Himmatnagar news/ સાબર ડેરીની 62મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, મીડિયાને એન્ટ્રી નહીં, પશુપાલકો માટે મોટી જાહેરાત નહીં; ચેરમેન-સેક્રેટરીઓને ભેટ

સાબર ડેરીની AGMમાં મીડિયાને પ્રવેશ ન મળ્યો. પશુપાલકો માટે કોઈ નવી મોટી જાહેરાત નહી અને ચેરમેન-સેક્રેટરીઓને ભેટ અપાયાની ચર્ચા

Gujarat Others Breaking News
Annual General Meeting

Himmatnagar News: સાબર ડેરીની 62મી વાર્ષિક સાધારણ સભા (AGM)માં મીડિયાને પ્રવેશ ન અપાતા અને સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ થતાં ચર્ચા શરૂ થઈ છે. લાખો પશુપાલકો સાથે જોડાયેલી સભામાં નવી જાહેરાત ન થતાં પણ સવાલો ઉઠ્યા છે.

સાબર ડેરીની Annual General Meetingમાં મીડિયાને પ્રવેશ નહીં

સાબર ડેરીના ઓડિટોરિયમ હોલમાં યોજાયેલી 62મી વાર્ષિક સાધારણ સભા દરમિયાન મીડિયા કર્મચારી (Media Entry)ઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. સભા શરૂ થાય તે પહેલાં જ સિક્યુરિટી સ્ટાફે મીડિયાકર્મીઓને ગેટ પર રોકી દીધા હતા. ડેરી (Saber Dairy)સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આશરે 1800 દૂધ મંડળીઓ અને ત્રણ લાખ જેટલા પશુપાલકો જોડાયેલા હોવાનું જણાવાયું છે. આવી સ્થિતિમાં ડેરીની કામગીરી, નાણાકીય હિસાબો અને પશુપાલકોને લગતા નિર્ણયો અંગે માહિતી મેળવવા મીડિયા માટે પ્રવેશ ન મળતા ચર્ચાએ જોર પકડ્યું છે.

પશુપાલકો માટે કોઈ નવી મોટી જાહેરાત નહીં

વર્ષ 2025-26 માટે પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ રૂ.1007 જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ 29 જૂને પશુપાલકોને રૂ.560 કરોડનો વાર્ષિક ભાવ ફેર પણ ચૂકવવામાં આવ્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં આજની સાધારણ સભામાં પશુપાલકો માટે કોઈ મહત્વપૂર્ણ નવી જાહેરાત થાય તેવી અપેક્ષા હતી. જોકે, નિયામક મંડળ તરફથી કોઈ નવી મોટી જાહેરાત કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે. આ કારણે પશુપાલકોમાં પણ નિરાશા જોવા મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

1050 ચેરમેન અને 900 સેક્રેટરી હાજર

સાબર ડેરીના એમડી સુભાષભાઈ પટેલ (MD Subhash Patel)ના જણાવ્યા મુજબ આ વખતે પ્રથમવાર દૂધ મંડળીઓના સેક્રેટરીઓને પણ સભામાં બોલાવવામાં આવ્યા હતા. સભામાં આશરે 1050 ચેરમેન અને 900 જેટલા સેક્રેટરી હાજર રહ્યા હતા. ડેરી દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરી, નફો અને હિસાબો અંગેની પ્રક્રિયા સભામાં હાથ ધરાઈ હતી. જોકે, મીડિયા પ્રવેશ ન હોવાને કારણે સભાની અંદરની ચર્ચા અને નિર્ણયો અંગે જાહેર માહિતી મર્યાદિત રહી છે.

મોંઘી ભેટની ચર્ચાથી મામલો ગરમાયો

સભા દરમિયાન મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીઓને મોંઘી ભેટ આપવામાં આવી હોવાની ચર્ચા પણ સામે આવી છે. જોકે, આ અંગે સત્તાવાર રીતે ભેટની કિંમત અથવા તેના વિતરણ અંગે વિગત જાહેર કરવામાં આવી નથી.

એક તરફ પશુપાલકો (Pastoralists)માટે નવી જાહેરાત ન થઈ અને બીજી તરફ પ્રતિનિધિઓને ભેટ આપવાની ચર્ચા થતાં મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. હવે આ અંગે ડેરી સત્તાધીશો તરફથી સ્પષ્ટતા થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.


આ પણ વાંચો:પશુપાલકોને સાબર ડેરીની મોટી ભેટ, દૂધ ખરીદીના ભાવમાં ₹15નો વધારો

આ પણ વાંચો:સાબરકાંઠા દૂધના ભાવફેર વધારા બાદ પણ સાબર ડેરી સામે વિરોધનો વંટોળ, હિંમતનગરની દૂધ મંડળી બંધ

આ પણ વાંચો:વાર્ષિક ભાવફેરને લઈને સાબર ડેરીની જાહેરાત : પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચૂકવાશે