Not Set/ ઝાલાવાડમાં તારીખ 15 થી 22 દરમિયાન 900થી વધુ લગ્નો , નવી ગાઇડલાઇનથી આયોજનો બદલાયા

કોરોના સંક્રમણ વધતા મંડપ-કેટરીંગ-લાઇટ ડેકોરેશનના ધંધા પર ફરી મંદીના વાદળો છવાયા

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં વેપાર-ધંધાની ગાડી માંડ પાટે ચડી હતી, ત્યારે કોરોનાની ત્રીજી લહેરે ફરી મોંકાણ સર્જી છે. અને મંડપ સર્વિસ, લાઇટ-ડેકોરેશનવાળા અને કેટરિંગ સર્વિસ સહિતના ધંધાઓ પર ફરી મંદીના વાદળો ઘેરાતા ચિંતાની લાગણી ફેલાઇ છે. 14મી જાન્યુઆરી બાદ આજે કમુરતા પુરા થતાં ઝાલાવાડમાં તા. 15 થી 22 જાન્યુઆરી દરમિયાન 900થી વધુ લગ્નોના આયોજનો થયા છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધતા સરકારની નવી ગાઇડલાઇનથી આયોજકોને પોતાના આયોજનો બદલવાની ફરજ ઉભી થવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યોં છે. રાજ્ય સરકારે વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં નવી ગાઇડલાઇન બહાર પાડીને તા. 22મી જાન્યુઆરી સુધી લગ્ન સહિતના તમામ સમારંભોમાં 150 વ્યક્તિઓની હાજરીની મર્યાદા બાંધી દીધી છે. જાણવા મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 15 થી 22 જાન્યુઆરી દરમિયાન 900થી વધુ લગ્નોનું આયોજન છે. એકલા સુરેન્દ્રનગર શહેરમાં જ 600થી વધુ લગ્નોનું આયોજન છે. સરકારે 150 વ્યક્તિઓની મર્યાદા બાંધતા લગ્નના આયોજનો બદલાયા છે.

ધામધૂમથી લગ્ન યોજવાવાળા હવે સાદાઇથી આયોજન કરી રહ્યાં છે. તો કેટલાક લગ્નો હાલ મોકૂફ રાખવામાં આવી રહ્યાં છે. પરિણામે લગ્ન પ્રસંગ સાથે જોડાયેલા અનેક લોકોને ધંધામાં નુકશાન થવાની દહેશત વ્યક્ત થઇ રહી છે. ખાસ કરીને મંડપ સર્વિસવાળા, લાઇટ ડેકોરેશનવાળા અને કેટરિંગવાળાના ઓર્ડરો રદ થઇ રહ્યાં છે. બે વર્ષની મંદીમાંથી માંડ માંડ બહાર આવેલા ધંધાર્થીઓ ઉપર ફરી મંદીના વાદળો ઘેરાવા માંડ્યા છે.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ લગ્નના આયોજનો બદલવાથી અને સાદગી પૂર્ણ આયોજન થવાથી બેન્ડવાજા-બગીવાળા, કંકોત્રી-કાર્ડનું છાપકામ કરનારા પ્રેસવાળા, વિડીયો-ફોટોગ્રાફર વગેરે ધંધાર્થીઓને પણ લાખો રૂપિયાનો ધંધો ગુમાવવા પડે એવી કફોડી હાલત સર્જાવા પામી છે એ પણ નરી વાસ્તવિકતા છે.

મંડપ સર્વિસ અને લાઇટ ડેકોરેશનવાળ‍ા ધંધાર્થીઓ ચિંતા સાથે જણાવે છે કે, 22 તારીખ સુધીની ગાઇડલાઇન જો વધારે લંબાશે તો લગ્ન પ્રસંગ સાથે જોડાયેલા તમામ ધંધાર્થીઓની હાલત વધુ કફોડી બની જશે. કોરોનાની ત્રીજી લહેરના કારણે સરકારી પ્રતિબંધો આવતા લગ્નના આયોજકોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. મંડપ ડેકોરેટર્સવાળાના કહેવા મુજબ કોરોનાના પ્રતિબંધો ફેબ્રુઆરી મહિનામાં પણ ચાલુ રહેશે તો આ ધંધાર્થીઓને અંદાજે રૂ. ચાર કરોડનો ધંધો ગુમાવીને નુકશાન વેઠવાનો વારો આવશે હાલ આ બાબતે ઘેરી ચિંતાની લાગણી જોવા મળી રહી છે.