અમદાવાદ,
અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળી હતી ત્યારે શહેરમાં વરસાદે અમી છાંટણા કર્યા હતા.અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત વહેલી સવારે 6 વાગે થઈ હતી અને તે સમયે જ મંદિર જે વિસ્તારમાં આવ્યું છે તે જમાલપુર વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.
આજે સવારે અમદાવાદમાં રથયાત્રા માટેની પૂજા-વિધિ દરમિયાન અમી છાંટણા થતાં લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. રથયાત્રા દરમિયાન વરસાદ થાય તો તેને પવિત્ર માનવામાં આવે છે.
અમદવાદના બીજા વિસ્તારમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. અમદાવાદની વાત કરીએ તો આજનું તાપમાન 37 ડીગ્રી રહેવાનું છે જ્યારે લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી રહેશે. સામાન્ય વરસાદના કારણે શહેરીજનોને બફારો અનુભવાશે. પાંચ જુલાઈ એટલે કે, આવતીકાલે પણ શહેરમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.શહેરમાં 9 જુલાઈ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23 જિલ્લાના 68 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી મૌસમનો કુલ 15.80% વરસાદ વરસ્યો છે.
હવામાન ખાતાના અપડેટ્સ અનુસાર, આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં વલસાડ, દમણ, દીવ, અમરેલી, ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના અન્ય ભાગોમાં થનારા વરસાદની આગાહીની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં હળવા વરસાદની આગાહી છે. આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પણ વરસાદી ઝાપટાં આવશે. આજે અને 5 જૂનના રોજ આણંદ, વડોદરા, દાહોદ, નર્મદા, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
