Ahmedabad News/ પાર્ક્સ એન્ડ ગાર્ડન ડાયરેક્ટરની ભરતીમાં વિલંબ, વિવાદિત ઉમેદવાર અંગે AMCમાં ફરી ચર્ચા

AMCમાં ડાયરેક્ટરની ભરતી પ્રક્રિયા દોઢ વર્ષથી અટવાઈ. વિવાદિત ઉમેદવાર સામે કેસોના મુદ્દે ફરી અંતિમ નિર્ણય લેવાયો નહીં અને સ્ટાફ સિલેક્શન કમિટીએ 10 દિવસનો લીધો સમય.

Ahmedabad Gujarat Breaking News
AMC

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેક્ટરની ભરતીનો મામલો (Recruitment) ફરી ચર્ચામાં આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી પ્રક્રિયામાં વિવાદિત ઉમેદવાર અંગે અંતિમ નિર્ણય ન લેવાતા સવાલો ઊભા થયા છે.

AMCમાં Director Recruitmentનો નિર્ણય ફરી 10 દિવસ લંબાયો

AMCના પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગમાં ડાયરેક્ટરની મહત્વપૂર્ણ જગ્યા ભરવા માટે વર્ષ 2024માં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અંતિમ તબક્કામાં ત્રણ ઉમેદવારો શોર્ટલિસ્ટ થયા હતા, જેમાં કેયુરકુમાર કિરીટકુમાર ગોહિલ (Keyur Kumar Kirit Kumar Gohil)પ્રથમ ક્રમે રહ્યા હોવાનું જણાવાયું છે.

જોકે, તેમની સામે ગંભીર ગુનાહિત કેસો પેન્ડિંગ હોવાનો મુદ્દો સામે આવ્યા બાદ ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી હતી. મહિલા છેડતી, એટ્રોસિટી અને દારૂ પીવા સહિતના કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં ઉમેદવારની પસંદગી અંગે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા.

હવે સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠકમાં પણ દરખાસ્તને અંતિમ મંજૂરી આપવાને બદલે વધુ 10 દિવસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે.

ભાવનગર મનપામાં પણ ઉમેદવાર વિવાદમાં રહ્યા હોવાનો દાવો

 કેયુર ગોહિલ અગાઉ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હતા. તે સમયગાળા દરમિયાન એક અનુસૂચિત જાતિની મહિલા કર્મચારી સાથે થયેલા વિવાદને લઈને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં અપમાનજનક શબ્દો, છેડતી અને મારામારીના આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ત્યારબાદ તેમની બદલી કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે. આ અગાઉનો રેકોર્ડ હોવા છતાં અમદાવાદ મનપાની ભરતી પ્રક્રિયામાં તેમનું નામ પ્રથમ ક્રમે આવતાં વિવાદ વધુ વકર્યો હતો.

ડિસેમ્બરમાં પણ દરખાસ્ત પરત મોકલાઈ હતી

આ મામલો અગાઉ પણ સ્ટાફ સિલેક્શન કમિટી (Staff Selection Committee) સમક્ષ આવ્યો હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી ત્યારે તત્કાલીન મેયર પ્રતિભા જૈને કમિટીની નોંધના આધારે દરખાસ્ત પરત મોકલી હતી. કમિટીની નોંધમાં ગંભીર રેકોર્ડ ધરાવતા ઉમેદવારની ભલામણ અંગે સવાલ ઉઠાવવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. આમ છતાં બાદમાં આ જ દરખાસ્ત ફરી મેયર હિતેશ બારોટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

હવે આગામી કમિટી બેઠકમાં નિર્ણયની શક્યતા

મેયર હિતેશ બારોટે સમગ્ર દરખાસ્તનો અભ્યાસ કરવાની વાત કરી હોવાનું જણાવાયું છે. પરિણામે અંતિમ નિર્ણય આગામી કમિટી બેઠક સુધી એટલે કે વધુ 10 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે.

એક તરફ પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગની મહત્વપૂર્ણ જગ્યા લાંબા સમયથી ખાલી છે, તો બીજી તરફ ઉમેદવારને લઈને ચાલી રહેલા વિવાદના કારણે ભરતી પ્રક્રિયા આગળ વધી રહી નથી. હવે આગામી બેઠકમાં નિમણૂક અંગે શું નિર્ણય લેવાય છે તેના પર AMCના કર્મચારીઓ અને રાજકીય વર્તુળોની નજર રહેશે.


આ પણ વાંચો: AMCના વિજિલન્સ વિભાગ સામે સવાલ: 2,578 ફરિયાદોમાં 1,907 કેસ બંધ, 373 હજુ પેન્ડિંગ

આ પણ વાંચો: AMCના નામે ‘ભૂતિયા ડિમોલિશન’નો ખેલ? 3 દુકાનો તૂટી, બે સામે પોલીસ ફરિયાદ

આ પણ વાંચો: નાના ચિલોડામાં ‘ભૂતિયા ડિમોલિશન’: દુકાનો પર બુલડોઝર, AMCએ કહ્યું- ‘અમે કર્યું જ નથી’