Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport ) બહાર સોનાની લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ હોવાનું જણાવીને કેટલાક શખ્સોએ વેપારીના બે કર્મચારીઓને રોકી તેમની પાસેથી અંદાજે 600 ગ્રામ સોનું લૂંટી લીધું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.
દુબઈથી મંગાવાયું હતું સોનું
પ્રાથમિક માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના રામપુરના એક વેપારીએ વધુ નફાની આશાએ દુબઈથી લગભગ 600 ગ્રામ સોનું મંગાવ્યું હતું. સોનાનો જથ્થો લેવા માટે તેના બે કર્મચારીઓ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર પહોંચ્યા હતા.
Ahmedabad Airport બહાર રોકી પોલીસ હોવાનું જણાવ્યું
સોનું લઈને બંને કર્મચારીઓ એરપોર્ટ (Ahmedabad Airport) બહાર નીકળ્યા બાદ એક મહિલા સહિત ત્રણ શખ્સોએ તેમને રોક્યા હતા. આરોપીઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને તપાસના બહાને બંનેને પોતાની કારમાં બેસાડી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
સોનું લૂંટી ગાંધીનગર નજીક ઉતારી દીધા
આરોપીઓએ બંને કર્મચારીઓ પાસેથી 600 ગ્રામ સોનું કબજે કરી લીધું અને ત્યારબાદ ગાંધીનગરના એપોલો સર્કલ બ્રિજ નજીક તેમને કારમાંથી ઉતારીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ભોગ બનનારોએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
CCTVના આધારે તપાસ
ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારોના CCTV કેમેરાના ફૂટેજ એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓની ઓળખ, તેમની કાર અને ઘટનામાં સામેલ અન્ય વ્યક્તિઓ અંગે તપાસ ચાલી રહી છે.
પોલીસની અપીલ
પોલીસે લોકોને કોઈપણ અજાણ્યા વ્યક્તિ પોતાને પોલીસ અથવા સરકારી અધિકારી તરીકે ઓળખાવે તો તેની ઓળખ અને અધિકૃત દસ્તાવેજોની ખાતરી કર્યા વિના વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. જો શંકાસ્પદ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં દંપતિ લૂંટાયા, સોનાની ચેન લૂંટી બે લૂંટારૂઓ ફરાર
આ પણ વાંચો:અમદાવાદમાં કાર ભાડે લઈ ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ
આ પણ વાંચો:અમદાવાદમાં ATS અધિકારીની ઓળખ આપી લાખો રૂપિયાના સોનાના થઈ લૂંટ
