Ahmedabad News/ અમદાવાદ ફેમિલી કોર્ટનો ચુકાદો: પત્નીની રૂ.45 હજાર ભરણપોષણની માગણી ફગાવાઈ, પુત્રને રૂ.7 હજાર

અમદાવાદ ફેમિલી કોર્ટે (Ahmedabad Family Court) પતિથી અલગ રહેતી પત્નીની દર મહિને રૂ.45 હજાર ભરણપોષણની માગણી ફગાવી દીધી. કોર્ટના નિષ્કર્ષ મુજબ પત્નીએ દામ્પત્ય જીવનમાં પરત ફરવામાં રસ દાખવ્યો ન હતો. જોકે, સગીર પુત્ર માટે દર મહિને રૂ.7 હજાર ભરણપોષણ ચૂકવવાનો આદેશ કરાયો.

Top Stories Ahmedabad Gujarat Breaking News
‘લગ્નજીવનમાં રસ નથી, ભરણપોષણમાં જ રસ’! પત્નીની અરજી પર Ahmedabad Family Courtનો ચુકાદો

Ahmedabad News: અમદાવાદની ફેમિલી કોર્ટે (Ahmedabad Family Court) પતિથી અલગ રહી રહેલી 22 વર્ષીય પત્નીની માસિક રૂ.45 હજાર ભરણપોષણની માગણી કરતી અરજી ફગાવી દીધી છે. કેસમાં પત્ની તરફથી પતિ પાસેથી પોતાના અને 14 મહિનાના પુત્ર માટે ભરણપોષણની રકમ માગવામાં આવી હતી.

કોર્ટ (Ahmedabad Family Court) સમક્ષ પતિ તરફથી દલીલ કરવામાં આવી હતી કે પત્ની પોતાની ઇચ્છાથી સાસરીનું ઘર છોડીને પિયરમાં રહેવા જતી રહી છે અને દામ્પત્ય જીવનમાં પરત ફરવામાં રસ દાખવતી નથી. બીજી તરફ પત્ની તરફથી સાસરીમાં માનસિક ત્રાસ અને અન્ય આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોર્ટના નિષ્કર્ષ મુજબ પત્નીને ભરણપોષણ મેળવવામાં જ રસ હોવાનો અભિપ્રાય નોંધાયો હતો. જોકે, સગીર પુત્રના ભરણપોષણ માટે દર મહિને રૂ.7,000 ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

2022માં થયા હતા લગ્ન, 14 મહિનાનો પુત્ર

આ કેસમાં 22 વર્ષીય પરિણીતાએ 28 વર્ષીય પતિ સામે ભરણપોષણ માટે અરજી કરી હતી. બંનેના લગ્ન વર્ષ 2022માં થયા હતા અને તેમને 14 મહિનાનો પુત્ર છે. અરજીમાં પત્ની તરફથી પતિ પાસેથી પોતાના ભરણપોષણ માટે દર મહિને રૂ.45,000ની માગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત પુત્રના ભરણપોષણ માટે રૂ.10,000 સહિત કુલ રૂ.55,000 અને અલગથી રૂ.5,300 મકાન ભાડાની રકમ માગવામાં આવી હતી.

Ahmedabad Family Court: કરિયાવર અને માનસિક ત્રાસના આક્ષેપ

પત્ની લગ્ન સમયે કરિયાવરનો સામાન લઈને સાસરે આવી હતી. જોકે, સાસરી પક્ષ તરફથી તેના પિતાએ કારના બદલે બાઈક આપ્યું હોવાની વાત કરી તેને કથિત રીતે ટોણા મારવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પત્ની તરફથી સાસરીયાઓ ગાળો આપતા હોવા તથા રસોઈ બનાવતા આવડતી ન હોવાનું કહી માનસિક ત્રાસ આપતા હોવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. ગર્ભાવસ્થા દરમિયાન તેમજ પ્રસૂતિનો ખર્ચ પણ તેના પિયર પક્ષે ઉઠાવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. મહિલાના પિતા કેન્સરથી પીડિત હોવાની માહિતી પણ કેસ દરમિયાન સામે આવી હતી.

Ahmedabad Family Court: પતિનો દાવો: લગ્ન જીવનમાં પિયર પક્ષની દખલગીરી

બીજી તરફ પતિ તરફથી આ તમામ આક્ષેપોનો વિરોધ કરવામાં આવ્યો હતો. પતિની તરફેણમાં એડવોકેટ અયાઝ શેખે દલીલ કરી હતી કે પત્ની દ્વારા તેના પર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે. પતિનો દાવો હતો કે પત્નીના પિયર પક્ષની લગ્નજીવનમાં વધુ પડતી દખલગીરી હતી. સાથે જ પત્ની પોતાની ઇચ્છાથી ઘર છોડીને પિયરમાં રહેવા જતી રહી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. પતિ તરફથી તેની આવક પત્ની દ્વારા જણાવવામાં આવી હતી તેટલી ન હોવાનું પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

Ahmedabad Family Court: પત્નીએ પતિની માસિક આવક રૂ.1 લાખથી વધુ હોવાનો દાવો કર્યો

પત્ની તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેનો પતિ ટ્રાવેલ્સ બુકિંગનો વ્યવસાય કરે છે અને દર મહિને રૂ.1 લાખથી વધુ કમાણી કરે છે. આ આધારે પત્નીએ પોતાના ભરણપોષણ માટે રૂ.45,000, પુત્ર માટે રૂ.10,000 અને મકાન ભાડા પેટે રૂ.5,300 ચૂકવવાની માગણી કરી હતી. જોકે, પતિ તરફથી તેની આવક આટલી ન હોવાનું જણાવવામાં આવ્યું હતું.

Ahmedabad Family Court: ઉલટ તપાસમાં રૂ.25 લાખની વાતનો ઉલ્લેખ

કેસ દરમિયાન બંને પક્ષ તરફથી પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. પતિના વકીલ અયાઝ શેખના જણાવ્યા અનુસાર, પત્નીની ઉલટ તપાસ દરમિયાન તેને કેટલા રૂપિયા જોઈએ છે તે અંગે પૂછવામાં આવતા તેણે રૂ.25 લાખની રકમનો ઉલ્લેખ કર્યો હતો. આ મુદ્દો પણ પતિ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

Ahmedabad Family Courtનો મહત્વનો નિર્ણય

સમગ્ર દલીલો, પુરાવા અને કેસના સંજોગોને ધ્યાનમાં લીધા બાદ અમદાવાદ ફેમિલી કોર્ટે પત્નીની ભરણપોષણની અરજી મંજૂર કરી નહોતી. કોર્ટે (Ahmedabad Family Court) નોંધ્યું કે અરજીનો મુખ્ય હેતુ ભરણપોષણ મેળવવાનો હોવાનું જણાય છે અને પત્નીએ દામ્પત્ય જીવનમાં પરત ફરવા અંગે પૂરતો રસ દાખવ્યો નથી. કોર્ટ સમક્ષ પતિની આવક પણ પત્નીના દાવા કરતાં ઓછી, એટલે કે આશરે રૂ.30થી 35 હજાર પ્રતિ મહિનો, હોવાનું ધ્યાનમાં આવ્યું. જોકે, બાળક સગીર હોવાથી તેના ભરણપોષણની જવાબદારીને ધ્યાનમાં રાખીને પતિને દર મહિને રૂ.7,000 પુત્રના ભરણપોષણ માટે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.


આ પણ વાંચો:અમદાવાદમાં કેમિકલ એટેક, પતિ દ્વારા પત્ની પર હુમલો, CCTV આધારે આરોપીની ધરપકડ

આ પણ વાંચો:ટીવી જોવાનો આરોપ, 7 દિવસમાં પુનર્લગ્ન અને હવે હાઈકોર્ટનું સમન્સ

આ પણ વાંચો:પતિ યુકેમાં વસવાટ કરવા માગતો, પત્ની ભારત છોડવા તૈયાર નહીં, હાઈકોર્ટે આપી છૂટાછેડાને મંજૂરી