Vadodara News : વડોદરા (Vadodara)ના અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (NH-48) પર કપુરાઇ ચોકડી નજીક રવિવારે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત (Accident) સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડી રહેલી નેક્સોન કારએ ઈલેક્ટ્રિક ટેમ્પોને જોરદાર ટક્કર મારતા ટેમ્પોના બે ટુકડા થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં શાકભાજીનો વ્યવસાય કરતા 50 વર્ષીય અશોકભાઈ વાલિયાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, અશોકભાઈ વાલિયા (Ashokbhai Valia) તરસાલી વિસ્તારની શિવ રેસીડેન્સીમાં રહેતા હતા અને શાકભાજીનો ધંધો કરતા હતા. તેઓ રોજની જેમ વહેલી સવારે સયાજીપુરા APMC માર્કેટમાંથી શાકભાજી લઈને પોતાના ઈલેક્ટ્રિક ટેમ્પોમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે કપુરાઇ ચોકડી નજીક એક નેક્સોન કારએ તેમના ટેમ્પોને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત (Accident)ની અસર એટલી ભયાનક હતી કે ટેમ્પો બે ભાગમાં વહેંચાઈ ગયો હતો અને અશોકભાઈ વાહનમાંથી ઉછળીને રસ્તા પર પટકાતા તેમનું સ્થળ પર જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં કપુરાઇ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. અકસ્માત સર્જનાર કારચાલક જયરાજસિંહ મહાડીકની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પરિવારનો એકમાત્ર આધાર ગુમાવ્યો
મૃતકના પાડોશીઓએ જણાવ્યું કે અશોકભાઈના પરિવારમાં પત્ની અને નાના બાળકો છે. શાકભાજીના વ્યવસાય પરથી જ સમગ્ર પરિવારનું ગુજરાન ચાલતું હતું. તેમના અચાનક અવસાનથી પરિવારે કમાઉ સભ્ય ગુમાવ્યો છે.
સ્થાનિકોમાં રોષ
અકસ્માત (Accident)બાદ સ્થળ પર પહોંચેલા સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોનું કહેવું છે કે હાઈવે પર ઘણીવાર વાહનો વધુ ઝડપે દોડતા હોય છે, જેના કારણે ગંભીર અકસ્માતો સર્જાય છે. સ્થાનિકોએ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવા અને ઝડપ નિયંત્રણ માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.
