Surat News : સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસને એક મોટી સફળતા મળી છે. છેલ્લા 24 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી વર્ષ 2001માં સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો અને ત્યારથી તે ફરાર હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પ્રભાતરંજન કૃષ્ણનંદન સિંહને બિહારના હાજીપુર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ સુરત શહેર પોલીસની એક ટીમ દ્વારા કરવામાં આવી હતી, જે છેલ્લા ઘણા સમયથી તેની શોધમાં હતી.
વર્ષ 2001માં પ્રભાતરંજન અને તેના સાથીદારો પર લૂંટનો પ્રયાસ કરવાનો આરોપ હતો. આ ઘટનામાં તેઓ પ્રાણઘાતક હથિયારો જેવા કે દેશી તમંચા અને દેશી હાથ બનાવટના બોમ્બ સાથે નીકળ્યો હતો. જો કે, તેમનો પ્રયાસ સફળ રહ્યો ન હતો અને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ ગુના બાદ પ્રભાતરંજન ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેની શોધ કરી રહી હતી.
સુરત શહેર પોલીસ માટે આ આરોપીની ધરપકડ એક મહત્વપૂર્ણ સફળતા છે, કારણ કે તે છેલ્લા બે દાયકાથી પોલીસની પકડથી દૂર હતો. આ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યું કે આરોપીની ધરપકડ માટે અનેક ટીમો બનાવવામાં આવી હતી અને વિવિધ રાજ્યોમાં તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. આખરે બાતમીના આધારે આરોપીને બિહારના હાજીપુરથી પકડી પાડવામાં આવ્યો.
હાલમાં આરોપીને સુરત લાવવામાં આવી રહ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ હવે આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરશે. આટલા વર્ષો સુધી ફરાર રહેવામાં આરોપીને કોણે મદદ કરી તે અંગે પણ પોલીસ તપાસ કરશે.
અગાઉ, સુરતના મહિધરપુરામાં એસ.કે.આંગડિયામાં આ છેતરપિંડી થઈ હતી. છેતરપિંડીના આ કેસમાં ક્રાઈમ બ્રાંચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી લીધો છે. પોલીસે હરીશ સીસારા નામના આરોપીને કામરેજ ચાર રસ્તા પાસેથી ઝડપી લીધો હતો. તપાસમાં આરોપીએ તેના મળતીયાઓ સાથે મળીને આ છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં એસ.તે.આંગડિયામાં એક કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આ કેસમાં અગાઉ બે આરોપીને ઝડપી લીધા હતા. આ બન્ને આરોપીની પુછપરછમાં મખ્ય આરોપી હરીશનું નામ સામે આવ્યું હતું. આરોપી હરીશ છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. ક્રાઈમ બ્રાંચે મુખ્ય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
@ RABIYA SALEH
આ પણ વાંચો: સુરતમાં બમરોલી રોડ પર પરિવારને નડ્યો અકસ્માત, લોકોએ કાર ચાલકને માર્યો ઢોર માર
આ પણ વાંચો: સુરતમાં કથિત RTI ખંડણીખોરો સામે કાર્યવાહી, પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની ધરપકડ
આ પણ વાંચો: સુરત : સમાજસેવક પ્રવીણ ભાલાળાની ઓરિસ્સાના વૃધ્ધ સાથે 6.16 કરોડની છેતરપિંડી