Ahmedabad News/ નાના ચિલોડામાં ‘ભૂતિયા ડિમોલિશન’: દુકાનો પર બુલડોઝર, AMCએ કહ્યું- ‘અમે કર્યું જ નથી’

અમદાવાદના નાના ચિલોડા (Nana Chiloda Bogus Demolition)માં દુકાનો પર બુલડોઝર ફેરવાયું, પરંતુ AMCએ આવી કોઈ કાર્યવાહી કરી ન હોવાનો ખુલાસો કર્યો. ખાનગી વિવાદમાં AMCના નામના દુરુપયોગની આશંકા વચ્ચે તપાસ શરૂ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Nana Chiloda Bogus Demolition: બુલડોઝર આવ્યું, દુકાનો તોડી ગયું; AMC બોલ્યું- ‘આ સરકારી કાર્યવાહી નથી’

Ahmedabad News: અમદાવાદના નાના ચિલોડા (Nana Chiloda Bogus Demolition) વિસ્તારમાં દુકાનો પર બુલડોઝર ફેરવવાની ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે. દુકાનો તોડી પાડવા આવેલી ટીમે પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) તરફથી અનધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી રહી હોવાનો દાવો કર્યો હતો. જોકે, સમગ્ર કાર્યવાહી બાદ AMCના એસ્ટેટ વિભાગે સ્પષ્ટતા કરી કે નાના ચિલોડામાં કોર્પોરેશન દ્વારા આવી કોઈ ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી જ નથી.

આ ખુલાસા બાદ ઘટનાને લઈને ‘ભૂતિયા ડિમોલિશન’ની ચર્ચા શરૂ થઈ છે. બીજી તરફ AMCના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ, મામલો સરકારી કાર્યવાહીનો નહીં પરંતુ ખાનગી પ્લોટ અને દુકાનો સાથે જોડાયેલા આંતરિક વિવાદનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

Nana Chiloda Bogus Demolition: AMCના નામે દુકાનો તોડી પાડવામાં આવી

પ્રાપ્ત વિગતો અનુસાર, નાના ચિલોડા (Nana Chiloda Bogus Demolition) વિસ્તારમાં કેટલીક દુકાનો પર અચાનક બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. કાર્યવાહી કરનાર ટીમે સ્થાનિકોને એવી જાણકારી આપી હતી કે તેઓ AMCની ટીમ છે અને વિસ્તારમાં રહેલા અનધિકૃત દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. આ કાર્યવાહી દરમિયાન દુકાનોને નુકસાન પહોંચતાં સ્થાનિક વેપારીઓમાં અફરાતફરી સર્જાઈ હતી. જોકે, બાદમાં જ્યારે AMCના એસ્ટેટ વિભાગ પાસેથી સમગ્ર કાર્યવાહી અંગે માહિતી મેળવવામાં આવી ત્યારે તંત્રએ આવી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનો ઇનકાર કર્યો હતો.

‘AMCએ કોઈ ડિમોલિશન કર્યું નથી’: તંત્ર

AMCના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલે જણાવ્યું હતું કે નાના ચિલોડા (Nana Chiloda Bogus Demolition)માં થયેલા ડિમોલિશનમાં AMCની કોઈ ભૂમિકા નથી. કોર્પોરેશન તરફથી આવી કોઈ ડિમોલિશન કામગીરી કરવામાં આવી નથી. AMCના અધિકારીઓએ સ્થળની તપાસ કરતાં પ્રાથમિક રીતે આ મામલો પ્લોટ માલિકના આંતરિક વિવાદ અને ખાનગી પ્લોટમાં આવેલી ત્રણ દુકાનો સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલે રાજપૂત સિક્યુરિટીના લોકોને પણ મળીને માહિતી મેળવવામાં આવી છે.

AMCનું નામ વટાવનાર સામે પોલીસ ફરિયાદની તૈયારી

ભાગ્યેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે AMCનું નામ વટાવીને જો કોઈ ખાનગી એજન્સી દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હોય તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તંત્ર દ્વારા હવે ઘટનામાં સંડોવાયેલા લોકો કોણ છે, તેમણે કયા આધારે કાર્યવાહી કરી અને AMCના નામનો ઉપયોગ કેવી રીતે કર્યો તે અંગે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. AMCના નામે બોગસ કાર્યવાહી કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેવી પણ તંત્ર તરફથી વાત કરવામાં આવી છે.

બિલ્ડરો વચ્ચેના આંતરિક વિવાદની ચર્ચા

AMC દ્વારા ડિમોલિશન ન કરાયું હોવાની સ્પષ્ટતા બાદ હવે ઘટનાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. પ્રાથમિક રીતે મામલો ખાનગી જમીન અને પ્લોટના માલિકીના વિવાદ સાથે જોડાયેલો હોવાની વાત સામે આવી છે. સ્થાનિક સ્તરે બિલ્ડરો અથવા જમીન સાથે સંકળાયેલા પક્ષો વચ્ચેના આંતરિક વિવાદને કારણે આ કાર્યવાહી થઈ હોવાની ચર્ચા છે. જોકે, આ અંગે સત્તાવાર તપાસ પૂર્ણ થયા પહેલાં કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. સ્થાનિક વેપારીઓએ સમગ્ર ઘટનાની તપાસ કરી દુકાનોને નુકસાન પહોંચાડનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

સુરત બાદ અમદાવાદમાં પણ ‘ભૂતિયા ડિમોલિશન’ની ચર્ચા

તાજેતરમાં સુરતના નાસિરનગર વિસ્તારમાં પણ AMCના નામે થયેલી કહેવાતી ડિમોલિશન કાર્યવાહીને લઈને વિવાદ સર્જાયો હતો. હવે અમદાવાદના નાના ચિલોડા (Nana Chiloda Bogus Demolition)માં પણ સરકારી તંત્રનું નામ વટાવી દુકાનો તોડી પાડવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ ઘટનામાં સૌથી મોટો સવાલ એ છે કે જો AMCની ટીમ નહોતી તો સરકારી તંત્રના નામે દુકાનો તોડવા આવેલી ટીમ કોણ હતી? હવે પોલીસ તપાસમાં આ સવાલનો જવાબ મળ્યા બાદ સમગ્ર ઘટનાની હકીકત વધુ સ્પષ્ટ થઈ શકે છે.


આ પણ વાંચો:‘ભૂતિયા ડિમોલિશન’ મુદ્દે હોબાળો, કેમેરા જોઈ ભાગ્યા SMC કમિશનર

આ પણ વાંચો:નાસીરનગર ડિમોલિશન વિવાદમાં પાલિકાનો ખુલાસો: ‘આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી’

આ પણ વાંચો:સુરતના ભૂતિયા ડિમોલિશન મામલે સરકાર એક્શન મોડમાં