Ahmedabad News/ અમદાવાદમાં ડેન્ગ્યુની દહેશત! જુલાઈ કરતાં ઓગસ્ટમાં કેસ ચાર ગણાથી વધુ

Ahmedabad Dengue Cases: અમદાવાદમાં મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. ઓગસ્ટમાં ડેન્ગ્યુના 264 કેસ સામે જુલાઈમાં 68 કેસ હતા. મેલેરિયા અને ઝેરી મેલેરિયાના કેસમાં પણ વધારો નોંધાયો.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Dengue Cases: 264 કેસથી આરોગ્ય તંત્ર દોડતું થયું

Ahmedabad News: ચોમાસાની ઋતુ વચ્ચે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગોએ (Ahmedabad Dengue Cases) ચિંતા વધારી છે. ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 264 કેસ નોંધાયા છે, જ્યારે અગાઉના મહિને આ સંખ્યા 68 હતી.

Ahmedabad Dengue Cases: ડેન્ગ્યુના કેસમાં ચાર ગણો વધારો

અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં માત્ર એક મહિનામાં મોટો ઉછાળો નોંધાયો છે. ઓગસ્ટમાં 264 કેસ સામે જુલાઈમાં 68 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાના કેસ (Ahmedabad Malaria Cases) પણ 50થી વધીને 103 થયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના કેસ 5થી વધીને 20 સુધી પહોંચ્યા છે.

ડેન્ગ્યુના સેમ્પલમાં ટાઇપ-2નું પ્રમાણ વધુ

AMC દ્વારા ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીઓના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ 136 સેમ્પલમાંથી 58 સેમ્પલ ડેન્ગ્યુ પોઝિટિવ મળ્યા હતા. તેમાં 46 સેમ્પલમાં ડેન્ગ્યુ ટાઇપ-2, એક સેમ્પલમાં ટાઇપ-3 અને પાંચ સેમ્પલમાં મિક્સ વાયરસની હાજરી જોવા મળી હતી.

મચ્છરોના સેમ્પલમાં પણ વાયરસની હાજરી

AMCએ મચ્છરોના (Mosquito Borne Diseases) પણ સેમ્પલ એકત્ર કરીને તપાસ હાથ ધરી હતી. કુલ 333 સેમ્પલમાંથી 29 સેમ્પલ પોઝિટિવ મળ્યા હતા. આ પૈકી 25 સેમ્પલમાં ટાઇપ-2 અને ચાર સેમ્પલમાં ટાઇપ-3 વાયરસ જોવા મળ્યો હતો. આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુના વિવિધ પ્રકારોમાં ટાઇપ-2 અને ટાઇપ-3ના ચેપમાં ગંભીર બીમારીનું જોખમ વધી શકે છે. આવા કિસ્સામાં રક્તસ્રાવ, બ્લડ પ્રેશર ઘટવું તેમજ લીવર અને કિડની જેવા મહત્વના અંગો પર અસર જેવી ગંભીર જટિલતાઓ થઈ શકે છે.

મચ્છરોના ઉપદ્રવને રોકવા તકેદારી જરૂરી

શહેરમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો થતાં મચ્છરોના ઉપદ્રવને રોકવા સાવચેતી રાખવી જરૂરી બની છે. ખાસ કરીને ઘરની આસપાસ કે અન્ય સ્થળોએ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવી, પાણીના પાત્રોને ઢાંકીને રાખવા અને મચ્છરોના ઉત્પત્તિસ્થળોને દૂર કરવા પર ધ્યાન આપવું જરૂરી છે. ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધતું હોવાથી તાવ, શરીરમાં દુખાવો કે અન્ય તકલીફ જણાય તો સમયસર તબીબી સલાહ લેવી મહત્વપૂર્ણ છે.


આ પણ વાંચો: પાટણમાં સાટા પદ્ધતિના લગ્ન વિવાદમાં મારામારી, પિતા-પુત્ર પર લાકડી-ઈંટથી હુમલો

આ પણ વાંચો: પ્રેમિકાની હત્યા કરનાર આરોપી ગૌરવ પટેલની મધ્યપ્રદેશથી ધરપકડ, તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: PM મોદીની મુલાકાત પહેલાં વડોદરા બનશે ચકાચક! શરૂ થયું ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન