ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ને માસ પ્રમોશન જાહેર કર્યા બાદ ધોરણ 12ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મુકાયા હતા. તેમજ મોટાભાગના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આ અંગે નિર્ણય સત્વરે લેવામાં આવે તેવું ઈચ્છી રહ્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી કરવાનો સમય મળી રહે.ધોરણ 12ની પરીક્ષા માટે આજે ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગના સચિવ, શિક્ષણમંત્રી, આરોગ્ય વિભાગ, મુખ્યમંત્રી વચ્ચે એક બેઠક યોજાશે, જેમાં ધોરણ 12માં ભણતા 5.50 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે નિર્ણય લેવામાં આવશે.
રાજ્યમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળ્યા બાદ ધોરણ 12 ની પરીક્ષા યોજવી કે કેમ તે પ્રશ્ન હજુ યથાવત્ રહ્યો છે.આજે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની બેઠક મળવા જઇ રહી છે. બેઠકમાં જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ધોરણ 12ની પરીક્ષા યોજવા નિર્ણય લેવામાં આવશે. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, જૂન મહિના સુધીમાં કેસમાં ખાસો એવો ઘટાડો થશે. પરીક્ષા યોજવા નિર્ણય લેવામાં આવે તો વિદ્યાર્થીઓને તૈયારી માટે 20 દિવસ કરતાં વધુ સમય મળી રહે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે કોરોનાને કારણે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે ધોરણ 12ની પરીક્ષા યોજવા હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ શિક્ષણ વિભાગ,આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રી વચ્ચે રિવ્યૂ બેઠક યોજાશે, જેમાં પરીક્ષા યોજવા અંગે નિર્ણય લેવામાં આવશે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં ધોરણ 12ની પરીક્ષા યોજાવાની શક્યતા છે.