સુરતમાં હત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. નજીવી બાબતોમાં હત્યાઓ થઈ રહી છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં મિત્રએ જ મિત્રની પૈસાની લેતી દેતીમાં હત્યા કરી નાખી છે. 21 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે હાલ તો રાંદેર પોલીસ એ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે , સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ બાપુનગર સોસાયટીમાં રહેતા બે મિત્રો વચ્ચે પેસાની લેતી – દેતી બાબતે ઝઘડો થયો હતો..બાપુનગર સોસાયટીમાં રહેતા મુનાફ શકીલ શેખ અને ફારુક મોહમ્મદ અસ્લમ ઉર્ફે ફારુખ પટેલ એક જ સોસાયટીમાં રહેતા હતા અને બન્ને સારા મિત્રો હતા. આજે વહેલી સવારે ૫.૩૦ કલાકે બંને મક્કાઈપુલ ઉતરતા ચિસ્તીયા હોટેલ પાસે ઉભા હતા ત્યારે જુના પેસાની લેતી – દેતી બાબતે ઝઘડો થયો હતો..૭૫૦ રૂપિયા ફારુખને મુનાફ પાસે લેવાના હતા આ દરમિયાન મુનાફે કહ્યું મેં તને ૪૫૦ રૂપિયા આપી દીધા છે ત્યારે મુનાફ અને ફારુખ વચ્ચે ફક્ત ૩૦૦ રૂપિયા મામલે ઝઘડો થયો હતો..
આ દરમિયાન ફારૂખે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે મુનાફ પર હુમલો કર્યો હતો અને મુનાફને આડેધડ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા જેથી મુનાફ લોહી-લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો હતો બાદમાં ઘટનાની જાણ પરિવારજનોને થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે રાંદેર પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે , મૃતક મુનાફ શકીલ શેખ ફારુખ પટેલ બન્ને એક સોસાયટીમાં રહેતા હતા અને મિત્રો હતા.
બન્ને મિત્રો મજુરી કરી પરિવારને મદદ કરતા હતા અને આ દરમ્યાન પેસાની લેતી-દેતી થઇ હતી..અને માત્ર ૩૦૦ રૂપિયાની લેતી-દેતીમાં હત્યા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે , મૃતક મુનાફ શકીલ શેખના પિતાનું નિધન ૨૦ વર્ષ પહેલા થયું છે. પરિવારમાં માતા અને ત્રણ ભાઈ છે. મૃતક મુનાફ શકીલ શેખ સહીત ચાર ભાઈઓ હતા જેમાં મુનાફ શકીલ શેખ સૌથી નાનો દીકરો હતો. નાના દીકરાની હત્યા થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો રાંદેર પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે હત્યારા મિત્રને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે કંટ્રોલરૂમ ઊભો કરાયો
આ પણ વાંચો: કચ્છ સરહદે બીએસએફના બે જવાનોના ડીહાઇડ્રેશનથી મોત થતાં સનસનાટી
