Delhi News: દિલ્હી પોલીસની સેન્ટ્રલ જિલ્લા ટીમે એક મોટા આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો ભંડાફોડ કરીને ડૉક્ટર સહિત 12 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન પાંચ નવજાત શિશુઓને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીઓ ગરીબ પરિવારોના બાળકોને નિશાન બનાવી તેમને ગેરકાયદેસર રીતે સંતાનવિહોણા દંપતીઓને વેચતા હતા. આ સમગ્ર રેકેટમાં દિલ્હીના રોહિણી વિસ્તારના બેગમપુર સ્થિત એક ખાનગી હોસ્પિટલના માલિક ડૉક્ટરની સંડોવણી સામે આવી છે. પોલીસને શંકા છે કે હોસ્પિટલનો ઉપયોગ બાળ તસ્કરી માટે કરવામાં આવતો હતો.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હોસ્પિટલમાં જન્મેલા કેટલાક નવજાત બાળકોને કાયદેસરની દત્તક પ્રક્રિયા વિના એવા દંપતીઓને સોંપવામાં આવતા હતા, જેઓ ગેરકાયદેસર રીતે બાળક મેળવવા ઇચ્છતા હતા. આ ગેંગ દિલ્હી ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં સક્રિય હોવાનું સામે આવ્યું છે.
પોલીસે જણાવ્યું કે બચાવાયેલા પાંચેય શિશુઓને સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે અને તેમને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. સમગ્ર નેટવર્કના અન્ય સભ્યો અને સંભવિત સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે તપાસનો દોર ચાલુ રાખવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને બાળ તસ્કરીના આ ગેરકાયદેસર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી છે.
