. તેમા તે વળી પક્ષની કઈ જોગવાઈનો ભંગ થાય, તેઓનું માનવું છે કે આમા કશું ખોટું પણ નથી. કોંગ્રેસે વર્ષો પહેલા ઉદઘાટન કર્યુ હોય એટલે આ વાતને આજે કઈ રીતે લાગુ પાડવામાં આવે તે સમજવું અઘરું છે. તેમનો દાવો છે કે કોંગ્રેસ હજી પણ કેટલાય લોકોની માનસિકતામાં બરોબરની બેસી ગઈ છે, જેથી તેઓ દરેક વાતમાં કોંગ્રેસને લાવી દે છે.

આમ કોંગ્રેસના જ સમર્થકના ફાર્મમાં સ્નેહમિલન યોજીને ભાજપનો બહેરામપુરા વોર્ડ વિવાદમાં આવ્યો છે. આ આયોજનને લઈને શાસક પક્ષ બહેરો થઈ જાય છે અને શિસ્તભંગના પગલાંનું આયોજન કરે છે તેની તો નજીકના ભવિષ્યમાં ખબર પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!

આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!