MANTAVYA Vishesh/ અંબાજી મંદિરના મહંતનો વિવાદ સર્જનારા મહેશગીરી પોતે જ વિવાદમાં ફસાયા

અંબાજી મંદિરના વિવાદમાં ગળુ ફાડીફાડીને બોલનારા વિવાદાસ્પદ મહંત મહેશગીરી વિવાદમાં સપડાયા છે.

Mantavya Vishesh

અંબાજી મંદિરના વિવાદમાં ગળુ ફાડીફાડીને બોલનારા વિવાદાસ્પદ મહંત મહેશગીરી વિવાદમાં સપડાયા છે. અંબાજી મંદિરને લઈને મહેશગીરીએ એટલો જબરદસ્ત વિવાદ સર્જયો હતો કે જાણે આખો ગિરનાર હચમચાવી નાખવાના હોય, તેમણે મચાવેલા ઉહાપોહના લીધે અંબાજી મંદિરના મહંત હરિગીરી સ્વામીએ છેવટે મહંતપદ છોડવું પડ્યુ હતુ. આ માટે તેમણે હરિગીરી અને તેમની ટોળકી પર જાતજાતના આક્ષેપો કર્યા હતા અને કેટલીક વાત તો પુરાવા સાથે કરી હતી. છેવટે તંત્રએ હરિગીરી સામે પગલાં લેવાની ફરજ પડી હતી અને તેમની વિદાય થઈ હતી.

જો કે કોઈ ગુનેગારની પાછળ પડવાથી પોતે પણ ચોખ્ખા સાવ થઈ જવાતું નથી. કહેવાય છે કે કુદરતે શેરના માથે સવાશેર મૂકેલા જ હોય છે. બસ આ રીતે હરિગીરીની બરોબર પાછળ પડી ગઈને તેને વિદાય આપનારા મહેશગીરીને પણ આવું જ થયું છે. સુફિયાણી વાતો કરનારા મહેશગીરી સામે જ જમીન પચાવી પાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે તેમના મળતિયાએ સાથે સરકારી જમીન પચાવી પાડી તેની કોઈને ખબર પણ ન પડી. સરકારી જમીનનું આમ પણ કોણ ધણીધોરી હોય, તેથી આ જમીન પચાવી પાડવામાં કોણ પાછીપાની કરે. તેમા પણ જો સરકારી તંત્રનો સાથ મળી જાય તો પછી કોઈ બાકી જ શું કામ મૂકે. બરોબર આવું જ મહેશગીરીના કિસ્સામાં થયું છે.

મહેશગીરીએ કરેલા આ જમીન ગોટાળાના વટાણા જૂનાગઢના જ ધારાશાસ્ત્રી હેમાબહેન શુક્લએ વેરી નાખ્યા છે. આમ ભૂતનાથના બાવા મહેશગીરીના તંત્રની મિલીભગતથી જમીન પચાવી પાડવાના વરવા કારસ્તાનોને હિંમતવાન વકીલ હેમાબેન શુક્લએ બહાર પાડતા સનસનાટી મચી ગઈ છે. તેમના જણાવ્યા મુજબ બાવા મહેશગીરીએ રાણેશ્વર અને  રાણપુર ગામની ગ્રામ પંચાયતની જમીન પર દબાણ કર્યુ છે. સબ ભૂમિ ગોપાલ કીના ન્યાયને અનુસરતા સરકારી જમીનને બાવાજીએ વચેટિયાની મદદથી અને કૌભાંડી સરકારી અધિકારીઓની મદદથી જમીન પોતાના નામે કરી લીધી છે.

ભ્રષ્ટ સરકારી અધિકારીઓને તો સરકારી જમીન ગમે તેની થાય તેનાથી શું ફેર પડે છે, તેમનું તો એક જ ધ્યેય હોય છે. તે એ કે તેમના ખિસ્સા ગરમ થતાં રહે, સરકારી જમીનનું જે થવું હોય તે થાય પણ તેનાથી તેમના પગાર પર ક્યાં કોઈ આંચ આવવાની છે. ઉપરથી આ પ્રકારના કિસ્સામાં તો તેમને ઉપરની રકમ પણ મળશે.

જો કે આ આખી ઘટનામાં હોંશિયાર એકદમ પાકુ કામ કરતાં અંબાજીના મહંત બનવાની મહેચ્છા ધરાવતા મહેશગીરી તેમને પણ ખબર ન પડે તે રીતે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં બરોબરના ફીટ કરી દીધા છે. હવે તેઓ આ કેસમાં એવા ભરાયા છે કે ન તો તેઓ આગળ જઈ શકે તેમ છે અને ન તો પાછળ જઈ શકે તેમ છે. કલેક્ટરની મજબૂત કાર્યવાહીના કારણે બધા જ દસ્તાવેજી પુરાવા મહેશગીરીની વિરોધમાં છે. તેના કારણે મહેશગીરીની તંત્રમાં અનેક પ્રકારની વગ હોવા છતાં પણ તંત્ર પણ આ દસ્તાવેજી પુરાવા સામે નિસહાય થઈ ગયું છે. આમ વિવાદોના સર્જક પોતે જ વિવાદમાં સપડાઈ ગયા છે.  મહેશગીરીને ખબર પણ ન પડી અને તેમના ચહેરા પર ચોરનું અને ભૂમાફિયાનું લેબલ લાગી ગયું છે.

મહેશગીરીના લૂગડા IAS અધિકારીએ જાહેરમાં એવી રીતે ઉતારી દીધા છે કે તેને ખબર પણ પડી નથી. એક રીતે મહેશગીરીની આબરૂને છડેચોક લિલામ જ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે રાણપુર ગામમાં જૂના ગામતળમાં થયેલા આ દબાણને લેન્ડ ગ્રેબિંગ જ ઠેરવી દેતા મહેશગીરીના મોતિયા મરી ગયા છે. તેમણે તરત જ આગળની બધી જ પ્રક્રિયાઓને અટકાવવા માટે દોડધામ શરૂ કરી દીધી છે. તેની સાથે તંત્રની અંદરના લાંચિયા અધિકારીઓને પણ તેમની સામેની કાર્યવાહી અંગેની સૂચનાઓ મેળવવા સાબદા કરી દીધી છે, પરંતુ હાલમાં તો મહેશગીરી સામે કાગળ પર બધુ જ મજબૂત છે. તેઓ ચૂં કે ચા કરી શકવાની સ્થિતિમાં નથી. બકરો બરોબર સાણસામાં આવી ગયો છે તેવી તેમની સ્થિતિ છે. આમ મહેશગીરી ફક્ત મહેશગીરી ન રહેતા કાયદાકીય પરિભાષામાં તો ભૂમાફિયા બની ગયા છે. તેમની સામે હવે ભૂમાફિયા સામે જે કાયદો લાગુ પાડવામાં આવે છે તે જ કાયદો લાગુ પાડવો પડી શકે છે.

આ કેસ હાલમાં તો રાણપુર ગ્રામ પંચાયતની ડિસિપ્લિનરી એન્ડ એપેલેટ ઓથોરિટી પાસે છે. તેની પછી તે કોર્ટમાં ચાલશે, આ કેસનું પરિણામ જે પણ આવવું હોય તે આવે પરંતુ મહેશગીરીની સ્થિતિ એવી થઈ ગઈ છે કે જાહેરમાં કોઈ તેમના લૂગડાં ઉતારી ગયું અને તેમને ખબર પણ ન પડે. તેમને કલ્પના પણ નહીં હોય કે તેમણે જમીનનું કરેલા દબાણની વિગતો બહાર પડશે અને તેમની સામે આ પ્રકારની કાર્યવાહી પણ થશે. તેઓ પોતાના લાંચિયા અધિકારીઓ પર મુસ્તાક હતા. જ્યારે તેમણે જેમ લાંચિયા અધિકારીઓની મદદથી કાંડ કરી નાખ્યો તેની કોઈને ખબર ન પડી તે જ રીતે પ્રામાણિક અધિકારીએ પોતાની નિષ્ઠાપૂર્વકની કામગીરીથી મહેશગીરી જેવા ચમરબંધીને બતાવી દીધું કે અધિકારી નિષ્ઠાપૂર્વક કામ કરીને બતાવે તો કાયદાકીય કાર્યવાહી ભલભલાને છોડતી નથી. આગામી દિવસોમાં મહેશગીરીના પણ અનેક હાડપિંજરો કબાટમાંથી બહાર આવે તો કોઈને આશ્ચર્ય નહીં થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના ફોન ઉપાડતા ન હોવાના આક્ષેપ અરવિંદ લાડાણીએ નકાર્યા

આ પણ વાંચો: પહેલાં શિક્ષણમાં હવે ચૂંટણીમાં પણ અનામતઃ અલ્પેશ કથીરિયા

આ પણ વાંચો: અમરેલીના ફુલજરના વિવાદના પડઘા છેક સુરતમાં પડ્યા