Surat News/ ‘ભૂતિયા ડિમોલિશન’ મુદ્દે હોબાળો, કેમેરા જોઈ ભાગ્યા SMC કમિશનર

Surat SMC Nasirnagar Ghost Demolitionસુરતના નાસીરનગર ભૂતિયા ડિમોલિશન કૌભાંડમાં બિલ્ડરોને બચાવવા મેદાને પડેલા SMC અધિકારીઓ અને મીડિયા વચ્ચે ભારે હોબાળો થયો છે. ધારાસભ્ય વિનુ મોરડિયાએ સસ્પેન્શનની માંગ કરી છે.

Top Stories Gujarat Surat
Surat SMC Nasirnagar Ghost Demolition

Surat SMC Nasirnagar Ghost Demolition: સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા નાસીરનગર ખાતે તાજેતરમાં થયેલા ચકચારી ‘ભૂતિયા ડિમોલિશન’ પ્રકરણે હવે એક અત્યંત ગંભીર અને નવો વળાંક લીધો છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના 100થી વધુ મકાનો પર કોઈ પણ પ્રકારની કાનૂની પૂર્વ સૂચના આપ્યા વિના રાતોરાત બુલડોઝર ફેરવી દેવાના આ કૌભાંડમાં વહીવટી તંત્રની મિલીભગત અને ભ્રષ્ટાચારની આશંકાઓ મજબૂત બની છે. એકતરફ 13 દિવસથી 100 પરિવારો કાળઝાળ ગરમીમાં ઘરવિહોણા બનીને રઝળી રહ્યા છે, તો બીજી તરફ કરોડોના આસામી એવા બેફામ બિલ્ડરોનું કામ કોઈ પણ મંજૂરી વગર હજુ પણ ધમધમી રહ્યું છે. આ પાપ પર પડદો પાડવા માટે SMCના ઉચ્ચ અધિકારીઓ હવે મીડિયાના કેમેરા જોઈને ભાગતા ફરે છે.

Surat SMC Nasirnagar Ghost Demolition

કમિશનર એમ. નાગરાજન અને એન્જિનિયર કેમેરા જોઈ ભાગ્યા

નાસીરનગર ડિમોલિશન અંગે જ્યારે મીડિયા દ્વારા તીખા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયક કેમેરા જોઈને ભાગ્યા હતા અને કોન્ફરન્સ હોલનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. હદ તો ત્યારે થઈ જ્યારે સત્ય છુપાવવા માટે સુરક્ષાકર્મીઓ અને માર્શલોએ મીડિયાકર્મીઓ સાથે સરેઆમ ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં, એન્જિનિયર આશિષ નાયકે પત્રકારોને સંતોષકારક જવાબ આપવાને બદલે તપાસ સમિતિના અધ્યક્ષ મીનાબેન ગજ્જર પાસે મોકલીને લૂલો બચાવ કર્યો હતો અને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હતા.

Surat SMC Nasirnagar Ghost Demolition

SMCની માત્ર ‘માટી પુરાણ’ની નોટિસથી વિવાદ વધુ ઘેરો બન્યો

કોઈપણ મંજૂરી વગર સાઇટ પર ગેરકાયદેસર રીતે મોટું બાંધકામ શરૂ કરી દેવાયું હોવા છતાં, સુરત મહાનગરપાલિકા માત્ર એક કાગળનો ટુકડો પકડાવીને સંતોષ માની રહી છે. મનપાએ બિલ્ડરને આપેલી નોટિસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવા કે કડક કાનૂની પગલાં લેવાનો કોઈ ઉલ્લેખ જ નથી! નોટિસમાં માત્ર એટલું જણાવાયું છે કે, ચોમાસામાં પાણી ભરાવાના કે જમીન ધસી પડવાના ભયથી બેઝમેન્ટ અને પાયાના ખોદાણમાં માટી પુરાણ કરી જમીન લેવલે લાવી દેવી. આ નોટિસથી સ્પષ્ટ થાય છે કે મનપા માત્ર ચોમાસાની ઋતુ પૂરી થવાની અને બિલ્ડરોને સમય આપવાની રમત રમી રહી છે.

Surat SMC Nasirnagar Ghost Demolition

રોડ વિભાગના અધિકારી ટાઉન પ્લાનિંગ (TP)નું કામ કરવા કેમ પહોંચ્યા?

મનપાના નિયમોનુસાર, કોઈપણ મિલકતનું ડી-માર્કિંગ (જગ્યા નક્કી કરવી) કે લાઈન દોરી કરવાની સત્તાવાર જવાબદારી ટાઉન પ્લાનિંગ (TP) વિભાગની હોય છે. પરંતુ આ કેસમાં રોડ વિભાગના કાર્યપાલક અધિકારી સુજલ પ્રજાપતિ અને સેન્ટ્રલ ઝોનના અન્ય અધિકારીઓ જાતે જ લાઈન દોરી કરવા પહોંચી ગયા હતા. સુજલ પ્રજાપતિનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ SOGના DCP રાજદીપસિંહ નકુમ સાથે હાથના ઈશારાથી જગ્યા બતાવતા નજરે પડે છે. આ ઉપરાંત, જે કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતે મશીનરી મંગાવીને ગરીબોના આશિયાના ઉજ્જડ કર્યા, તેની સાથે પણ સુજલ પ્રજાપતિની એક ગુપ્ત તસવીર સામે આવતા ભ્રષ્ટાચારની કડીઓ જોડાવા લાગી છે.

ભાજપના જ MLA વિનુ મોરડિયાએ માંડ્યો મોરચો

આ ગંભીર મામલે હવે ભાજપના જ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ વહીવટી તંત્ર સામે ખુલ્લો જંગ છેડ્યો છે. તેમણે સુરત મહાનગરપાલિકા પર ઓન રેકોર્ડ આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે:

“જ્યારે કમિશનરે પોતે સ્વીકાર્યું છે કે કોર્પોરેશને કોઈ સત્તાવાર ડિમોલિશન કરાવ્યું નથી, તો પછી રોડ વિભાગના અધિકારી સુજલ પ્રજાપતિ અને રામજીવાલા ત્યાં કઈ હેસિયતથી ગયા હતા? બિલ્ડરોના મોટા આર્થિક રોટલા શેકવા માટે જ આ આખો ખેલ રચાયો છે. રાત્રિના સમયે કોની-કોની ગાડીઓ કોના ઘરે પાર્ક થતી હતી તેની વિગતો પણ બહાર આવી ગઈ છે.”

ધારાસભ્ય વિનુભાઈએ વધુમાં આક્રોશ ઠાલવતા કહ્યું કે, સોશિયલ મીડિયા પર ફેક વીડિયો વાયરલ કરીને તેમને માનસિક રીતે દબાવવાનું મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે, પરંતુ ગમે તેટલું મોટું આર્થિક કે રાજકીય દબાણ આવે, જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે અને ભ્રષ્ટ અધિકારીઓ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી સ્તરે પણ લેખિત રજૂઆતો ચાલુ રાખશે.

અધિકારીઓનો રજા પર ઉતરવાનો દાવો માત્ર ‘સ્ક્રિપ્ટેડ ડ્રામા’

બીજી તરફ, એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયકે એક વીડિયો નિવેદન જારી કરીને દાવો કર્યો છે કે 30 મે 2026ના રોજ કરાયેલી કામગીરી સંપૂર્ણપણે કાયદેસર અને અધિકૃત હતી. તેમણે આક્ષેપ કર્યો છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો અને સ્થાનિક નેતાઓના માનસિક દબાણને કારણે SMCના કર્મચારીઓ ભારે તણાવમાં છે અને કેટલાક અધિકારીઓ રજા પર ઉતરી ગયા છે. જોકે, સ્થાનિક જનતા આને માત્ર પોતાની ભૂલો પર પડદો પાડવા માટેનો એક ‘સ્ક્રિપ્ટેડ ડ્રામા’ ગણાવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ભ્રષ્ટાચારની આખી લિન્ક ખુલ્લી પડી ગયા પછી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જવાબદારો સામે ક્યારે સસ્પેન્શનના કડક પગલાં લે છે.


આ પણ વાંચો: સુરતના નાસિરનગર વિસ્તારમાં થયેલા અયોગ્ય ડિમોલિશનને લઈને કોર્ટમાં અરજી

આ પણ વાંચો: સુરતના નાસીરનગરમાં ડિમોલિશનમાં પારસીબાનુના મનપા પરના આક્ષેપથી વિવાદ

આ પણ વાંચો: સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં નવો વળાંક: બિલ્ડરની કાર પર ‘MLA ગુજરાત’ પ્લેટથી ઉઠ્યા સવાલો