Ahmedabad News: અમદાવાદમાં આવાસ યોજનાના મકાન અપાવવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આરોપ છે કે બે શખ્સોએ ઔડાના મકાન (AUDA Housing Scam) અપાવવાની ખાતરી આપી, ખોટા ફોર્મ ભરાવ્યા અને લોન સહિતના વિવિધ બહાના બતાવી કુલ ₹4.80 લાખની છેતરપિંડી કરી હતી. સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આવાસ યોજનાના મકાન અપાવવાની લાલચ આપી
ફરિયાદ મુજબ, ઈસનપુર વિસ્તારમાં રહેતા અને પથારો લગાવી રોજગાર ચલાવતા છગનભાઈ ચૌહાણને તેમના એક મિત્ર મારફતે જાણ થઈ હતી કે ઘોડાસર વિસ્તારમાં રહેતા અભુભાઈ રબારી આવાસ યોજનાના મકાન ( (AUDA Housing Scam)) અપાવી આપે છે.ત્યારબાદ ફરિયાદીની દાણીલીમડા વિસ્તારમાં મહેબૂબ ઉર્ફે બાબુ નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. બંનેએ આવાસ યોજનામાં મકાન ફાળવાવી આપવાની ખાતરી આપી અને જરૂરી દસ્તાવેજો સાથે અરજી પ્રક્રિયા કરાવવાનું કહ્યું.
AUDA Housing Scam: અલગ-અલગ બહાના હેઠળ વસૂલ્યા લાખો રૂપિયા
આરોપીઓએ ફરિયાદીને મકાન માટે લોન મંજૂર કરાવવાની, અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની અને મકાન ફાળવવાની વાત કહીને તબક્કાવાર રૂપિયા માંગ્યા હતા.ફરિયાદ મુજબ એક મકાન માટે ₹2.20 લાખ,બીજા મકાન માટે ₹1.60 લાખ, મકાન મંજૂર થયાનું કહી ₹30 હજાર,લોન પ્રક્રિયા માટે ₹16 હજાર અને પ્રથમ માળે મકાન અપાવવાના બહાને ₹50 હજાર સહિત કુલ ₹4.80 લાખ વસૂલવામાં આવ્યા હતા.ફરિયાદીનો આક્ષેપ છે કે પૈસા લીધા છતાં કોઈ સત્તાવાર રસીદ અથવા પહોંચ આપવામાં આવી નહોતી.
તપાસમાં ખુલ્યું સત્ય
સમય પસાર થયા છતાં મકાન ન મળતા ફરિયાદીએ ઉસ્માનપુરા સ્થિત ઔડા (AUDA Housing Scam) કચેરીમાં જઈ તપાસ કરી હતી.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેમના નામે કોઈ અરજી કે ફોર્મ જ ભરાયું નથી. ત્યારબાદ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
અન્ય લોકો પણ બન્યા હોવાની આશંકા
ફરિયાદીના જણાવ્યા મુજબ, સમાજના અન્ય લોકો પાસેથી પણ જાણવા મળ્યું કે આરોપીઓ આવાસ યોજનાના મકાન અપાવવાના નામે અનેક લોકોને વિશ્વાસમાં લઈ પૈસા વસૂલતા હતા.આ સમગ્ર મામલે વધુ લોકો પણ છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ફરિયાદના આધારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અભુભાઈ રબારી અને મહેબૂબ ઉર્ફે બાબુ સામે છેતરપિંડી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.હાલ પોલીસે આરોપીઓની ભૂમિકા, અન્ય સંભવિત પીડિતો અને સમગ્ર નાણાકીય વ્યવહાર અંગે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં એએમીસ-ઔડાના મકાનોની લાલચ આપી છેતરપિંડી
આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમોમાં મકાનની લાલચ આપી 250 લોકો સાથે ઠગાઈ : આરોપી ઝડપાયો
આ પણ વાંચો:અમદાવાદમાં ઔડા આવાસના રહીશોનો AMC કચેરીએ હંગામો, પાણી-લાઈટ અને લિફ્ટની સમસ્યાએ લોકોમાં રોષ
