Gandhinagar News : કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ચાલી રહેલી ટેકાના ભાવે મહફળીની ખરીદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા બે કૃષિ રાહત પેકેજ સંદર્ભે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
આ સંદર્ભે પ્રેસ-મીડિયાને માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યના 70,000થી વધુ ખેડૂતો પાસેથી રૂ. 1,177 કરોડથી વધુના મૂલ્યની કુલ 1.62લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે. સાથે જ, ખેડૂતોને મગફળી ખરીદીના ચૂકવણા પણ સીધા તેમના બેંક ખાતામાં જમા કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ચાલુ વર્ષે રાજ્યના 9.31 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે, જે ગત વર્ષે થયેલી નોંધણીની અઢી ગણી વધારે છે. ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઇને મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકારને વધુ જથ્થો ખરીદી કરવા માટે કરેલી રજૂઆતને પગલે રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. 15,000 કરોડની મગફળી અને પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો ઉદારતમ નિર્ણય કરવામાં આવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ કૃષિ રાહત પેકેજ અંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે થયેલી પાક નુકસાનીથી ખેડૂતોને બેઠા કરવા ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાય મેળવવા માટે આજ સુધીમાં રાજ્યના કુલ 10 લાખથી વધુ ખેડૂતોએ VCE મારફત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી છે.
આ ઉપરાંત સપ્ટેમ્બર-2025માં વરસેલા અતિભારે વરસાદ માં સહાયરૂપ થવા રાજ્ય સરકારે પાંચ અસરગ્રસ્ત જિલ્લા માટે રૂ.1,138 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સહાય મેળવવા માટે પણ આજ સુધીમાં કુલ 1.25લાખ જેટલા ખેડૂતોએ VCE મારફત ઓનલાઈન અરજી કરી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, બંને રાહત પેકેજમાં રાજ્ય સરકારે પિયત અને બિનપિયત બંને પાકો માટે એક સમાન રૂ. 22,000પ્રતિ હેક્ટર (બે હેક્ટરની મર્યાદામાં) સહાય આપવાનો ઉદારતમ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે ખાસ કિસ્સામાં ખેડૂતોને રૂ. 20,000 પ્રતિ હેક્ટરની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
