Ahmedabad News/ અમદાવાદમાં 3.18 કરોડની છેતરપિંડીનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો: ED-CBIમાં સેટિંગના નામે કરોડો પડાવનાર વિજય મુખીની ક્રાઈમ કુંડળી સામે આવી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ED અને CBIમાં ઓળખાણ હોવાનો દાવો કરીને આંગડિયા પેઢીના માલિક પાસેથી રૂ. 3.18 કરોડની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી વિજય મુખી (Vijay Mukhi)ની ધરપકડ કરી છે. પોલીસે તેની લક્ઝુરિયસ BYD ઇલેક્ટ્રિક કાર પણ જપ્ત કરી છે અને સમગ્ર ગેંગની તપાસ તેજ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
કોણ છે Vijay Mukhi ? કરોડોની છેતરપિંડી પાછળનો માસ્ટરમાઇન્ડ ઝડપાયો

Ahmedabad News: કેન્દ્રીય તપાસ એજન્સીઓમાં ઓળખાણ અને સેટિંગ કરાવી આપવાના બહાને કરોડોની છેતરપિંડી કરનાર કથિત માસ્ટરમાઇન્ડ વિજયકુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે વિજય મુખી (Vijay Mukhi)ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ઝડપી પાડ્યો છે. આરોપીએ એક આંગડિયા પેઢીના માલિક પાસેથી કેસ પતાવી આપવાની અને ED દ્વારા જપ્ત કરાયેલી રકમ પરત અપાવવાની લાલચ આપી રૂ. 3.18 કરોડ પડાવ્યાનો આરોપ છે.

કેવી રીતે રચાઈ છેતરપિંડીની યોજના?

6 ડિસેમ્બર, 2024ના રોજ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન આશરે રૂ. 11.10 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ ઘટના બાદ વિજય મુખી (Vijay Mukhi)એ આંગડિયા પેઢીના માલિકનો સંપર્ક કરીને પોતાને ED અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધા સંબંધો હોવાનું જણાવ્યું હતું. તેણે દાવો કર્યો કે જપ્ત કરાયેલી રકમ પરત અપાવી દેશે અને કેસ પણ સમાપ્ત કરાવી દેશે. તેના બદલામાં રૂ. 3.18 કરોડની માંગણી કરવામાં આવી હતી.

ફરિયાદ મુજબ, વિશ્વાસમાં આવી પેઢીના માલિકે આરોપીને મોટી રકમ ચૂકવી દીધી. જોકે, લાંબા સમય સુધી ન તો કેસમાં કોઈ રાહત મળી અને ન જ જપ્ત કરાયેલી રકમ પરત મળી. ત્યારબાદ પોતે છેતરાયા હોવાની શંકા જતાં તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)માં ફરિયાદ નોંધાવી.

ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ

ફરિયાદ મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે મુખ્ય આરોપી વિજય મુખી (Vijay Mukhi)ને ઝડપી લેવામાં આવ્યો. પોલીસે તેની પાસેથી લાખોની કિંમતની BYD ઇલેક્ટ્રિક કાર પણ જપ્ત કરી છે.કોર્ટમાંથી છ દિવસના રિમાન્ડ મળ્યા બાદ પૂછપરછ દરમિયાન સમગ્ર ગેંગ અંગે મહત્વની વિગતો સામે આવી છે.

ગેંગમાં અન્ય કોણ સામેલ?

પ્રાથમિક તપાસ મુજબ, આ ગેંગમાં કેટલાક અન્ય લોકો પણ સામેલ હોવાની માહિતી મળી છે. તેમાં એક વકીલ સહિત અન્ય સાગરિતોની ભૂમિકા સામે આવી રહી છે. પોલીસે તમામ આરોપીઓની સંડોવણી, નાણાંનો પ્રવાહ અને છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાયેલા માધ્યમોની તપાસ શરૂ કરી છે.

Vijay Mukhiની ક્રાઈમ કુંડળી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વિજય મુખી (Vijay Mukhi) મૂળ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા ગામનો રહેવાસી છે. તેણે ધોરણ-12 સુધી અભ્યાસ કર્યા બાદ લંડન જઈ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો અને વર્ષ 2010થી 2018 દરમિયાન ત્યાં રહ્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ, બાદમાં તેણે વિદેશમાં નાગરિકતા પણ મેળવી હતી અને વર્ષ 2022થી ભારતમાં ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા (OCI) તરીકે રહેતો હતો.તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તેના વિરુદ્ધ અગાઉ ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેમાં એક મોટા સાયબર ફ્રોડ કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું.

અન્ય ભોગ બનનાર હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હાલ છેતરપિંડીમાં ગયેલી રૂ. 3.18 કરોડની રકમનો પત્તો લગાવવાના પ્રયાસો કરી રહી છે. સાથે જ અન્ય સંભવિત ભોગ બનનાર લોકોની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસે જાહેર અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો તે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે.


આ પણ વાંચો:સુરતમાં નકલી નોટોના મોટા કૌભંડમાં વધુ એક આરોપી ઝડપાયો, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ભાવેશ ગજેરાની કરી ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો મોટો ભાંડાફોડ, ₹2.48 કરોડની નકલી નોટો, AI, ચીન કનેક્શન આવ્યું બહાર

આ પણ વાંચો:અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, કરોડોની હાઈ ક્વોલિટી નકલી નોટોનો જંગી જથ્થો ઝડપાયો