Gondal News:ગોંડલ માર્કેટિંગ યાર્ડની બહાર સાંજે એક ચોંકાવનારી ઘટના બની હતી. રાજસ્થાન મોકલવા માટે મરચાંથી લચ્છાઈ ભરેલી આઈસર ટ્રકમાં અચાનક આગ લાગી જતાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હતો. આગનું મુખ્ય કારણ ટ્રકની ઉપર રાખેલી મરચાંની ઊંચી ભારીઓ વીજળીના હાઈ-ટેન્શન તારને અડી જવાનું જણાવાયું છે.જાણવા મળતી વિગતો અનુસાર, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શાલીભદ્ર ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા વેપારીએ રાજસ્થાનના (Rajasthan) વેપારી પાસેથી મોટા પ્રમાણમાં લાલ મરચાંની ખરીદી કરી હતી. આ મરચાં રાજસ્થાન મોકલવા માટે આજે સાંજે આઈસર ટેમ્પો માં ભરવામાં આવ્યા હતા. ટ્રકમાં કુલ 25-27 ભારીઓ ભરાઈ હતી, જેમાંથી મોટા ભાગની ભારીઓ ટ્રકની ઉપર જ ગોઠવવામાં આવી હતી.
મરચાંના ટ્રક આગમાં
જ્યારે ટ્રક યાર્ડના મેઈન ગેટ બહાર મેઈન રોડ પર પહોંચી, ત્યારે ઉપરની ભારીઓ રસ્તાની ઉપરથી પસાર થતા 11 કેવી હાઈ-ટેન્શન વીજળીના તારને અડી ગઈ આખના પલકારેમાં જ સ્પાર્કિંગ થયું અને સૂકા મરચાં હોવાથી ગણતરીની સેકન્ડમાં જ આગ ભભૂકી ઉઠી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ગાઢ કાળો ધુમાડો આકાશમાં ફરી વળ્યો, જે ઘણે દૂરથી પણ દેખાતો હતો.
આગની જ્વાળાઓ અને ધુમાડો દેખી આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ માર્કેટયાર્ડના અધિકારીઓ અને વેપારીઓએ તાત્કાલિક 3-4 પાણીના ટેન્કરો બોલાવી લીધા હતા. ઉપરાંત ગોંડલ ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. લગભગ 40-45 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે તે સુધીમાં ટ્રકની ઉપર રાખેલી આશરે 18 થી 20 ભારીઓ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી.સદનસીબે આ અગ્નિકાંડમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પણ સમયસર નીચે ઉતરી ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આ ઘટનામાં ₹8 થી ₹10 લાખ જેટલું નુકસાન થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.
આ પણ વાંચો:સુરતના ઉમરપાડા બજારમાં ભીષણ આગ, જૂતાની દુકાન બળીને રાખ
આ પણ વાંચો:સુરતમાં સચિન GIDC નજીક મકાનમાં લાગી આગ, 4 લોકો થયા ઘાયલો
આ પણ વાંચો:સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આગ! 10થી વધુ ગાડીઓ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે
