Ahmedabad News : ગુજરાત યુનિવર્સિટીએ ગૂજરાતી એક મહત્વની શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે ત્યારે વિદ્યાર્થીઓ માટે પણ તેના કર્મચારી અને પદ પર રહેલા લોકો પ્રત્યે આદર હોય છે અને તેમાય કુલપતિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત હોય છે. એવામા (પૂર્વ) કુલપતિ (Neerja Gupta)પર જ્યારે આવા કૌંભાંડના આક્ષેપ થાય ત્યારે આમાંથી વિદ્યાર્થીઓએ શું શીખવું તે સવાલ ઉભો થાય છે. પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા પર લાગેલા આક્ષેપ અંગે હવે ગુજરાત યુનિવર્સિટીએ નિવૃત્ત હાઈકોર્ટ જજ દિપક વ્યાસને તપાસની જવાબદારી સોંપી છે. તેઓ ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ કરીને યુનિવર્સિટીને રિપોર્ટ સોંપશે.
Neerja Gupta ના કેસની જવાબદારી નિવૃત્ત જજ દિપક વ્યાસને સોંપાઈ
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ હેઠળ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)એ નિવૃત્ત હાઈકોર્ટ (High Court)જજ દિપક વ્યાસની એક સભ્યની તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિ પૂર્વ કુલપતિ સામે કરવામાં આવેલા આરોપોની તપાસ કરશે.
તપાસમાં કથિત ભરતી ગેરરીતિ, નિયમોનું ઉલ્લંઘન, યુનિવર્સિટીના નાણાકીય વ્યવહારો તેમજ PMJVK (પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ) હેઠળ મળેલી ગ્રાન્ટના ઉપયોગ અંગેના આક્ષેપોની તપાસ કરવામાં આવશે. તપાસ સમિતિ ત્રણ મહિનામાં પોતાનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપશે.
સિન્ડિકેટ કમિટીના અહેવાલ બાદ કાયદાકીય સલાહ લેવાઈ
ભરતી ગોટાળા અંગે સરકાર દ્વારા નિયુક્ત બે સિન્ડિકેટ સભ્યોની કમિટીએ અગાઉ પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો. આ અહેવાલ અંગે કાયદાકીય નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવી હતી. અગાઉની તપાસ કમિટીએ પૂર્વ કુલપતિની પૂછપરછ પણ કરી હોવાનું યુનિવર્સિટી તરફથી જણાવાયું છે. જોકે, ભવિષ્યમાં તપાસ પ્રક્રિયા સામે પક્ષપાતના આક્ષેપો ન થાય તે માટે હવે સમગ્ર મામલો નિવૃત્ત હાઈકોર્ટ જજને સોંપવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પરની સ્પષ્ટતા સત્તાવાર ગણાશે નહીં
યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિએ જણાવ્યું હતું કે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ગુજરાત યુનિવર્સિટી સમક્ષ અત્યાર સુધી કોઈ સત્તાવાર લેખિત સ્પષ્ટતા રજૂ કરી નથી. તેમણે સોશિયલ મીડિયા મારફતે આપેલી સ્પષ્ટતાને વહીવટી પ્રક્રિયા માટે સત્તાવાર જવાબ ગણવામાં નહીં આવે તેવી સ્થિતિ યુનિવર્સિટી તંત્રએ સ્પષ્ટ કરી છે. તપાસ દરમિયાન સંબંધિત તમામ દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવશે.
10 અધિકારી-કર્મચારીઓને એકસાથે સસ્પેન્ડ કરાયા
પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન થયેલી ભરતી અંગે યુનિવર્સિટીએ અગાઉ કડક કાર્યવાહી(Recruitment Scam) કરી હતી. યુનિવર્સિટી દ્વારા ભરતી કરાયેલા 10 અધિકારી-કર્મચારીઓને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.
નિયમ વિરુદ્ધ નિમણૂક અને ખોટી રીતે પગાર ચૂકવવાના આક્ષેપોને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. યુનિવર્સિટીના ઈતિહાસમાં આટલી મોટી સંખ્યામાં અધિકારી-કર્મચારીઓને એકસાથે સસ્પેન્ડ કરવાની આ પહેલી ઘટના હોવાનું પણ જણાવાયું છે.
PMJVKની કરોડોની ગ્રાન્ટ અંગે પણ સવાલો
પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન કેન્દ્ર સરકારની PMJVK યોજના હેઠળ મળેલી કરોડોની ગ્રાન્ટના ઉપયોગ અંગે પણ સવાલો ઉઠ્યા છે. આ ગ્રાન્ટના નાણાકીય વ્યવહારો અને ઉપયોગ અંગે તપાસ કરવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ કુલપતિ દ્વારા નિયમો વિરુદ્ધ પદ ઊભું કરી પોતાના માટે પગાર નક્કી કર્યાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે, આ તમામ આરોપોની સત્તાવાર હકીકત હવે નિવૃત્ત જજની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ VC નીરજા ગુપ્તા સામે કરોડોના પગાર ખર્ચનો આક્ષેપ, ABVPએ કરી તપાસની માંગ
આ પણ વાંચો: PM મોદીની અપીલ બાદ ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, સ્ટાફ માટે ‘કાર પુલિંગ’ લાગુ કરાશે
