સોશિયલ મીડિયા/ હ્યુન્ડાઇ બાદ KFCએ પણ કાશ્મીરની પોસ્ટ કરતા ભારતીયો નારાજ,કંપનીએ માંગી માફી

ફૂડ કંપની KFCની પાકિસ્તાન ફ્રેન્ચાઈઝીએ પણ કાશ્મીરની અલગ ઓળખ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

Top Stories India
KFC હ્યુન્ડાઇ બાદ KFCએ પણ કાશ્મીરની પોસ્ટ કરતા ભારતીયો નારાજ,કંપનીએ માંગી માફી

કાશ્મીર એકતા દિવસની ઉજવણી 5 ફેબ્રુઆરીએ કરવામાં આવવાની છે ત્યારે  કેટલીક વૈશ્વિક કંપનીઓ પાકિસ્તાનમાં કૂદી પડ્યા બાદ વિવાદ છેડાઈ ગયો છે. દક્ષિણ કોરિયાની કાર કંપની હ્યુન્ડાઈ પછી, ફૂડ કંપની KFCની પાકિસ્તાન ફ્રેન્ચાઈઝીએ પણ કાશ્મીરની અલગ ઓળખ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ભારતના લોકો આને લઈને ખૂબ નારાજ છે. આ અંગે સોશિયલ મીડિયા પર KFCના બહિષ્કારના અવાજો ઉઠવા લાગ્યા છે. આ પછી ભારત સ્થિત KFC ના સોશિયલ મીડિયા હેન્ડલ્સ તરફથી માફી માંગવામાં આવી હતી.

KFCની પાકિસ્તાન ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા પર તેમના વેરિફાઇડ હેન્ડલ્સ દ્વારા કાશ્મીરના અલગતાવાદીઓને સમર્થન આપ્યું હતું. કંપનીની પોસ્ટમાં લખ્યું હતું – “કાશ્મીર કાશ્મીરીઓનું છે.”ભારતમાં ગુસ્સો ફાટી નીકળ્યા પછી, KFCએ તેના ભારતના હેન્ડલ્સમાંથી સંદેશ જારી કર્યો. તેમાં લખ્યું હતું કે, “ભારતની બહાર કેએફસીની સોશિયલ મીડિયા ચેનલો દ્વારા કરવામાં આવેલી પોસ્ટ માટે અમે માફી માંગીએ છીએ. અમે ભારતનું સન્માન કરીએ છીએ અને તમામ ભારતીયોની ગર્વથી સેવા કરવાનો સંકલ્પ કરીએ છીએ.”

આ પહેલા કાર કંપની હ્યુન્ડાઈ મોટરની પાકિસ્તાની ફ્રેન્ચાઈઝીએ પણ કાશ્મીર પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ કારણે ટ્વિટર પર હ્યુન્ડાઈ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. પાછળથી, Hyundai India Limited એ નિવેદન આપ્યું કે તે રાષ્ટ્રીયતાનું સન્માન કરવાના વિચાર સાથે ઊભું છે. તેના પાકિસ્તાન એકમનું નામ લીધા વિના તેણે લખ્યું, “હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાને અનિચ્છનીય સોશિયલ મીડિયા પોસ્ટ્સ સાથે સાંકળશો નહીં. અમે આવા અભિગમની ટીકા કરીએ છીએ.”