New Delhi News/ આજે શિખર સંમેલનનો મહત્ત્વપૂર્ણ દિવસ, PM મોદીની 7 દ્વિપક્ષીય બેઠકો

દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનના બીજા દિવસે ‘ફેમિલી ફોટો’ યોજાયો છે. વડાપ્રધાન મોદી આજે વિવિધ દેશોના 7 શીર્ષ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.

NATIONAL Top Stories India
BRICS

BRICS Summit 2026: નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ચાલી રહેલા BRICS Summit 2026નો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે. બીજા દિવસે BRICSના પાર્ટનર અને આમંત્રિત દેશોના નેતાઓની હાજરીમાં વૈશ્વિક વિકાસ, સહયોગ અને આંતરરાષ્ટ્રીય પડકારો જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિવિધ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરીને ભારતના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

ભારત મંડપમમાં નેતાઓનું ભવ્ય સ્વાગત

આજે સવારે ભારત મંડપમ ખાતે BRICS પાર્ટનર અને આઉટરીચ માટે આમંત્રિત દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તથા મંત્રીઓનું આગમન થશે. ત્યારબાદ તમામ નેતાઓ સાથે સત્તાવાર ફેમિલી ફોટો યોજાશે. સમિટના ઓપન સેશનમાં ટકાઉ વિકાસ, નવીનતા, ટેક્નોલોજી અને સમાવેશી વૈશ્વિક વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

PM મોદીની સાત મહત્વપૂર્ણ બેઠકો

બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકોનું આયોજન છે. બપોરે 2:30 વાગ્યે કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ કાસિમ-જોમેર્ટ ટોકાયેવ સાથે મુલાકાત થશે. ત્યારબાદ 3 વાગ્યે ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયર અને 3:30 વાગ્યે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી સાથે બેઠક યોજાશે. સાંજે 4:10 વાગ્યે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે મુલાકાત થશે. ત્યારબાદ 4:40 વાગ્યે બુરુન્ડીના રાષ્ટ્રપતિ એવરિસ્ટે નાદાઇશિમિયે સાથે બેઠક યોજાશે. સાંજે 5:10 વાગ્યે નાઈજીરિયાના ઉપ રાષ્ટ્રપતિ કાશિમ શેટ્ટીમા અને 5:40 વાગ્યે યુગાન્ડાના ઉપ રાષ્ટ્રપતિ જેસિકા અલુપો સાથે PM મોદી દ્વિપક્ષીય ચર્ચા કરશે.

પહેલા દિવસે નવી દિલ્હી ઘોષણાને મંજૂરી

BRICS સમિટના પહેલા દિવસે ભારતની અધ્યક્ષતામાં ‘નવી દિલ્હી ઘોષણા 2026’ને સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. તેમાં વૈશ્વિક સહયોગ, આતંકવાદ સામેની લડત અને આંતરરાષ્ટ્રીય વેપાર સહિતના મહત્વના મુદ્દાઓ પર સભ્ય દેશોની સહમતી જોવા મળી.

આજે વૈશ્વિક વિકાસ પર રહેશે ફોકસ

સમિટના બીજા દિવસે ‘Building for Resilience, Innovation, Cooperation and Sustainability: Shaping the Future for Inclusive Global Growth’ વિષય પર ઓપન સેશન યોજાશે. આ સત્રમાં વૈશ્વિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા, ટેક્નોલોજી અને નવીનતાનો ઉપયોગ વધારવા તથા ટકાઉ વિકાસ માટે સહયોગ જેવા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. આ રીતે BRICS Summit 2026નો બીજો દિવસ ભારત માટે રાજદ્વારી રીતે પણ મહત્વપૂર્ણ બની રહ્યો છે, કારણ કે PM મોદીની વિવિધ દેશોના નેતાઓ સાથેની બેઠકોમાં વેપાર, રોકાણ, સુરક્ષા અને પરસ્પર સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.


આ પણ વાંચો:LIVE: ભારતની યજમાનીમાં બ્રિક્સ સમિટ શરૂ; દુનિયાભરના દિગ્ગજ નેતાઓ દિલ્હીમાં એકત્ર

આ પણ વાંચો:LIVE: દિલ્હીમાં 18મા BRICS સંમેલનનો આજથી પ્રારંભ; પુતિન પહોંચ્યા ભારત

આ પણ વાંચો:ભારત-ચીન સંબંધો સુધરવાની આશા; બ્રિક્સ સંમેલન માટે શી જિનપિંગ આવી શકે છે ભારત