Navsari News : નવસારીના વિજલપોર વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે ચાર તસ્કરોએ ચાલુ ટ્રેનમાં દરવાજા પર બેસી ફોન પર વાત કરી રહેલા યુવાન શિક્ષકને ઝાંપટ મારી મોબાઈલ ઝુંટી લીધો હતો. આ ઘટનામાં શિક્ષક નીચે પટકાતા તેના બંને પગમાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. યુવાનનો એક પગ માત્ર સ્નાયુના આધારે ટકેલો હતો. હાડકું, નસ સહિતના જરૂરી અંગો તૂટી ગયા હતા, જેથી તેનો એક પગ કાપવો પડ્યો હતો. જ્યારે બીજા પગમાં પણ ઓપરેશન કરવામાં આવ્યું છે. ફોનની લાલચમાં તસ્કરોએ શિક્ષકની જિંદગી બરબાર કરી નાખી છે.
સુરતના માતાવાડીમાં રહેતા 35 વર્ષીય રાજેશ ધંધુકિયા હાલમાં લખીગામ દહેજમાં જ્ઞાન સહાયક તરીકે શાળામાં નોકરી કરે છે, તેમની બદલી વાપીના પારડી વિસ્તારમાં આવેલા વાકછીપામાં થઈ હતી. શાળામાં નોકરી જોઈન કરતા પહેલા તેઓ સ્કૂલ જોવા માટે આજે સુરતથી કર્ણાવતી ટ્રેનમાં વાપી જઈ રહ્યા હતા. ટ્રેન કોઈ કારણોસર નવસારીમાં પ્લેટફોર્મ નંબર ત્રણ પર રોકાઈને ઉપડી હતી. ત્યારે વિજલપોર પાસે આવેલા આંબેડકર નગરથી રામનગરની વચ્ચે ચાર યુવાનો ટ્રેક પર ઉભા રહીને ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ યુવાન શિક્ષક રાજેશ ધંધુકિયા શાળામાં ફોન કરી પોતે આવવાની જાણ કરી રહ્યા હતા. તેઓ દરવાજા પર બેસી ફોન પર વાત કરી રહ્યા હતા. તે સમયે ટ્રેન ધીમી ચાલતી હોવાથી ચાર તસ્કર યુવાનોએ શિક્ષકના હાથમાં ઝાપટ મારી હતી અને મોબાઇલ છીનવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં શિક્ષકનો મોબાઈલ નીચે પડી ગયો હતો. જોકે, ચાર પૈકી એક યવાનનો હાથ શિક્ષકની બેગમાં ફસાઈ જતાં તેઓ નીચે પટકાયા હતા. જેથી શિક્ષકના બન્ને પગમાં ગંભીરઈજા પહોંચી હતી. જ્યારે ચારેય તસ્કરો 50 હજારની કિંમતનો મોબાઈલ લઈને નાસી ગયા હતા.
યુવાનને આ સ્થિતિમાં જોતા કેટલાક સ્થાનિક લોકો તેમની મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં ઓર્થોપેડિક ડોક્ટરે તેમના પગની સ્થિતિ જોઈ ઓપરેશન કરવાનું નિર્ણય કર્યો હતો. જેમાં તેમનો એક પગ કાપી નાખવો પડ્યો હતો. યુવાન શિક્ષક શાળામાં જ્ઞાન સહાયકની નોકરી કરે છે અને કાયમી થવાની રાહ જોઈ રહ્યા છે, તેવામાં તેમના ઉપર ભારે સંકટ આવી પડ્યું છે. તેમના પરિવારમાં પત્ની બે બાળકો અને માતાનું તેઓ ભરણપોષણ કરે છે. હવે આ પરિસ્થિતિ આવતાં તેઓનું શું થશે તેની ચિંતામાં તેઓ ગરકાવ થયા હતા. પરિવારમાં આ શિક્ષક એક જ કમાવનાર વ્યક્તિ છે.
ઈજાગ્રસ્ત શિક્ષક રાજેશ ધંધુકિયાએ જણાવ્યું કે, હું સવારે 8:15 વાગ્યા આસપાસ સુરતથી કર્ણાવતી ટ્રેનમાં બેસી વાપી જવા નીકળ્યો હતો. ત્યાં નવસારી પાસે ટ્રેન ધીમી પડી હતી. ટ્રેનના ડબ્બામાં બહુ ભીડ હોવાથી હું ફોન પર વાત કરવા માટે દરવાજા પાસે આવ્યો હતો. જ્યાં વિજલપોર વિસ્તારથી થોડે દૂર જતાં ચાર જેટલા લોકોએ ચાલુ ટ્રેનમાંથી મને ઝાંપટ મારી હતી. જેના કારણે મારો ફોન નીચે ફટકાયો હતો, પરંતુ એક યુવાનનો હાથ મારી બેગમાં ફસાઈ જતાં હું બેગ સાથે નીચે પટકાયો હતો. આ ઘટનામાં બન્ને પગમાં મને ગંભીર ઈજા થતાં મારો પગ કાપવો પડ્યો તેવી સ્થિતિ ઉભી થઈ છે. હવે આ પરિસ્થિતિમાં મારા ઘરે કમાવવાળું કોઈ જ નથી, મારી સરકારને વિનંતી છે કે, તેઓ આ મામલે કંઈક કરે. હવે હું કમાઈ શકું તેવી સ્થિતિમાં નથી તો શું કરવું મારે, સરકારે શિક્ષકોની કાયમી ભરતી પણ કરી નથી. આવા લુખ્ખા તત્વો સામે સરકાર કઈં પગલા ભરે છે કે શું તે જ ખબર નથી પડતી.
વલસાડ સુધીમાં મારા જેવા ઘણા લોકોના આ પ્રમાણે ફોન જાય છે. તેમજ ઘણા લોકો આની ફરિયાદ પણ કરે છે. ત્યારે આ લુખ્ખા તત્વો સામે સરકાર કોઈને કોઈ પગલા ભરે તેવી મારી માંગ છે. મારા પગ લગભગ સાવ જતા રહ્યા છે હવે મારા બાળકોનું શું થશે? વસારી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક ડૉ. પરિમલ પટેલ જણાવે છે કે, દર્દી રાજેશભાઈ ઈજાગ્રસ્ત હાલતમાં નવસારી સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા. જ્યાં તેમનો પગ માત્ર સ્નાયુના આધારે ટકેલો હતો, હાડકું, નસ સહિતના પગના જરૂરી અંગો અકસ્માતમાં તૂટી ગયા હતા. જેના કારણે ઓપરેશન કરીને ડાબી તરફના ઘુટણથી નીચેનો પગ કાપવો પડ્યો. જો પગનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હોત તો ભવિષ્યમાં પગ કાપવો પડત અને વધારે તકલીફ વેઠવી પડી હોત, જેને કારણે ડોક્ટરોની ટીમ દ્વારા પગ કાપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અંગત અદાવતમાં પાડોશીએ જ પાડોશીના 836 કિલો લસણનો જથ્થો કર્યો ચોરી, પોલીસે બે ચોરને ઝડપી ટેમ્પો કર્યો જપ્ત
આ પણ વાંચો: સુરત/ દુકાનમાંથી ગાયબ થઇ 250 કિલો ડુંગળી, ભાવ વધતા ચોરીની ઘટના વધી
આ પણ વાંચો: ભારે વરસાદને કારણે શાકભાજી ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો
