Ahmedabad News: મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલી રહેલા ‘સરદાર @ ૧૫૦’ કાર્યક્રમોની શૃંખલામાં આજે નિકોલ વિધાનસભા મતવિસ્તારમાં ભવ્ય ‘યુનિટી માર્ચ’ (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી શ્રીમતી દર્શના બહેન વાઘેલા અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મહામાનવ સરદાર સાહેબની જન્મજયંતિ આજે વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં ઉજવાઈ રહી છે, ત્યારે નિકોલ વિધાનસભા મત વિસ્તારમાં આ યુનિટી માર્ચ એ સરદારને સાચી શ્રદ્ધાંજલિ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા કહ્યું કે, “મોદીજીએ વિવિધ ક્ષેત્રોમાં ભારતને વિકાસના વૈશ્વિક નકશા પર ચમકાવ્યું છે. સાથે જ, ગાંધી-સરદાર જેવા દેશના અનેક મહાનાયકોના વારસાને જીવંત રાખીને તેમણે ‘વિકાસની સાથે વિરાસત’ને પણ સમાન મહત્વ આપ્યું છે.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, તૃષ્ટિકરણ અને વોટબેંકની રાજનીતિને નકારીને, સરદારે ચીંધેલા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના રાહ પર મોદીજી દેશને દોરી રહ્યા છે. મંત્રીશ્રીએ યુવા પેઢીને આહ્વાન કરતાં કહ્યું કે, “હું આદર્શ નાગરિક બનીને રહું, શ્રેષ્ઠ ભારતીય બનીને રહું તેવી ભાવના સાથે સરદારનો વારસો કાયમ જીવંત રાખીને આચરણ કરવું એ આપણી સૌની ફરજ છે. આ માટે યુવા પેઢીએ લીડ લેવી જોઈએ, નવતર પ્રકલ્પ રચીને પ્રવૃત્તિઓ કરવી જોઈએ.”
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આઝાદી માટે અનેક ભારતીયોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનાયકોએ રાષ્ટ્રીય ચળવળોને નેતૃત્વ આપીને દેશને આઝાદીનો રાહ ચિંધ્યો હતો. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહ મંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે સરદારે આઝાદી પછી દેશ સામે આવેલા અનેક પડકારો પાર કરીને દેશને મુશ્કેલીમાંથી ઉગાર્યો હતો. તેમણે ઉમેર્યું કે, “આપણે દેશની આઝાદી માટે યોગદાન આપી શક્યા નહોતા, પરંતુ વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા માટે આજે આપણે સક્ષમ છીએ અને ભારત માટે કર્તવ્યરત થવાનું છે.”
ભાજપ પ્રદેશ પ્રમુખશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યોગદાનની વાત કરતા કહ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાવીને અને કેવડિયા નગર ખાતે એકતા દિવસની ઉજવણી કરાવીને સરદારને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
જગદીશભાઈએ ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં પાણીની અછતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “પહેલા સાબરમતીથી પાણીની ટ્રેનો ભરાતી અને સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડાતું. પરંતુ, મોદી સાહેબે સરદાર સરોવર નર્મદા ડેમનું કાર્ય પૂરું કરાવીને હજારો કિલોમીટર લાંબી નહેરોનું નિર્માણ કરાવીને ગુજરાતને પાણીદાર બનાવ્યું છે.”
કાર્યક્રમની શરૂઆતમાં મેયર શ્રીમતી પ્રતિભા બહેન જૈને સૌનું સ્વાગત પ્રવચન કરીને મહામાનવ સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ રાષ્ટ્રની પ્રગતિ માટે ‘સ્વદેશી અપનાવવાની’ શપથ પણ લીધી હતી. આ યુનિટી માર્ચમાં સાંસદ દિનેશ મકવાણા અને શહેરના વિવિધ મતવિસ્તારના ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા કલેક્ટર સુજિત કુમાર અને બહોળી સંખ્યામા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: Surat News/નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં સુરતમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી
આ પણ વાંચો: Junagadh News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના પ્રવાસે, સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
આ પણ વાંચો: Gujarat News/સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ
