Tech News/ AIની રફતાર પર બ્રેકની માંગ, ડારિયો અમોડેઈના પ્રસ્તાવને સેમ ઓલ્ટમેન અને એલન મસ્કનું સમર્થન

AIના ઝડપી વિકાસ વચ્ચે Anthropicના CEO ડારિયો અમોડેઈએ સુરક્ષા માટે AIની રફતાર નિયંત્રિત કરવાની માંગ કરી. સેમ ઓલ્ટમેન અને એલન મસ્કે પણ પ્રસ્તાવને સમર્થન આપ્યું.

Trending Tech & Auto
AI

Dario Amodei AI Safety Proposal: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. નવી ટેક્નોલોજી અને વધુ શક્તિશાળી AI મોડલ્સ માટે કંપનીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે Anthropicના CEO ડારિયો અમોડેઈએ AIના વિકાસની ઝડપને થોડા સમય માટે નિયંત્રિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે OpenAIના CEO સેમ ઓલ્ટમેન અને xAIના વડા એલન મસ્કે પણ તેમના વિચાર સાથે સહમતી દર્શાવી છે.

સુરક્ષા તપાસ માટે વધુ સમયની જરૂર

ડારિયો અમોડેઈના જણાવ્યા પ્રમાણે AI મોડલ્સની ક્ષમતાઓ ઝડપથી વધી રહી છે અને તેની સાથે સુરક્ષા સંબંધિત જોખમો પણ વધી શકે છે. તેથી કંપનીઓએ નવા મોડલ વિકસાવવાની સાથે તેમની સુરક્ષા તપાસ માટે પૂરતો સમય ફાળવવો જરૂરી છે. તેમનું માનવું છે કે વિકાસ સંપૂર્ણપણે બંધ કરવાની જરૂર નથી, પરંતુ તેની ગતિ અને સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. અમોડેઈએ મોટી એઆઈ કંપનીઓમાં સ્વતંત્ર મૂલ્યાંકનકર્તાઓ એટલે કે Independent Evaluatorsને નિયુક્ત કરવાની ભલામણ કરી છે. આવા નિષ્ણાતોને કંપનીની એઆઈ સિસ્ટમ્સ સુધી જરૂરી આંતરિક ઍક્સેસ આપવામાં આવે, જેથી તેઓ ટેક્નોલોજીના જોખમો અને સુરક્ષાની સ્વતંત્ર રીતે તપાસ કરી શકે. સાથે જ AI ક્ષેત્રની કંપનીઓ વચ્ચે સહયોગ અને વિવિધ દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલન વધારવાની જરૂરિયાત પણ તેમણે જણાવી છે.

AI

સેમ ઓલ્ટમેન અને એલન મસ્ક પણ સહમત

ડારિયો અમોડેઈના સૂચન પર સેમ ઓલ્ટમને પણ સહમતી વ્યક્ત કરી છે. તેમણે Independent Evaluatorsને કંપનીની અંદર જરૂરી ઍક્સેસ આપવાનો વિચાર સારો ગણાવ્યો છે અને AIના વિકાસની ઝડપને નિયંત્રિત કરવાની જરૂરિયાત સ્વીકારી છે. બીજી તરફ એલન મસ્કે પણ અમોડેઈના અભિગમને યોગ્ય ગણાવ્યો છે. અમોડેઈની આ ચિંતા એવા સમયે સામે આવી છે જ્યારે એઆઈ ના દુરુપયોગને લઈને દુનિયાભરમાં ચર્ચા વધી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે એઆઈ મોડલ્સનો ઉપયોગ હથિયારો, સાયબર હુમલા, દેખરેખ અને છેતરપિંડી જેવી પ્રવૃત્તિઓમાં થવાની શક્યતા ચિંતાજનક છે. વધુ શક્તિશાળી અને સ્વાયત્ત એઆઈ સિસ્ટમ્સ ભવિષ્યમાં મોટા પાયે નુકસાન પહોંચાડી શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ચીન સાથેની સ્પર્ધા પણ મહત્વનો મુદ્દો

જોકે અમોડેઈ એઆઈ નો વિકાસ સંપૂર્ણપણે રોકવાની વાત કરતા નથી. તેમનું કહેવું છે કે અમેરિકા અને અન્ય લોકતાંત્રિક દેશોએ ચીન સાથેની ટેક્નોલોજી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને પોતાની ક્ષમતા જાળવી રાખવી પડશે. સાથે જ અદ્યતન એઆઈ  ચિપ્સ અને મોડલ્સ માટે જરૂરી ડેટાની ચોરી સામે વધુ કડક નિયંત્રણની પણ તેમણે માંગ કરી છે. આ રીતે AIના ઝડપી વિકાસ વચ્ચે હવે ટેક્નોલોજીની સ્પીડ સાથે તેની સુરક્ષા, જવાબદારી અને આંતરરાષ્ટ્રીય નિયમનનો મુદ્દો પણ વૈશ્વિક ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે.


આ પણ વાંચો: બ્રહ્માંડના સૌથી મોટા રહસ્ય પરથી પડદો ઉઠવાની શરૂઆત; ડાર્ક મેટર હોવાના મળ્યા સંકેતો

આ પણ વાંચો: જૂનો સ્માર્ટફોન ક્યારે બદલવો જોઈએ? જાણો બેટરી, સોફ્ટવેર અપડેટ અંગેની સાચી માહિતી

આ પણ વાંચો: મોબાઈલ નંબર વગર કરો વાત! જાણો વોટ્સએપના નવા ફીચરના ફાયદા