GLS University Student Fight: રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં શૈક્ષણિક સંસ્થાઓ હવે રણમેદાન બની રહી હોય તેમ લાગી રહ્યું છે. શહેરની જાણીતી GLS Universityના ગેટ પાસે વિદ્યાર્થીઓ વચ્ચે જૂની અદાવતમાં હિંસક બબાલ થઈ હતી. ગાડીઓની રેસ લગાવવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી મેસેજની બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક વિદ્યાર્થીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.
મેસેજમાં બોલાચાલી અને પછી હુમલો
ઘટનાની વિગત મુજબ, GLS Universityમાં BBA સેમેસ્ટર-2માં અભ્યાસ કરતા રોહિત કુમાવત અને પ્રભજીતસિંગ કલસી વચ્ચે થોડા દિવસો પહેલા ગાડીઓની રેસ લગાવવા બાબતે સોશિયલ મીડિયા મેસેજમાં તકરાર થઈ હતી. આ અદાવત મનમાં રાખીને ગત રોજ જ્યારે રોહિત પોતાની ફીની રિસીપ્ટ લેવા કોલેજ પહોંચ્યો, ત્યારે પ્રભજીતસિંગ અને તેના મિત્રોએ તેને નિશાન બનાવ્યો હતો.
GLS Universityના ગેટ પાસે બબાલ
રોહિત જ્યારે GLS Universityના ગેટ નંબર 8 પાસે પોતાની ગાડી પાર્ક કરી રહ્યો હતો, ત્યારે જ પ્રભજીતસિંગ તેના બે સાગરીતો સાથે ત્યાં ધસી આવ્યો હતો. ‘તું ગાળો કેમ બોલે છે?’ તેમ કહી આરોપી રોહિતને ગાડીની પાછળ ખેંચી ગયો હતો. ત્યાં અચાનક ઉશ્કેરાઈને પ્રભજીતસિંગે પોતાના હાથમાં પહેરેલું સ્ટીલનું કડું રોહિતના માથામાં જોરથી ઝીંકી દીધું હતું.

મિત્રએ બચાવ્યો, VS હોસ્પિટલ ખસેડાયો
હુમલો એટલો જોરદાર હતો કે રોહિતને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું. હુમલાખોરોએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે, રોહિતની સાથે આવેલા તેના મિત્ર આદિ મોર્યએ વચ્ચે પડીને તેને વધુ માર ખાતા બચાવ્યો હતો અને તાત્કાલિક રીક્ષામાં બેસાડી સારવાર માટે વી.એસ. હોસ્પિટલ લઈ ગયો હતો.
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ મામલે ઇજાગ્રસ્ત રોહિતે પ્રભજીતસિંગ કલસી સહિત ત્રણ વિદ્યાર્થીઓ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિ. પ્રોફેસર સામે 5 વિદ્યાર્થિનીઓએ કર્યા આક્ષેપો
આ પણ વાંચો: અમદાવાદની GLS યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે કરી બિભત્સ માંગણી, સ્ક્રિન શોટ્સ વાયરલ
આ પણ વાંચો: BCA સેમ-2ની પરીક્ષામાં બે વાર ખોટા પેપર અપાયા, વિદ્યાર્થીઓમાં ઉભી થઇ મૂંઝવણ
