Ahmedabad News/ અમદાવાદના ઘોઘાટ પ્રદૂષણમાં વધારો, રાત્રિના ઘોંઘાટથી લોકો પરેશાન, 10 મહિનામાં 17,050 ફરિયાદો

અમદાવાદમાં અવાજ પ્રદૂષણ (Noise Pollution) અંગે 10 મહિનામાં 17,050 ફરિયાદો નોંધાઈ. રોજ સરેરાશ 55થી વધુ કોલ વચ્ચે પાર્ટી પ્લોટ, ડીજે અને ઔદ્યોગિક અવાજ સામે લોકોમાં રોષ.

Gujarat Gandhinagar Breaking News

Ahmedabad News : અમદાવાદમાં મોડી રાત સુધી થતા ઘોંઘાટથી (Noise Pollution) નાગરિકોની પરેશાની વધી રહી છે. છેલ્લા 10 મહિનામાં 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર અવાજ પ્રદૂષણ અંગે 17,050 ફરિયાદો નોંધાઈ છે. આ પ્રમાણે શહેરમાં દરરોજ સરેરાશ 55થી વધુ ઇમરજન્સી કોલ અવાજની સમસ્યા અંગે આવી રહ્યા છે.

નાગરિકોનો આક્ષેપ છે કે રાત્રે 10 વાગ્યા બાદ પણ પાર્ટી પ્લોટ (Party Plot), ડીજે સાઉન્ડ સિસ્ટમ અને કેટલાક ઔદ્યોગિક એકમોમાંથી આવતા અવાજને કારણે ઊંઘમાં ખલેલ પડે છે. કેટલાક રહેણાંક વિસ્તારોમાં અવાજનું સ્તર મંજૂર મર્યાદા કરતાં નોંધપાત્ર રીતે વધુ હોવાની ફરિયાદો પણ સામે આવી છે.

Noise Pollutionથી અમદાવાદીઓ પરેશાન, 17,050 ફરિયાદો નોંધાઈ

શહેરના પશ્ચિમ વિસ્તારમાં સિંધુ ભવન રોડ, એસજી હાઇવે, બોડકદેવ, સેટેલાઇટ, વસ્ત્રાપુર અને પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં પાર્ટી પ્લોટ, ક્લબ અને ઓપન-એર કેફેમાંથી મોડી રાત સુધી અવાજ આવતો હોવાની ફરિયાદો છે.

પૂર્વ વિસ્તારમાં બાપુનગર, નિકોલ, ઓઢવ, નરોડા, અમરાઈવાડી અને વટવામાં સરઘસ, ઉત્સવો અને ઔદ્યોગિક એકમોના અવાજ અંગે ફરિયાદો નોંધાઈ રહી છે.

ઔદ્યોગિક એકમોથી પણ લોકો ત્રસ્ત

વટવા GIDC, નરોડા GIDC, ઓઢવ GIDC, ચાંગોદર અને કઠવાડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ભારે મશીનરી, રાત્રિના લોડિંગ-અનલોડિંગ અને ભારે વાહનોના અવાજને લઈને નાગરિકો પરેશાન છે. જૂના શહેરના કાલુપુર, દરિયાપુર, શાહપુર અને જમાલપુરમાં સામાજિક પ્રસંગો તથા ટ્રાફિકના હોર્નથી થતો અવાજ પણ ફરિયાદનું કારણ બન્યો છે.

નિયમોના પાલન સામે સવાલ

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના નિયમો મુજબ રહેણાંક વિસ્તારમાં દિવસ દરમિયાન 55 ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલની મર્યાદા છે. ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રે 70 ડેસિબલની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

નિયમો હોવા છતાં તેનો અમલ કેટલો થાય છે? કાર્યક્રમોને મંજૂરી આપતી વખતે સ્થળ તપાસ અને અવાજના સ્તરની ચકાસણી થવી જોઈએ, પરંતુ વ્યવહારમાં આ પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે શહેરવાસીઓ રાત્રિના ઘોંઘાટ સામે વધુ કડક કાર્યવાહી અને નિયમોના અસરકારક અમલની માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો: 2 ડિસેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ’ શાથી મનાવાય છે’? જાણો એના ઇતિહાસ અને મહત્વ વિશે…

આ પણ વાંચો:આણંદમાં મોટા અવાજે DJ વગાડ્યું તો…ગયા સમજો, કેમ કલેક્ટરે લીધો નિર્ણય

આ પણ વાંચો: અમદાવાદ પોલીસે રાત્રે ફટાકડા ફોડવા પર મૂક્યો પ્રતિબંધ