Ahmedabad News/ અમદાવાદમાં હવે માત્ર 2 કલાકમાં જ થઈ જશે રસ્તાના ખાડાનું રિપેરિંગ; AMC લાવ્યું અદ્યતન ટેકનોલોજી

Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશને રસ્તાના ખાડા પૂરવા માટે ‘જીઓપોલીમર ટેકનોલોજી’ અપનાવી છે, જેનાથી માત્ર 2 કલાકમાં રસ્તા રિપેર થઈ જશે. 6 ઝોનમાં આ કામગીરી શરૂ થશે.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad

Ahmedabad Road Repair Technology: અમદાવાદ શહેરમાં રસ્તા પરના ખાડા અને બિસ્માર કૉન્ક્રિટ રોડના સમારકામ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીઓપોલીમર ટેકનોલોજી અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ પદ્ધતિમાં સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી અને સમારકામ બાદ રસ્તો લાંબા સમય સુધી બંધ રાખવાની જરૂર પણ નહીં રહે. શહેરના છ ઝોનમાં કૉન્ક્રિટ રોડના રિપેરિંગ માટે પાંચ કરોડ રૂપિયાથી વધુના ખર્ચની દરખાસ્તને રોડ એન્ડ બિલ્ડિંગ્સ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સિમેન્ટ વગર કેવી રીતે થશે રિપેરિંગ?

જીઓપોલીમર ટેકનોલોજીમાં સિમેન્ટના બદલે ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસો બાળવાથી નીકળતી રાખ ઉપરાંત સિલિકા અને એલ્યુમિનિયમ જેવા પદાર્થોનો ઉપયોગ કરીને જીઓપોલીમર મટીરિયલ તૈયાર કરવામાં આવે છે. તેમાં પાણી ઉમેરીને તૈયાર મિશ્રણને રસ્તાના ખાડામાં ભરવામાં આવે છે. હાલ આ ટેકનોલોજી(Ahmedabad) મુખ્યત્વે કૉન્ક્રિટ રોડના સમારકામ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

કયા વિસ્તારોમાં થશે ઉપયોગ?

અમદાવાદમાં(Ahmedabad) કૉન્ક્રિટ રોડની સંખ્યા હાલ મર્યાદિત છે, પરંતુ સીજી રોડ, બોડકદેવ, વસ્ત્રાપુર અને મણિનગર સહિતના વિસ્તારોમાં આવેલા કૉન્ક્રિટ રસ્તાઓ પરના ખાડા પૂરવા માટે આ નવી પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. ઝડપી સમારકામના કારણે રસ્તા પર વાહનવ્યવહારને લાંબા સમય સુધી અસર ન થાય તેવો ફાયદો પણ થશે. પરંપરાગત પદ્ધતિની સરખામણીમાં જીઓપોલીમર ટેકનોલોજીથી સમારકામ કરવાનો ખર્ચ થોડો વધારે હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, આ ટેકનોલોજીથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ મળી શકે છે. સાથે જ પાણી અને સમયની પણ બચત થવાની શક્યતા છે. અન્ય કેટલાક શહેરોમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે.

માત્ર 2 કલાકમાં રસ્તો ફરી ખુલ્લો!

આ ટેકનોલોજીની સૌથી મોટી ખાસિયત તેની ઝડપી કામગીરી છે. સમારકામ કર્યા બાદ પરંપરાગત રીતે પાણી છાંટવાની પ્રક્રિયાની જરૂર પડતી નથી અને આશરે બે કલાકમાં રસ્તો(Ahmedabad) વાહનવ્યવહાર માટે ફરી ખોલી શકાય છે. ચોમાસા દરમિયાન પણ ઝડપી પદ્ધતિથી રોડ રિપેરિંગ કરવામાં મદદ મળી શકે છે. ભવિષ્યમાં જરૂરિયાત પ્રમાણે ડામરના રસ્તાના સમારકામમાં પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની શક્યતા છે.


આ પણ વાંચો:અમદાવાદના વિકાસ માટે AMCએ સરકાર પાસે માગ્યા રૂપિયા , રોડથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સુધી કામોની દરખાસ્ત

આ પણ વાંચો:નરોડા ઓવરબ્રિજના કામમાં વિલંબ પર AMCના ચેરમેનના સવાલ, કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મુદ્દે માગ્યો જવાબ

આ પણ વાંચો:અમદાવાદમાં રિક્ષા હડતાળ વચ્ચે AMCનું ખાસ આયોજન, મુસાફરો માટે વધારાની બસો દોડાવાશે