Banaskantha News : બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચાર (Corruption)અને વિકાસ કામોમાં ગેરરીતિના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મુદ્દે એક યુવાન પોતાના સમર્થકો સાથે ગ્રામ પંચાયત કચેરી સામે ભૂખ હડતાળ પર બેઠો છે અને પારદર્શક તપાસની માંગ કરી રહ્યો છે.
આંદોલનકારીઓનો આક્ષેપ છે કે ગામમાં ગટર, રોડ-રસ્તા સહિતના વિવિધ વિકાસ કામો માટે સરકાર દ્વારા મળેલી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો નથી. અનેક કામો કાગળ પર પૂર્ણ બતાવવામાં આવ્યા હોવા છતાં વાસ્તવમાં સ્થળ પર કામ થયાનું જોવા મળતું નથી.

ભૂખ હડતાળ (Hunger Strike) પર બેઠેલા યુવાને છેલ્લા 15 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા તમામ વિકાસ કામોનો હિસાબ જાહેર કરવાની માંગ કરી છે. સાથે જ વિકાસ કાર્યોની સ્વતંત્ર તપાસ કરીને જવાબદાર અધિકારીઓ અને સંબંધિત વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે.
આંદોલનકારીઓનું કહેવું છે કે ગામના વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચાઈ હોવાના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ અનેક સ્થળોએ મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગ્રામજનોમાં પણ અસંતોષ વ્યાપ્યો છે.

ભૂખ હડતાળ (Hunger Strike) પર બેઠેલા યુવાને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને ભૂખ હડતાળ યથાવત રાખવામાં આવશે.
હાલ સમગ્ર મામલે સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયત તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી. જોકે આ મુદ્દે ગામમાં રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે.
