Ahmedabad News/ ઓનલાઈન એપના વિરોધમાં રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળનો ત્રીજો દિવસ, માગણીઓ નહીં સ્વીકારાય તો 10 સપ્ટેમ્બર બાદ પણ હડતાળની ચીમકી

ઓનલાઈન એપના વિરોધમાં અમદાવાદમાં રિક્ષા-ટેક્સી ચાલકોની હડતાળ (Ahmedabad Auto Taxi Strike)નો ત્રીજો દિવસ. ઇસ્કોન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો. માગણીઓ નહીં સ્વીકારાય તો 10 સપ્ટેમ્બર બાદ પણ હડતાળ ચાલુ રાખવાની ચીમકી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Auto Taxi Strike: રિક્ષા-ટેક્સી ચાલકોનો સરકાર સામે મોરચો, ‘માગણી નહીં સ્વીકારાય તો હડતાળ લંબાવીશું’

Ahmedabad News: અમદાવાદ સહિત રાજ્યમાં રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા શરૂ કરવામાં આવેલી હડતાળ (Ahmedabad Auto Taxi Strike)નો આજે ત્રીજો દિવસ છે. ઓનલાઈન એપ આધારિત રિક્ષા અને ટેક્સી સર્વિસને લઈને પોતાની વિવિધ માગણીઓ સરકાર સમક્ષ રજૂ કરનારા ચાલકો હજુ પણ હડતાળ પર અડગ છે. યુનિયનોનું કહેવું છે કે 7થી 10 સપ્ટેમ્બર સુધી હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી સરકાર તરફથી માગણીઓ અંગે સંતોષકારક ઉકેલ આવ્યો નથી. જો 10 સપ્ટેમ્બર સુધીમાં માંગણીઓ અંગે નિર્ણય નહીં લેવાય તો હડતાળ (Ahmedabad Auto Taxi Strike)ને આગળ પણ ચાલુ રાખવાની ચીમકી રિક્ષા-ટેક્સી યુનિયન દ્વારા આપવામાં આવી છે.

Ahmedabad Auto Taxi Strike: ઓનલાઈન એપ કંપનીઓ સામે રિક્ષા ચાલકોનો વિરોધ

રિક્ષા અને ટેક્સી ચાલકોનો મુખ્ય વિરોધ ઓનલાઈન એપ્લિકેશન આધારિત સેવાઓ સામે છે. યુનિયનના આક્ષેપ મુજબ Ola, Uber અને Rapido જેવી એપ કંપનીઓના કારણે ચાલકોને ઓછું ભાડું મળતું હોવાની સાથે કમિશનનો બોજ પણ પડે છે. ચાલકોનું કહેવું છે કે વધતા ખર્ચ અને મોંઘવારી વચ્ચે હાલની વ્યવસ્થામાં તેમના માટે પૂરતી આવક રહેતી નથી. તેથી ઓનલાઈન રિક્ષા અને ટેક્સી સેવાઓ માટે લઘુત્તમ ભાડું નક્કી કરવાની માગ કરવામાં આવી છે.

રિક્ષા-ટેક્સી યુનિયનની મુખ્ય માગણીઓ

રિક્ષા-ટેક્સી ચાલકો દ્વારા સરકાર સમક્ષ મુખ્યત્વે આ માગણીઓ મૂકવામાં આવી છે:

ઓનલાઈન રિક્ષા અને ટેક્સી માટે લઘુત્તમ ભાડું નક્કી કરવામાં આવે.

એપ કંપનીઓ દ્વારા વસૂલવામાં આવતા કમિશન પર નિયંત્રણ મૂકવામાં આવે.

ગેરકાયદેસર રીતે ચાલતા ટુ-વ્હીલર પેસેન્જર સર્વિસ સામે કાર્યવાહી કરવામાં આવે.

રિક્ષા અને ટેક્સી ચાલકોના હિતમાં યોગ્ય નિયમો બનાવવામાં આવે.

યુનિયનનો દાવો છે કે આ મુદ્દાઓ અંગે અગાઉ પણ સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સંતોષકારક ઉકેલ ન આવતાં હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.

પ્લેકાર્ડ સાથે ચાર રસ્તા પર રિક્ષાચાલકોનો વિરોધ

હડતાળ (Ahmedabad Auto Taxi Strike)ના ત્રીજા દિવસે રિક્ષા ચાલકોએ મુસાફરોને રોકીને વિરોધ કરવાને બદલે લોકોને પોતાની સમસ્યાઓથી માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો હતો. રિક્ષા અને ટેક્સી યુનિયન સાથે જોડાયેલા લોકો ઇસ્કોન ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ સહિતના વિવિધ ચાર રસ્તાઓ પર પ્લેકાર્ડ લઈને ઊભા રહ્યા હતા. આ પ્લેકાર્ડ દ્વારા રિક્ષા-ટેક્સી ચાલકોની સમસ્યાઓ અને તેમની માગણીઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્લેકાર્ડ પર ચાલકોની મહેનત અને મુસાફરો માટેની સેવા સાથે જોડાયેલા સંદેશાઓ લખવામાં આવ્યા હતા.

પહેલા દિવસે મુસાફરોને મુશ્કેલી, હવે રિક્ષા રોકવાનું બંધ

હડતાળ (Ahmedabad Auto Taxi Strike)ના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં રિક્ષા અને ટેક્સી ચાલકો જોડાતા શહેરમાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓફિસ જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ તેમજ રેલવે સ્ટેશન અને અન્ય સ્થળોએ જતા મુસાફરોને વૈકલ્પિક વાહન વ્યવસ્થા શોધવી પડી હતી.

બીજી તરફ, હડતાળ દરમિયાન કેટલાક રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવતું હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. કેટલાક વિસ્તારોમાં હડતાળને લઈને રિક્ષા રોકવા અથવા મુસાફરો સાથે થયેલા ઘર્ષણની સ્થિતિ પણ સર્જાઈ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા આવી સ્થિતિ ટાળવા માટે સૂચના આપવામાં આવી હતી. આ પછી યુનિયને મુસાફરોને લઈ જતી રિક્ષાઓને રોકવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે હડતાળમાં જોડાયેલા લોકો મુખ્યત્વે પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર દ્વારા પોતાની માગણીઓ રજૂ કરી રહ્યા છે.

ત્રીજા દિવસે હડતાળમાં ઓછા રિક્ષાચાલકો જોડાયા

પ્રથમ દિવસે મોટી સંખ્યામાં રિક્ષા અને ટેક્સી ચાલકો હડતાળમાં જોડાયા હતા. જોકે, યુનિયનના જણાવ્યા પ્રમાણે બીજા અને ત્રીજા દિવસે હડતાળ (Ahmedabad Auto Taxi Strike)માં જોડાયેલા રિક્ષાચાલકોની સંખ્યા પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે. તેમ છતાં યુનિયનનું કહેવું છે કે સરકાર દ્વારા માગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન ચાલુ રાખશે.

‘માગણી નહીં સ્વીકારાય તો હડતાળ લંબાવીશું’

અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે હડતાળનો આજે ત્રીજો દિવસ છે અને માગણીઓ સ્વીકારવામાં ન આવતાં હડતાળ (Ahmedabad Auto Taxi Strike) યથાવત રાખવામાં આવી છે.તેમના જણાવ્યા પ્રમાણે રિક્ષા-ટેક્સી ચાલકોના મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. યુનિયનનું માનવું છે કે તેમની માગણીઓ વ્યાજબી છે અને સરકાર દ્વારા તેના પર યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

વિજય મકવાણાએ વધુમાં જણાવ્યું કે જો સરકાર તરફથી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 10 સપ્ટેમ્બર બાદ પણ હડતાળ ચાલુ રાખવા અને જરૂર પડે તો તેને લંબાવવા માટે યુનિયન તૈયાર છે.હવે સરકાર અને રિક્ષા-ટેક્સી યુનિયન વચ્ચે કોઈ સમાધાન થાય છે કે નહીં તેના પર સૌની નજર છે. જો 10 સપ્ટેમ્બર સુધીમાં ઉકેલ નહીં આવે તો શહેરમાં હડતાળ (Ahmedabad Auto Taxi Strike) આગળ લંબાય તેવી શક્યતા છે.


આ પણ વાંચો:અમદાવાદમાં રિક્ષા હડતાળ વચ્ચે AMCનું ખાસ આયોજન, મુસાફરો માટે વધારાની બસો દોડાવાશે

આ પણ વાંચો:CNG ભાવવધારા સામે અમદાવાદમાં બે દિવસીય રિક્ષા હડતાળ, આ તારીખે 1 લાખ રિક્ષાના પૈડા થંભશે

આ પણ વાંચો:રાજકોટમાં રેપિડો રિક્ષાચાલકોનો હલ્લાબોલ, ભાડું 15 થી ઘટાડી 12 કરાતા હડતાળની ચીમકી