Houthi Attack on Saudi Arabia: મિડલ ઈસ્ટમાં તણાવ યથાવત છે અને હવે યમનના હૂથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા પર મોટા હુમલાનો દાવો કર્યો છે. હૂથીઓના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયાના સરહદી વિસ્તાર શારુરાહમાં આવેલા એક સૈન્ય મથકને ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યું છે. આ દાવા બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષાને લઈને ચિંતા ફરી વધી છે.
હૂથીઓનો સૈન્ય મથક પર હુમલાનો દાવો
હૂથી જૂથના લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીએ જણાવ્યું કે શારુરાહ સ્થિત સૈન્ય મથકના હથિયાર ભંડાર અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યા હતા. હૂથીઓના દાવા મુજબ, હુમલામાં મોટી સંખ્યામાં ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને નિર્ધારિત લક્ષ્યો પર પ્રહાર કરવામાં આવ્યા હતા. યાહ્યા સરીએ આ કાર્યવાહીને યમન સામે સાઉદી અરેબિયાની સૈન્ય કાર્યવાહીનો જવાબ ગણાવ્યો છે. સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો સાઉદી અરેબિયા પોતાના હુમલા બંધ નહીં કરે તો ભવિષ્યમાં વધુ સંવેદનશીલ વિસ્તારોને નિશાન બનાવવામાં આવી શકે છે.

જીઝાનમાં પ્રોજેક્ટાઈલ પડવાનો દાવો
બીજી તરફ, સાઉદી અધિકારીઓ તરફથી જીઝાન વિસ્તારમાં થયેલી એક ઘટનાની માહિતી સામે આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, યમન તરફથી છોડવામાં આવેલું એક પ્રોજેક્ટાઈલ જીઝાન વિસ્તારમાં પડ્યું હતું, જેના કારણે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં મસ્જિદ, કેટલાક રહેણાંક મકાનો અને વાહનોને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી છે. દરમિયાન યમનના મોખા બંદર અને બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ નજીકના વિસ્તારમાં પણ તણાવ વધ્યો છે. વ્યૂહાત્મક મયૂન એટલે કે પેરિમ ટાપુની આસપાસની હૂથી ગતિવિધિઓને કારણે આ વિસ્તાર મહત્વનો બની રહ્યો છે. અહેવાલો મુજબ, સાઉદી અરેબિયાની(Saudi Arabia) આગેવાની હેઠળના ગઠબંધન દ્વારા મોખા એરપોર્ટ અને આસપાસના વિસ્તારોમાં હવાઈ હુમલા કરવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
વૈશ્વિક વેપાર માટે મહત્વનો વિસ્તાર
બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ લાલ સમુદ્રને એડનના અખાત સાથે જોડતો મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. આ માર્ગ પરથી વૈશ્વિક વેપાર ઉપરાંત તેલ અને ગેસના જહાજોની અવરજવર પણ થાય છે. તેથી યમન અને લાલ સમુદ્ર વિસ્તારમાં વધતી સૈન્ય ગતિવિધિઓ માત્ર સ્થાનિક સુરક્ષા માટે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય શિપિંગ અને ઊર્જા પુરવઠા માટે પણ ચિંતાનો વિષય બની શકે છે. હાલમાં હૂથીઓના(Saudi Arabia) હુમલાના દાવા અને તેની અસર અંગે વિવિધ અહેવાલો સામે આવી રહ્યા છે. આ ઘટનાથી મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયા (Saudi Arabia) અને હૂથીઓ વચ્ચેનો સંઘર્ષ વધુ ગંભીર બનવાની આશંકા ઊભી થઈ છે.
આ પણ વાંચો: સાઉદી ઓઈલ પાઈપલાઈન સ્થગિત, બાબ અલ-મંદેબ પર હુથીઓનો દબદબો
આ પણ વાંચો: બર્મુડા ટ્રાયંગલમાં વિમાન રહસ્યમય રીતે ગાયબ, ચારેય મુસાફરોના મૃતદેહ મળ્યા
આ પણ વાંચો:અલી અલ-તાહેર રિજમાં મોટો વિસ્ફોટ, 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો; ઈઝરાયલનો મોટો દાવો
