Navsari News : નવસારી જિલ્લામાં છેલ્લા 15 દિવસથી બોગસ ડોક્ટરોને ઝડપી પાડવા SOGએ કમર કસી છે, જેમાં અત્યારસુધીમાં નવ કેસ બોગસ ડૉક્ટર વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યા છે. નવસારી તાલુકાના સાતેમ ગામે નટવરગિરિ ગોસ્વામી નામનો બોગસ તબીબ આયુર્વેદિક અને પંચકર્મ ટ્રીટમેન્ટના નામે 2 વર્ષથી 6 બેડની એલોપેથિક હોસ્પિટલ ચલાવતો હતો, જેને પોલીસે ઝડપી લીધો છે. આરોપી નટવરગિરિ ગોસ્વામી છેલ્લા 2 વર્ષથી આ હોસ્પિટલ ચલાવી રહ્યો હતો અને દર્દીઓને ગુમરાહ કરીને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે દરોડા પાડીને હોસ્પિટલમાંથી મોટી માત્રામાં દવાઓ અને તબીબી સાધનો કબજે કર્યા છે.
નવસારીના સાતેમ ગામમાં બોગસ ડોક્ટરનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે. આ ડોક્ટર શિવ આયુર્વેદિક હોસ્પિટલની આડમાં એલોપેથીની સારવાર કરી રહ્યો હતો. આ કેસ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ મુજબ રજિસ્ટર કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવમાં 9 ડોક્ટરો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ડ્રાઈવ દરમિયાન ₹2,69,719નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ડોક્ટર દ્વારા બીએમએસની ડીગ્રી રજૂ કરવામાં આવી છે. એ સાચી છે કે કેમ એ અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે
આ હોસ્પિટલમાં નવસારી શહેરના નામાંકિત ડોક્ટરો પણ સારવાર માટે આવતા હતા. આનો અર્થ એ થયો કે આવા ગુનામાં માત્ર એક વ્યક્તિ જ સંડોવાયેલી નથી, પરંતુ એક સંગઠિત જૂથ કામ કરી રહ્યું હોય તેવું લાગે છે. પોલીસ આ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર હતું કે કેમ તેની તપાસ કરી રહી છે. જો આ સાચું પુરવાર થાય તો આ મામલો વધુ ગંભીર બની શકે છે. આરોપીએ ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી ડિગ્રી લીધી હોવાનું જણાવ્યું છે, પરંતુ પોલીસ તેની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહી છે.
આવા બોગસ ડોક્ટરો મોટે ભાગે પછાત અને ગ્રામીણ વિસ્તારોમાં સક્રિય હોય છે, જ્યાં લોકો પાસે તબીબી સુવિધાઓ મર્યાદિત હોય છે. આવા વિસ્તારોમાં લોકો બોગસ ડોક્ટરોના જાળમાં સરળતાથી ફસાઈ જાય છે.
આ પણ વાંચો: સુરતના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો વધુ 1 બોગસ ડોક્ટર ઝડ્પાયો
આ પણ વાંચો: ઝઘડીયા તાલુકાનાં ઇન્દોર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો
આ પણ વાંચો: સુરતના પાંડેસરામાં નકલી ડોક્ટર ઝડપાયા, 10 નકલી ડોક્ટરો અને બોગસ ડિગ્રી આપનારા 3 શખ્સોની ધરપકડ