Surat news : દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવાની બાબતે થયેલો સામાન્ય વિવાદ હત્યા(Surat Firecracker Murder) સુધી પહોંચી જતાં સુરતના લિંબાયત વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વૃંદાવન સોસાયટીમાં ફટાકડાની ચિંગારી આરોપીઓના ઘરના ઓટલા પાસે જતાં શરૂ થયેલા ઝઘડામાં 23 વર્ષીય યુવક વિકાસ ઉર્ફે નેપાલીની હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનામાં મૃતકના મિત્ર અને મિત્રના પિતાને પણ ઇજાઓ પહોંચી હતી. લિંબાયત પોલીસે ગણતરીના કલાકોમાં બે સગા ભાઈઓ નિલેશ જયપ્રકાશ મોર્યા (ઉં.વ. 23) અને પંકજ જયપ્રકાશ મોર્યા (ઉં.વ. 26)ને ઝડપી પાડ્યા છે. બંને મકાન નં. 150, વૃંદાવન સોસાયટી, લિંબાયત, સુરતના રહેવાસી છે.
Surat Firecracker Murder : ફટાકડાની ચિંગારી આરોપીઓના ઘરના ઓટલા પાસે જતાં વિવાદ
પોલીસ ફરિયાદ મુજબ, ગત 8 નવેમ્બર 2026ના રોજ રાત્રે આશરે 11થી 11:30 વાગ્યાના અરસામાં ફરિયાદી ચંદ્રકલા શિવકુમાર યાદવનો પુત્ર વિકાસ ઉર્ફે નેપાલી તેના મિત્રો આદર્શ મિશ્રા, મંજીત ચૌધરી, ભોલા ચૌહાણ અને સુનીલકુમાર ઉર્ફે લલ્લુ સાથે ક્રિષ્નાનગર સોસાયટીના નાકે વૃંદાવન સોસાયટી(Vrindavan Society) પાસે ફટાકડા ફોડી રહ્યો હતો. દરમિયાન ફટાકડાની ચિંગારી નિલેશ અને પંકજ મોર્યાના ઘરના ઓટલા પાસે જતાં બંને ભાઈઓએ ફટાકડા ફોડવાની ના પાડી હતી. બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને બંને પક્ષો વચ્ચે ગાળાગાળી તથા ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.
મિત્રને ધક્કો મારી નીચે પાડી દીધો, પિતાને પણ ઇજા પહોંચાડી
આરોપીઓએ વિકાસ ઉર્ફે નેપાલીનો કોલર પકડી લીધો હતો અને તેના મિત્રો સાથે પણ ઝઘડો કર્યો હતો. આ દરમિયાન સુનીલકુમાર ઉર્ફે લલ્લુને ધક્કા મારી નીચે પાડી દેવામાં આવતાં તેના મોઢાની જમણી બાજુ ઘસરકાની ઇજા થઈ હતી. ઝઘડો શાંત પાડવા સુનીલકુમારના પિતા વચ્ચે પડ્યા, પરંતુ આરોપી નિલેશે તેમને પણ છોડ્યા નહોતા અને તેમના ખભાના ભાગે ઇજા પહોંચાડી હતી. ઘટનાને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મિત્રને ઇજા થઈ, વિકાસનું ગંભીર ઇજાઓથી મોત
વિકાસને બચાવવા જતાં તેના મિત્ર આદર્શ મિશ્રાના જમણા હાથમાં ઇજા થઈ હતી. ત્યારબાદ પંકજે આદર્શને મુક્કો મારતાં તે નીચે પડી ગયો હતો. આ પછી નિલેશે વિકાસ ઉર્ફે નેપાલી પર હુમલો કર્યો, જેમાં ગંભીર ઇજાઓને કારણે વિકાસનું મોત નીપજ્યું હતું. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો ઝઘડો અંતે હત્યામાં પરિણમતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
કલાકોમાં બંને આરોપીઓ ઝડપાયા
હત્યાના બનાવની ગંભીર નોંધ લઈ લિંબાયત પોલીસ(Limbayat Police) દ્વારા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસને વિશ્વાસુ બાતમીદારો મારફતે મળેલી માહિતીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપીઓને ઝડપી લીધા બાદ ગુનાની તપાસ કરનાર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મૃતક વિકાસ ઉર્ફે નેપાલીનો પણ ગુનાહિત ઇતિહાસ
પોલીસ રેકોર્ડ મુજબ, વિકાસ ઉર્ફે નેપાલી વિરુદ્ધ અગાઉથી લિંબાયત પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા હતા. તેની સામે મારામારી, ધમકી, ગેરકાયદેસર હથિયાર(Illegal weapon), પ્રોહિબિશન અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા હતા. તેની સામે અગાઉ ત્રણ વખત પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.
વર્ષ 2020થી 2026 દરમિયાન કુલ 13 જેટલા ગુનાના રેકોર્ડ અને ત્રણ પાસાની કાર્યવાહીનો ઉલ્લેખ પોલીસની વિગતોમાં છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશન સંબંધિત ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસનો ધમધમાટ
મૃતકની માતા ચંદ્રકલા શિવકુમાર યાદવની ફરિયાદના આધારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 11210025264786/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1), 118(1), 115(2), 296(B), 54 તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
દિવાળી(Diwali)ના તહેવાર દરમિયાન સામાન્ય વિવાદ એક યુવાનની હત્યામાં પરિણમતાં નજીવી બાબતે હિંસક બનતા વિવાદો સામે ચિંતા વ્યક્ત થઈ રહી છે. બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:સંતરામપુરના મોટી કયા ગામે ભાઈ બન્યો ભાઈનો હત્યારો, લગ્ન ન કરાવતા હોવાના મુદ્દે માથામાં ઈજાઓ પહોંચાડી
આ પણ વાંચો:અમદાવાદમાં જમીન વિવાદનો કરુણ અંત! આધેડની આત્મહત્યા, 8 સામે ફરિયાદ
આ પણ વાંચો:અભિષેક બેનર્જી પર જીવલેણ હુમલાનો આરોપ, કહ્યું- જન્મદિવસે જ મારી હત્યાનું કાવતરું ઘડાયું
