Ahmedabad News : અમદાવાદ (Ahmedabad)માં ઘર (House)કે ઓફિસ ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આગામી 1 જુલાઈથી મિલકતોના ભાવમાં વધારો થવાનો છે. બિલ્ડરોની સંસ્થા CREDAI અમદાવાદ દ્વારા યોજાયેલી વિશેષ બેઠકમાં નવા અને ચાલુ પ્રોજેક્ટના ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં ઘર (House)કે ઓફિસ ખરીદવાનું મોંઘુ થશે
CREDAI અમદાવાદ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં 400થી વધુ સભ્યોએ ભાગ લીધો હતો. બેઠકમાં કન્સ્ટ્રક્શન ખર્ચમાં સતત થઈ રહેલા વધારા, રો-મટીરિયલની અછત અને મજૂરોની સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
યુદ્ધની અસરથી કન્સ્ટ્રક્શન મટીરિયલ મોંઘું
મધ્ય પૂર્વ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધના કારણે બાંધકામ માટે જરૂરી સામગ્રીની સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ છે. આયાતી માલસામાનના ખર્ચમાં નોંધપાત્ર વધારો થતાં સ્ટીલ, સિમેન્ટ અને અન્ય કાચા માલના ભાવમાં 20થી 60 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
મજૂરોની અછતથી પ્રોજેક્ટમાં વિલંબ
અન્ય રાજ્યોમાં ચૂંટણી બાદ પણ ઘણા પરપ્રાંતીય મજૂરો કામ પર પરત ફર્યા નથી. પરિણામે બાંધકામ ક્ષેત્રમાં મજૂરોની અછત સર્જાઈ છે, જેના કારણે અનેક પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
રેરાના નિયમોથી વધ્યો આર્થિક બોજ
નિયત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ ન થાય તો બિલ્ડરોને RERAના નિયમો મુજબ દંડનો સામનો કરવો પડે છે. કાચા માલના વધેલા ભાવ અને કામમાં વિલંબને કારણે બિલ્ડરો પર આર્થિક દબાણ વધી રહ્યું છે.
1 જુલાઈથી કેટલો વધશે ભાવ?
CREDAI દ્વારા જાહેર કરાયેલા નિર્ણય મુજબ:
- નવા લોન્ચ થયેલા પ્રોજેક્ટમાં 10 ટકા સુધીનો ભાવવધારો
- પૂર્ણતાની નજીકના પ્રોજેક્ટમાં અંદાજે 5 ટકા સુધીનો વધારો
- 30 જૂન સુધી હાલના ભાવ યથાવત રહેશે
- 1 જુલાઈથી નવા દર સંપૂર્ણ અમલમાં આવશે
‘નફા માટે નહીં, મજબૂરીમાં લીધો નિર્ણય’
CREDAI અમદાવાદના પ્રમુખ આલાપ પટેલના જણાવ્યા અનુસાર, આ નિર્ણય નફાખોરી માટે નહીં પરંતુ વધતા બાંધકામ ખર્ચને કારણે લેવાયો છે. અમદાવાદમાં હજુ પણ અન્ય મેટ્રો શહેરોની સરખામણીમાં રહેણાંક મિલકતોના ભાવ ઓછા છે.
સરકાર પાસે રાહતની માંગ
બિલ્ડરોએ GST, સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય કરવેરામાં રાહત આપવા સરકારને અપીલ કરી છે. સાથે જ યુદ્ધ અને મજૂરોની અછતને ધ્યાનમાં રાખીને RERA હેઠળ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદામાં વધારો કરવાની માંગ પણ કરવામાં આવી છે.
