Gandhinagar News: ગુજરાતના આશાસ્પદ યુવકનું જર્મનીમાં મોત થયું છે. આ યુવાન ચાણસ્મા તાલુકાના સેવાળા ગામનો વતની છે. ચિરાગ પટેલ નામના યુવકની લાશ તળાવમાંથી મળી આવી છે. આ યુવક પાંચ વર્ષ અગાઉ અભ્યાસ અર્થે ગયો હતો. જર્મન પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે.
જર્મનીમાં સામાન્ય રીતે આ પ્રકારના કિસ્સા બનતા નથી, પણ આ કિસ્સાએ ફરીથી જર્મની જનારા ભારતીયો અને તેમા પણ ખાસ કરીને ગુજરાતીઓમાં ભયની લાગણી પ્રસરાવી છે. આ પહેલા નવ વર્ષ અગાઉ થયેલા બનાવમાં પણ આવું થયું હતું. તે સમયે યુવાન નડિયાદનો હતો.
જર્મનીના હેમ્બર્ગ ખાતે ટી.યુ.એચ.એચ. યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલાં નડિયાદના એક યુવકનું હોસ્ટેલના બાથરૂમમાં કોઈ અગમ્ય કારણસર મૃત્યુ નીપજ્યું હતું. યુવકનો મૃતદેહ રવિવારે સાંજે કાર્ગો પ્લેન દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યાંથી યુવકના નડિયાદ સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. મૃતક યુવકની સોમવારે સ્મશાનયાત્રા તેનાં નિવાસસ્થાનેથી નીકળતાં માતા-પિતા અને સ્નેહીજનોના રુદનથી સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
નડિયાદના પવનચક્કી રોડ પર આવેલી મેઘાનગર સોસાયટીમાં રહેતાં પંકજકુમાર માંડલનો એકનો એક લાડકવાયો અંકુર માસ્ટર ડિગ્રી મેળવવા માટે 4 વર્ષ અગાઉ જર્મનીના હેમ્બર્ગ સિટી ખાતે આવેલી ટી.યુ.એચ.એચ. યુનિવર્સિટીમાં ભણવા ગયો હતો. અભ્યાસ પૂર્ણ થયાં બાદ યુનિવર્સિટીમાં પ્રેઝન્ટેશન રજૂ કરી જુલાઈના પ્રથમ વીકમાં તે પોતાના વતન નડિયાદ ખાતે આવવાનો હતો.
જોકે, વિધિની વક્રતાએ કંઈ જૂદું જ વિચાર્યું હતું. ગત 30મી જૂનના રોજ યુનિવર્સિટીની હોસ્ટેલના બાથરૂમમાં શંકાસ્પદ રીતે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સંદર્ભે જર્મન પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. આ દુ:ખદ ઘટનાના સમાચાર મૃતક અંકુરના મિત્ર વંદીત રાવલે નડિયાદ ખાતે રહેતા પંકજકુમાર માંડલ તથા માતા કોકીલાબહેન માંડલને પોતાના પરિવાર થકી જાણ કરતાં અંકુરના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના ત્રણ નેતાઓ રાજ્યપાલ બનવાની હોડમાં
આ પણ વાંચો: ગુજરાતના નિવૃત્ત આઇએએસ અધિકારીનું અમેરિકામાં નિધન
આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં મેઘમહેર
આ પણ વાંચો: અગ્નિવીરને લઈને ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત
