Narmada News/ RTEનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ, ભાજપનો કાર્યકર મુખ્ય સૂત્રધાર

Narmada News : નર્મદા જિલ્લામાં RTEનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ થયેલા કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ વિભાગે પ્રથમ રાઉન્ડમાં મંજૂર થયેલી 29 અરજી રદ કરી છે. આ સમગ્ર મામલે 5 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલાને એસપી […]

Gujarat

Narmada News : નર્મદા જિલ્લામાં RTEનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ થયેલા કૌભાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ વિભાગે પ્રથમ રાઉન્ડમાં મંજૂર થયેલી 29 અરજી રદ કરી છે. આ સમગ્ર મામલે 5 આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. આ મામલાને એસપી દ્વારા ગંભીરતાથી લઈને SITની રચના કરવામાં આવી છે. જેમાં મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલ સહિત પાંચ આરોપી ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

ભાજપનો કાર્યકર એવો દર્પણ પટેલ સરપંચ અને તલાટીના ખોટા સિક્કા બનાવીને આખું કૌભાંડ આચરતો હતો. તે રેશનિંગની દુકાન પણ ચલાવે છે. તેણે એક ફીમેલ હેલ્થ વર્કરને તો વાર્ષિક 18000ની આવકનો દાખલો પણ કાઢી આપ્યો હતો.

15 માર્ચ પહેલા RTE એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા હતી. જે 15 માર્ચ પછી વધારીને 6 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કરાયો હતો એટલે કે, હવે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનાર વાલીઓ પોતાના સંતાનને RTEમાં એડમિશન માટે અરજી કરી શકે છે.

આરોપીની યાદી

દર્પણ ઉર્ફે દિલિપભાઈ ચન્દ્રકાંત પટેલ (રહે.ભચરવાડા તા.નાંદોદ જિ.નર્મદા)
રાહુલ કનૈયાલાલ પ્રજાપતિ, (રહે. ભદામ, તા.નાંદોદ, જિ.નર્મદા)
અનિલ મનુભાઈ રોહિત (રહે. ગામકુવા તા. નાંદોદ જિ.નર્મદા)
દક્ષા નરેન્દ્રભાઈ બારીયા (રહે. ભચરવાડા તા.નાંદોદ જિ.નર્મદા)
કલ્પના અનિલભાઈ વસાવા (રહે, વણઝાર)
તલાટી-સરપંચના ખોટા સિક્કા બનાવી આવકના દાખલા બનાવાતા

નર્મદાના નાંદોદ તાલુકાના ભદામ ગામમાં તલાટી-સરપંચના ખોટા સિક્કા બનાવીને આવકના દાખલા બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. મુખ્ય આરોપી દર્પણ પટેલે સરકારી રાશનની દૂકાન ધરાવે છે. જેણે અનેક લોકોને ખોટા આવકના દાખલા આપ્યા હતા. લોકોએ આ દાખલાનો ઉપયોગ કરીને RTE હેઠળ મફત શિક્ષણ મેળવવા અરજીઓ કરી હતી.આજે સાંજે 4 કલાકે SITના અધ્યક્ષ અને ASP લોકેશ યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યું હતું કે, RTEમાં પ્રવેશ મેળવવા માટે અરજદારોએ ફેક આવકના પ્રમાણપત્રની વિગતો સામે આવી હતી. તેને ધ્યાનમાં લઈને એસપી સાહેબની સૂચના દ્વારા SIT ટીમની રચના કરીને તપાસ કરવામાં આવી રહી છે. કેટલાક શંકાસ્પદ આવકના પ્રમાણપત્રોની ચકાસણી અમારી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સરકારી કચેરીના ઓરિજિનલ આવક પ્રમાણપત્ર અને અને અરજદાર પાસે રહેલા આવક પ્રમાણપત્રોની ખરાઈની તપાસ ચાલી રહી છે. અમારી પાસે 700 જેટલા ડોક્યુમેન્ટનું લીસ્ટ છે, તેના પર તપાસ ચાલું છે. આ મામલે અમે 100થી વધુ લોકોને આવક પ્રમાણપત્ર સાથે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે તપાસ માટે બોલાવ્યા છે.હાલ તો પાંચ આરોપીની વિગતો સામે આવી છે. વધુ વિગતો તપાસ બાદ સામે આવશે. આરોપીની શોધખોળ માટે અમે કોર્ટમાંથી પરમિશન મેળવી લીધી છે. આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે, અને ઝડપથી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરાશે.

કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે, ગાંધીનગર કક્ષાએથી તાત્કાલિક ધોરણે દાખલાઓની ખરાઈ કરવામાં આવી. જો કે, તલાટી આ દાખલાઓથી અજાણ હોવાનું જણાવતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તાલુકા વિકાસ અધિકારીની તપાસ અને કેટલાક તલાટીઓની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે મુખ્ય આરોપી દર્પણ પટેલ સહિત પાંચ સામે ગુનો નોંધ્યો છે.આવકના ખોટા દાખલાઓ પર ક્યુઆર કોડ હતા,

જેને ગુગલ લેન્સ એપ્લિકેશનમાં સ્કેન કરીને જોતા તેમાં ડિજિટલ ગુજરાત વેરિફિકેશન પોર્ટલની લિન્ક પર ખોલીને જોતા સુંદરપુરા ગ્રામ પંચાયતની સિસ્ટમમાંથી જનરેટ થયા હોવાનું જણાઈ આવ્યું હતું.મુખ્ય આરોપી દર્પણ પટેલનો પરિવાર રાજકીય વગ ધરાવે છે. જેમાં તેના કાકા દિનેશ શિવલાલ પટેલ APMC રાજપીપળાના ચેરમેન છે અને પૂર્વ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ સાથે નજીકના સંબંધ ધરાવે છે. એટલું જ નહિ મુખ્ય આરોપી દર્પણ પટેલ પણ ભાજપના મોટા નેતાઓ સાથે સારા સંબંધ ધરાવે છે.

નર્મદા જિલ્લા પુરવઠા અધિકારીએ મુખ્ય આરોપી અને સૂત્રધાર એવા દર્પણ પટેલના નામે ભચરવાડા ખાતે ચાલતી સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કર્યો છે. સ્થાનિક રૅશનકાર્ડ ધારકોને નજીકની અન્ય દુકાન પરથી અનાજ મળી રહે તે માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.આ મામલે એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે, આ કૌભાંડમાં સામેલ દક્ષાબેન બારીયા ભાચરવાડા આયુર્વેદિક આરોગ્ય મંદિર સબ સેન્ટરમાં ફિમેલ હેલ્થવર્કર તરીકે ફરજ બજાવે છે.

તેનો માસિક પગાર 20 હજાર રૂપિયા છે. તેણે RTEનો લાભ લેવા માટે માત્ર 18 હજાર રૂપિયાની વાર્ષિક આવક દર્શાવતો દાખલો બનાવડાવ્યો છે. હેલ્થ વર્કરની વાર્ષિક આવક અંદાજે 4 લાખ છે. એમના પરિવારમાં એક નાનો બાળક છે. તેનો પતિ ખેત મજૂરી કરે છે. નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ તેમની સામે કડક પગલાં લેવાની તૈયારી કરી રહ્યું છે.અન્ય કેટલાક આવકના દાખલા મેળવનારા સીમાંત ખેડૂતો છે. તેમની વાર્ષિક આવક સારી હોવા છતાં તેમણે પણ 18થી 20 હજાર રૂપિયાની વાર્ષિક આવક દર્શાવતા દાખલા મેળવ્યા છે. પોલીસે તેમની સામે પણ તપાસ શરૂ કરી છે.

આ તમામની વચ્ચે ખોટા આવકના દાખલા કૌભાંડની તટસ્થ તપાસ માટે નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત શુંબે દ્વારા SITની રચના કરવામાં આવી છે. નર્મદા ASP લોકેશ યાદવ આ ટીમના અધ્યક્ષ છે, જ્યારે રાજપીપળા ટાઉન PI વી.કે. ગઢવી તથા એસ.ઓ.જી PI યોગેશ સિરસાઠ સભ્ય તરીકે નિમાયા છે. હાલ તો આ કેસમાં કોઈ આરોપી પકડાયો ન હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ, SITની રચના બાદ પોલીસની ટીમ કૌભાંડના મુખ્ય આરોપી દર્પણ પટેલને ઝડપી પાડવા આકાશ પાતળ એક કરી રહી છે.

RTEનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાના કૌભાંડ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીદ્રા ગ્રુપ ગ્રામપંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી છે. સાથે જ આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. ગતરોજ સાંસદ મનસુખ વસાવાએ બનાવટી આવકના દાખલા કૌભાંડનો મુદ્દો નર્મદા જિલ્લા સંકલનની બેઠકમાં ઉઠાવ્યો હતો.

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિશાંત દવેએ જણાવ્યું હતું કે, વિવિધ મીડિયામાંથી જાણવા મળ્યું હતું કે, RTEના જે ફોર્મ ભરાયા છે, તેમાં ખોટા આવકના દાખલા મૂક્યા હોવાનું જાણમાં આવ્યું હતું. અમે તાત્કાલિક ધોરણે અમારા RTE પોર્ટલ પર 50 હજારથી ઓછી આવક ધરાવતા તમામ અરજદારોના ફોર્મ પણ ચેક કર્યા હતા. તેમાં જે શંકાસ્પદ દેખાયા તેની તાલુકા વિકાસ અધિકારી અને તલાટી કમ મંત્રી પાસેથી માહિતી મંગાવી ખરાઈ કરી હતી.

એમના અહેવાલના આધારે કુલ 29 અરજદારના આવકના દાખલા ખોટા જણાયા હતા. જેથી અમે તાત્કાલિક ધોરણે આ 29 વિદ્યાર્થીનો RTE હેઠળનો પ્રવેશ રદ કર્યો છે.આ બાબતે DYSP પી. આર. પટેલે જણાવ્યું હતું કે, નર્મદાના નાંદોદ તાલુકાનાં ભદામ ગ્રામપંચાયતમાં ક્રિષ્ણાબેન શાહ છેલ્લા દોઢ વર્ષથી તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. તેમણે ખોટા આવકના દાખલા અંગે પાંચ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપીઓના નામ (1) મુખ્ય આરોપી દર્પણ ઉર્ફે દિલિપભાઈ ચન્દ્રકાંત પટેલ (2) રાહુલ કનૈયાલાલ પ્રજાપતિ (3) અનિલ મનુભાઈ રોહિત, (4) દક્ષા નરેન્દ્રભાઈ બારીયા, (5) કલ્પના અનિલભાઈ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. પોલીસે આ તમામ આરોપીઓને પકડવા તેમના ઘરે જઈ તપાસ હાથ ધરી છે.

અનાથ બાળક
સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળુ બાળક
બાલગૃહનાં બાળકો
બાળમજુર/સ્થળંતરીત મજૂરનાં બાળકો
મંદ બુદ્ધિ/સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરિક રીતે વિકલાંક અને વિકલાંગ ધારા-૨૦૧૬ની કલમ ૩૪(૧)માં દર્શાવ્યા મુજબનાં તમામ દિવ્યાંગ બાળક
(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો
ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલિસદળનાં જવાનનાં બાળકો
જે માતા-પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી
રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો
0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી (SC, ST, SEBC, જનરલ તથા અન્‍ય) ના BPL કુંટુંબના બાળકો
અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના બાળકો
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્‍ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો
જનરલ કેટેગરી/ બિન અનામત વર્ગના બાળકો


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છમાં ઈન્ડિયા બ્રિજ બોર્ડર પાસેથી શંકાસ્પદ વસ્તુમાં વિસ્ફોટ, લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:કચ્છમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતીને લઈ જાહેરાત

આ પણ વાંચો:કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા, ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માવઠું આવશે