Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ (AMC)ને શહેરના વિકાસ માટે રૂ.3636 કરોડની ગ્રાન્ટ માટે રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત મોકલી છે. મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ નવા રોડ, રોડ રિપેરિંગ, બ્રિજ, હોસ્પિટલ, શાળા, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્વિમિંગ પૂલ અને લાઇબ્રેરી સહિત વિવિધ વિકાસકાર્યો હાથ ધરવાની યોજના છે.
શહેરના વિકાસ માટે AMC એ સરકાર પાસે માંગ્યા રૂપિયા 3,636 કરોડ
મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ રૂ.315 કરોડની ગ્રાન્ટ સામે AMCએ રૂ.472 કરોડના રોડવર્કની દરખાસ્ત કરી છે. લાંભા વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડ ઉપરાંત ખાડિયા અને રિલીફ રોડના રસ્તાઓનું મિલિંગ કરીને રિસરફેસિંગ કરવાની યોજના છે.
બોપલ, વેજલપુર, નારણપુરા, થલતેજ અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં નવા તથા વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. શિવરંજનીથી ઇસ્કોન અને અન્ય મુખ્ય માર્ગોના વિકાસનો પણ સમાવેશ થાય છે.
માળખાકીય સુવિધાઓ માટે 2535 કરોડ
શહેરની માળખાકીય સુવિધાઓ (Infrastructure Development) માટે રૂ.2535 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ સાધનો અને દવાઓ માટે રૂ.161 કરોડથી વધુની જોગવાઈ માગવામાં આવી છે. એલજી અને શારદાબેન હોસ્પિટલમાં ફર્નિચર સહિતની સુવિધાઓ વિકસાવવાની યોજના છે. બ્રિજ પ્રોજેક્ટ માટે રૂ.106 કરોડથી વધુની દરખાસ્ત કરવામાં આવી છે.
પાણીની સમસ્યાના ઉકેલ માટે રૂ.752 કરોડની દરખાસ્ત
પાણીની સમસ્યાના ઉકેલ માટે રૂ.752 કરોડની દરખાસ્ત કરવામાં આવી છે. વિવિધ વિસ્તારોમાં નવા STP, તળાવોના ઇન્ટરલિંકિંગ અને ડ્રેનેજની સમસ્યાના ઉકેલ માટે પણ કામો સૂચવાયા છે.
શાળાઓ માટે રૂ.113 કરોડ, જ્યારે ટ્રાફિક વ્યવસ્થા માટે રૂ.34 કરોડની દરખાસ્ત છે. મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અર્બન હેલ્થ સેન્ટર, ફાયર સ્ટેશન, વેજીટેબલ માર્કેટ, પાર્ટી પ્લોટ, સ્મશાન અને સિવિક સેન્ટર સહિતની સુવિધાઓ વિકસાવવાની પણ યોજના છે.
આ પણ વાંચો: અમદાવાદ હોકો ઈટરીમાં ભટુરેમાંથી મચ્છર મળ્યાનો આક્ષેપ, ગ્રાહકે AMCમાં કરી ફરિયાદ
આ પણ વાંચો: નરોડા ઓવરબ્રિજના કામમાં વિલંબ પર AMCના ચેરમેનના સવાલ, કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર મુદ્દે માગ્યો જવાબ
આ પણ વાંચો: પાર્ક્સ એન્ડ ગાર્ડન ડાયરેક્ટરની ભરતીમાં વિલંબ, વિવાદિત ઉમેદવાર અંગે AMCમાં ફરી ચર્ચા
