છેતરપિંડી/ સુરતમાં પૂર્વ અધિક પોલીસ કમિશનરના પુત્ર સામે છેતરપિંડીની ફરિયાદ નોધાઇ

પૂર્વ પોલીસ વડાના પુત્ર સામે પોલીસ ફરિયાદ

Gujarat
fir સુરતમાં પૂર્વ અધિક પોલીસ કમિશનરના પુત્ર સામે છેતરપિંડીની ફરિયાદ નોધાઇ

  અધિક પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા નિવૃત આઇપીએસ બી.કે.જેબલિયાના પુત્ર સામે ક્રાઇમ બ્રાન્ચમાં 40 લાખની ઠગાઈ અને ખોટા સરકારી દસ્તાવેજો બનાવવાની ફરિયાદ નોંધાઇ છે. આઇપીએસ પુત્ર નીરવ જેબલિયાની  ધરપકડ કરવા ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે.વરાછા વિસ્તારમાં રહેતા ગોપાલ રાદડિયા જમીન લે-વેચ અને લીઝના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમને ગાંધીનગરના આંટાફેરા દરમિયાન મિત્ર મુકેશ દુધાત મારફત નીરવ જેબલિયા સાથે ઓળખાણ થઈ હતી. આ નીરવ જેબલિયા અગાઉ સુરતમાં અધિક પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલાં અને હાલ નિવૃત આઇપીએસ બી.કે.જેબલિયાનો પુત્ર છે. આ નીરવ જેબલિયાએ ફરિયાદી ગોપાલને જમીનની લીઝ અપાવાની અને તેનું લાઇઝિંગ કરી આપવાની ખાતરી આપી વિશ્વાસમાં લીધા હતાં અને નીરવે પોતાને તમામ આઇપીએસ અધિકારીઓ, પ્રધાનો અને છેક રાજ્યપાલ સુધી ઓળખાણ હોવાની સાથે સાથે અધિકારીઓની બદલીઓ કરાવવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું અને ગોપાલ રાદડીયાનો વિશ્વાસ જીત્યો હતો.

ગોપાલે પણ વિશ્વાસમાં આવી જઇ 40 લાખ જેટલી માતબર રોકડ રકમ આપી દીધી હતી. જો કે રૂપિયા મળ્યા પછી પણ નીરવ જેબલિયાએ ગોપાલ રાદડીયાનું કામ કર્યું ન હતું, આ મામલે છેલ્લા એકાદ વર્ષથી બન્ને વચ્ચે વાટાઘાટો ચાલતી હતી એ દરમિયાનમાં નીરવ જેબલિયાએ પોતાની જાત બચાવવા ગોપાલ રાદડીયાને કૃષિ વિભાગના વાઇસ ચેરમેન તરીકેનો બોગસ લેટર પકડાવી દીધો હતો. એ લેટર બોગસ સાબિત થતાં જ ગોપાલે સુરતની ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય જગ્યાઓએ અરજી કરી હતી, ક્રાઇમ બ્રાન્ચે અરજીની તપાસ કર્યા બાદ નીરવ સામે ફરિયાદ દાખલ કરી નીરવની શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે નીરવ જેબલિયા કે જે નિવૃત આઇપીએસનો પુત્ર છે તે ભૂતકાળમાં પણ અનેક વિવાદમાં આવી ચૂક્યો છે. સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં નીરવ રાદડિયા સામે 3 કરોડની જમીનના લોચલબાચાની અગાઉ ફરિયાદ નોંધાઇ ચૂકી છે.  ક્રાઇમ બ્રાન્ચે હાલમાં ગોપાલ રાદડીયા સાથે ઠગાઈની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.