Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Ahmedabad Airport) પર સ્પાઇસજેટની ફ્લાઇટ અચાનક રદ થતાં (SpiceJet Flight Cancelled) મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. અમદાવાદથી બાગડોગરા જતી ફ્લાઇટ રદ થવાના પગલે અંદાજે 190 મુસાફરોએ એરલાઇન્સ સામે વિરોધ નોંધાવ્યો હતો. યોગ્ય જવાબ અને વૈકલ્પિક વ્યવસ્થાની માગ સાથે મુસાફરો ટર્મિનલ-2ના ગેટ નંબર-5 પાસે ધરણા પર બેસી ગયા હતા.
Ahmedabad Airport: 190 મુસાફરો એરપોર્ટ પર અટવાયા
મળતી માહિતી મુજબ, અમદાવાદથી બાગડોગરા જતી સ્પાઇસજેટની ફ્લાઇટનો પ્રસ્થાન સમય બપોરે 3:20 વાગ્યાનો હતો. જોકે, ફ્લાઇટ અચાનક રદ થતાં અંદાજે 190 મુસાફરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા. આ મુસાફરોમાં અમદાવાદ ઉપરાંત સુરત, મહેસાણા અને જેતપુર સહિત ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા પ્રવાસીઓ પણ સામેલ હતા.
બોર્ડિંગ પાસ હોવા છતાં પ્રવેશ ન આપ્યાનો આક્ષેપ
મુસાફરોએ એરલાઇન્સ સામે આક્ષેપ કર્યો હતો કે તેમની પાસે માન્ય બોર્ડિંગ પાસ હોવા છતાં તેમને ટર્મિનલની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. ફ્લાઇટ રદ થવા અંગે સ્પષ્ટ માહિતી ન મળતાં અને વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતાં મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
ગેટ નંબર-5 પર ધરણા કરી વિરોધ નોંધાવ્યો
એરલાઇન્સ તરફથી સંતોષકારક જવાબ અને સમસ્યાનું નિરાકરણ ન મળતાં મુસાફરોએ ટર્મિનલ-2ના ગેટ નંબર-5 પાસે ધરણા (190 Passengers Protest) શરૂ કર્યા હતા. મુસાફરોએ માગ કરી હતી કે જ્યાં સુધી તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવામાં આવશે. આ ઘટનાને પગલે એરપોર્ટ (SVPI Airport) પર થોડા સમય માટે હોબાળો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી શારજાહથી આવેલા મુસાફર પાસેથી પેસ્ટ સ્વરૂપે છુપાવેલું સોનું મળી આવ્યું
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ, બેગની મેટલ સ્ટ્રિપ્સમાંથી મળ્યા તાર
